કેવી સરસ વાત : કેરળની આ ગુજરાતી શાળાએ પુરા કર્યા 100 વર્ષ !

મહાજનો દ્વારા અહીં કોચિંગ સેન્ટર 1904માં શરુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી છોકરીઓને ગુજરાતી ભાષા શીખવતું

મહાજનો દ્વારા અહીં કોચિંગ સેન્ટર 1904માં શરુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી છોકરીઓને ગુજરાતી ભાષા શીખવતું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :

  'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" ઉક્તિને યથાર્થ કરતી એક સરસ ઘટના  આજથી 24 કલાક પહેલા જ કેરળમાં બની ગઈ !  ગુજરાતમાં જ જ્યાં માતા-પિતા પોતાના પાલ્યને ગુજરાતી ભાષાથી દૂર રાખવામાં 'ગૌરવ' અનુભવતા હોય તેવી સ્થિતિમાં ગુજરાતથી દૂર કેરળમાં ગુજરાતી ભાષાનું જતન અને શિક્ષણ આપતી એક શાળાને 100મુ વર્ષ બેસે; તે શું આનંદની વાત નથી ?

  અમે વાત કરી રહ્યા છીએ 'કોચીન ગુજરાતી સ્કૂલ'ની; જે કોચીન, કેરળના મટનચેરી વિસ્તારમાં આવેલી છે. આ ગુજરાતી શાળાએ તેના અસ્તિત્વના 100 સફળ વર્ષ પુરા કર્યા છે. આ અંગેની નોંધ 'ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ' અને દક્ષિણના કેટલાક અન્ય પ્રતિષ્ઠિત અખબારો અને સામયિકોએ ભારે અદબપૂર્વક નોંધી છે.  આ  અહેવાલોને  અનુસરીને લખીયે તો આ શાળાને 100 વર્ષ થયાની વાતને વાગોળતા 94 વર્ષના ધરમશી છગનલાલ જસાપરાના આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે ! તે ભાવુક થઈને જણાવે છે, "મને બરાબર યાદ છે, આ નિશાળમાં અમને મૌખિક ઢબે ગુજરાતી કક્કો શીખવાતો. ના, ત્યારે કોઈ પાટલી નહોતી કે નહોતી કોઈ વ્યવસ્થા- છતાંય અમે હસતા મોંએ સુખેથી ભણતા". આ શાળામાં ભણેલા જસાપરા પછી મટનચેરીના ઓઈલના જાણીતા વેપારી બને છે.

  31 જાન્યુઆરી, 2019ના રોજ 100 વર્ષ પૂર્ણ કરનારી કોચીનની આ ગુજરાતી શાળાએ તેના ઉમદા શિક્ષણથી સંખ્યાબંધ વેપારી, ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેદા કર્યા.

  'કોચીન ગુજરાતી મહાજન' ના કન્વીનર ભરત ખોના જણાવે છે કે, 'અમે બધા ત્રીજી-ચોથી પેઢીના ગુજરાતી સમાજના લોકો છીએ અને અમે વર્ષોથી કેરળને અમારું ઘર બનાવ્યું છે. હા, એ અલગ વાત છે કે ધંધાર્થે અમે અન્ય કોઈ શહેરોમાં કે વિદેશ ગયા હોઈએ. હાલની પેઢીના બાળકોમાં આ શાળામાં દાખલ થવાનું ચલણ ઘટ્યું છે'  આ શાળામાં હંમેશા પશુ-પક્ષીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવાનું શીખવવામાં આવે છે. અહીં ગાયોની દેખભાળ માટે પાંજરાપોળ શરુ કરનારા મહાજનો દ્વારા આ શાળા શરુ કરવામાં આવી હતી. હવે તો અહીં પાંજરાપોળ સમેટાઈ ગઈ છે, ગણતરીની ગાયો હશે, પરંતુ કબુતરના ચબુતરા શાળામાં જ છે.  મહાજનો દ્વારા અહીં કોચિંગ સેન્ટર 1904માં શરુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી છોકરીઓને ગુજરાતી ભાષા શીખવતું. બાદમાં એક પૂર્ણકાલીન શાળા અસ્તિત્વમાં આવી. 1957માં કેરળ સરકારે તેને ગ્રાન્ટ-ઈન-એડ શાળાનો દરજ્જો આપ્યો. 1962માં આ શાળામાં અંગ્રેજી માધ્યમની પરવાનગી પણ મળી અને હાઇસ્કુલ અસ્તિત્વમાં આવી. હાલના તબક્કે આ સ્કૂલમાં 2500 વિદ્યાર્થીઓ અને લગભગ 115 શિક્ષકો છે

  (શ્વેત-શ્યામ તસ્વીર : નૈના ગિરીશ દ્વારા  ફેસબુક ઉપરથી સાભાર )
  Published by:sanjay kachot
  First published: