Home /News /national-international /I. I. Chundrigar Birth Anniversary: વાત એ ગુજરાતીની જે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા, પણ આ કારણે 55 દિવસમાં છોડવું પડ્યું પદ
I. I. Chundrigar Birth Anniversary: વાત એ ગુજરાતીની જે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા, પણ આ કારણે 55 દિવસમાં છોડવું પડ્યું પદ
ઇબ્રાહિમ ઈસ્લાઇલ ચુંદરીગરઃ પાકિસ્તાન વડાપ્રધાન તરીકે સૌથી ઓછા કાર્યકાળનો રેકોર્ડ આ ગુજરાતીને નામે
ઇબ્રાહિમ ઈસ્લાઇલ ચુંદરીગરઃ પાકિસ્તાન વડાપ્રધાન તરીકે સૌથી ઓછા કાર્યકાળનો રેકોર્ડ આ ગુજરાતીને નામે
I. I. Chundrigar Birth Anniversary: આજે પાકિસ્તાનના (Pakistan) છઠ્ઠા વડાપ્રધાન ઇબ્રાહિમ ઈસ્લાઇલ ચુંદરીગરની (Ibrahim Ismail Chundrigar) જન્મ જયંતી છે. ગોધરામાં જન્મેલા અને અમદાવાદ તથા મુંબઈમાં અભ્યાસ કરનારા ચુંદરગીર માત્ર 55 દિવસ જ પાકિસ્તાનની વડાપ્રધાનની ખુરશી પર બિરાજી શક્યા હતા. ઈબ્રાહિમ ચુંદરીગરને પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી 17 ઓક્ટોબર, 1957ના રોજ સોંપવામાં આવી હતી. પણ તેમની સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં તેઓ બહુમતી સાબિત ન કરી શકતાં માત્ર 55 દિવસ પાકિસ્તાનની સર્વોચ્ચ સત્તા ભોગવ્યા આ ગુજરાતીને 11 ડિસેમ્બર, 1957ના રોજ પદ છોડવું પડ્યું હતું. પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઓછા સમય માટે વડાપ્રધાનના હોદ્દા પર રહેવાનો ચુંદરીગરનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી નથી શક્યું.
ઈબ્રાહિમ ચુંદરીગરે અમદાવાદ અને મુંબઈમાં કર્યો અભ્યાસ
ઇબ્રાહિમ ઈસ્લાઇલ ચુંદરીગરનો જન્મ 15 સપ્ટેમ્બર, 1897ના રોજ ગોધરામાં (Godhra) થયો હતો. ઈબ્રાહિમ ચુંદરીગરે મેટ્રીક સુધીનો અભ્યાસ અમદાવાદમાં (Ahmedabad) કર્યો અને બાદમાં ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ (Mumbai) પસંદ કર્યું. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી (University of Bombay) ફિલોસોફીમાં બીએની (BA in Philosophy) ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 1929માં LLBની ડીગ્રી મેળવી. નોંધનીય છે કે, વર્ષ 1929થી 1932 સુધી ચુંદરીગરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) વકીલ તરીકે સેવા આપી હતી.
અમદાવાદના જમાલપુર વોર્ડના નગરસેવક તરીકે ચૂંટાયા હતા
હિન્દુસ્તાનની આઝાદી પહેલા ઇબ્રાહિમ ઈસ્લાઇલ ચુંદરીગર 1924થી 1937 દરમિયાન અમદાવાદના જમાલપુર વોર્ડમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા હતા. તેઓ જમાલપુરની પાંચ પીપળી ભૂંગળીની પોળમાં રહેતા હતા અને તે વખતની મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાંથી તેઓ ખૂબ પ્રભાવિત મનાતા હતા.
આઝાદી પહેલા નહેરુની વચગાળાની સરકારમાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી બન્યા
નહેરુની આગેવાનીમાં આઝાદી પહેલી બનેલી સરકારમાં મુસ્લિમ લીગ તરફથી ઇબ્રાહિમ ઈસ્માઈલ ચુંદરીગરને મંત્રીપદ પણ મળ્યું હતું. જ્યારે જવાહરલાલ નહેરુએ વચગાળાની સરકાર બનાવી ત્યારે દેશના ભાગલા નહોતા થયા. જેથી સરકારમાં અનેક મુસ્લિમ લીગના નેતા પણ સામેલ હતા. આ યાદીમાં ચુંદરીગરનો પણ સમાવેશ થાય છે. નહેરુની આઝાદી પહેલાની સરકારમાં તેમને કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના મંત્રી બન્યા હતા. તેઓ આ હોદ્દા પર 2 સપ્ટેમ્બર 1946થી 15 ઓગસ્ટ 1947 સુધી રહ્યા હતા. બાદમાં હિન્દુસ્તાનના ભાગલા થતા તેઓ મોહમ્મદ અલી ઝીણાંની સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા.
વર્ષ 1958માં ચુંદરીગરને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા. તેઓ આ હોદ્દા પર તેમના નિધન સુધી કાર્યરત રહ્યા હતા. વર્ષ 1960માં તેઓ ઈન્ટરનેશનલ લો કોન્ફરન્સને સંબોધિત કરવા હેમ્બર્ગની મુસાફરી કરી રહ્યા હતા. લંડનની મુલાકાત દરમિયાન તેઓ હેમરેજનો શિકાર બન્યા હતા. તેમને રોયલ નોર્ધન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 સપ્ટેમ્બર, 1960ના રોજ તેમનું નિધન થયું હતું. તેમની દફનવિધિ કરાચીમાં કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર