ઝાકિયા જાફરીની અરજી પર દલીલ કરતા કપિલ સિબ્બલ ભાવુક બન્યા, કહ્યું, ‘હું પણ એ જ નફરતનો શિકાર બન્યો છું.’

સિબ્બલે કહ્યું કે, ઘટના અંગે અમારી દલીલો સાચી છે, હું એવું નથી કહેતો પરંતુ જે પણ થયું તેની તપાસ થવી જોઈએ. (file photo)

SIT તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે, ઝાકિયા ઝાફરીની ફરિયાદની ઊંડાણમાં તપાસ કરવામાં આવી અને આ મામલાને આગળ વધારે એવી કોઈ વસ્તુ નથી મળી. તો સિબ્બલે કહ્યું કે, ઘટના અંગે અમારી દલીલો સાચી છે, હું એવું નથી કહેતો પરંતુ સત્ય બહાર આવવું જોઈએ.

  • Share this:
    નવી દિલ્હી. ગુજરાતના દંગાના કેસની તપાસ કરનારી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)એ બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2002ના ગુજરાત દંગામાં મોટા ષડ્યંત્રનો આરોપ લગાવનાર ઝાકિયા ઝાફરીની ફરિયાદની ઊંડાણમાં તપાસ કરવામાં આવી અને આ મામલાને આગળ વધારે એવી કોઈ વસ્તુ હાથ નથી લાગી. એસઆઈટી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચને જણાવ્યું કે, ઝાકિયા જાફરીની ફરિયાદની ‘વિસ્તૃત’ તપાસ કરવામાં આવી હતી અને નિવેદન નોંધવામાં આવ્યા હતા.

    જાફરી કોંગ્રેસના દિવંગત નેતા અહેસાન જાફરીની પત્ની છે જેમની 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોમી હિંસા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હિંસામાં અહેસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના એક દિવસ પહેલા ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગતાં ગુજરાતમાં 59 લોકોના મોત થયા હતા અને ગુજરાતમાં દંગા થયા હતા.

    ઝાકિયાએ દંગા દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીન ચિટને પડકારી છે. રોહતગીએ બેન્ચને કહ્યું, ‘તેમની (ઝાકિયા) ફરિયાદની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. SIT એ નિષ્કર્ષ પર પહોંચી કે પહેલેથી જ દાખલ કરાયેલી ચાર્જશીટ સિવાય 2006ની તેમની ફરિયાદને આગળ વધારવા માટે કોઈ સામગ્રી ન હતી.’

    રોહતગીએ જણાવ્યું કે રમખાણોના કેસોમાં નવ મુખ્ય એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 2008-2009માં એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેણે આ બાબતોને પોતાના હાથમાં લીધી હતી અને બાદમાં ચાર્જશીટ અને પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

    આ પણ વાંચો: ગોરખપુર: ‘પાકિસ્તાની ધ્વજ’ લગાવવા મુદ્દે તણાવ, 4 વ્યક્તિ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો

    ઝાકિયા જાફરી તરફથી હાજર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, જાફરીએ 2006માં ફરિયાદ કરી હતી જેમાં મોટા ષડયંત્રની વાત કરવામાં આવી હતી અને SITએ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની કોઈ તપાસ હાથ ધરી ન હતી.

    કપિલ સિબ્બલે કહ્યું- ‘હું પણ એ નફરતનો શિકાર થયો છું’

    કપિલ સિબ્બલે ભાવુક થઈને કહ્યું કે, ‘મેં પાકિસ્તાનમાં મારા દાદા-દાદી ગુમાવ્યા છે. હું પણ એ જ નફરતનો શિકાર છું.’ સાંપ્રદાયિક હિંસા એ જ્વાળામુખીમાંથી નીકળતા લાવા જેવી છે. આ સંસ્થાકીય હિંસા છે. જ્યાં પણ એ લાવા સ્પર્શે છે ત્યાં પૃથ્વીના ડાઘા પડી જાય છે.'

    આ પણ વાંચો: કોરોના વિરોધી આ મેઇડ ઇન ઇન્ડિયા દવાને થોડા દિવસોમાં મળી શકે છે મંજૂરી

    સિબ્બલે કહ્યું કે, ઘટના અંગે અમારી દલીલો સાચી છે, હું એવું નથી કહેતો પરંતુ જે પણ થયું તેની તપાસ થવી જોઈએ. સત્ય બહાર આવવું જોઈએ. આ મામલામાં મેજિસ્ટ્રેટે એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી વધુ કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. SITએ યોગ્ય તપાસ કરી નથી. આખરે આ મામલાનું સત્ય કેવી રીતે બહાર આવશે.
    Published by:Nirali Dave
    First published: