કોણ છે ગિરિશ ચંદ્ર મુર્મુ જેમને જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ બનાવાયા

જી.સી. મુર્મુ (ફાઇલ તસવીર)

ગિરીશ ચંદ્ર મુર્મુ (Girish Chandra Murmu)ને જમ્મુ-કાશ્મીર અને પૂર્વ રક્ષા સચિવ રાધા કૃષ્ણ માથુર (Radha Krishna Mathur)ને લદાખ (Ladakh)ના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી : ગુજરાત કેડરના IAS અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મુ (Girish Chandra Murmu)ને જમ્મુ-કાશ્મીર અને પૂર્વ રક્ષા સચિવ રાધા કૃષ્ણ માથુર (Radha Krishna Mathur)ને લદાખ (Ladakh)ના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ માહિતી શુક્રવારે એક અધિકારિક જાહેરાતમાં આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal Malik)ને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

  કોણ છે મુર્મુ?

  મુર્મુ ગુજરાત કેડરના 1985ના બેચના અધિકારી છે. મુર્મુ આ વર્ષે નવેમ્બરમાં સેવાનિવૃત્ત થશે. જ્યારે ત્રિપુરા કેડરના 1977ના અધિકારી માથુર રક્ષા સચિવ તરીકે કામ કરી ચુક્યા છે અને પૂર્વ મુખ્ય સૂચના કમિશનર છે. માથુર ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્રીય સૂચના આયોગમાંથી સેવાનિવૃત્ત થયા છે.

  21મી નવેમ્બર 1959ના રોજ જન્મેલા મુર્મુ મૂળ ઓડિશાના છે. તેમણે પોલિટિકલ સાયન્સમાં સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે. તેમણે યુકેની બર્મિંઘમ યુનિવર્સિટી (Birmingham University)માંથી એમબીએનો અભ્યાસ કર્યો છે.

  મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મુખ્ય સચિવ રહ્યા હતા. મુર્મુને કેન્દ્ર સરકારના વિશ્વાસપાત્ર લોકોમાંના એક માનવામાં આવે છે.

  કોણ છે કૃષ્ણ માથુર

  1977ની બેચના ત્રિપુરા કેડરના કૃષ્ણ માથુરે રક્ષા સચિવ તરીકે કામ કર્યું છે અને તેઓ પૂર્વ મુખ્ય સૂચના કમિશનર રહી ચુક્યા છે. તેઓ પોતાના પદેથી નવેમ્બર 2018ના રોજ નિવૃત્ત થયા છે.

  કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક આદેશ પ્રમાણે ગુપ્તચર બ્યૂરોના પૂર્વ પ્રમુખ અને કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે નિમાયેલા મુખ્ય વાર્તાકાર દિનેશ્વર શર્માને લક્ષદ્વીપના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.

  મિઝોરમ માટે પણ નવા રાજ્યપાલ

  રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપાની કેરળ શાખાના અધ્યક્ષ પી એસ શ્રીધરન પિલ્લઇને મિઝોરમના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આસામના રાજ્યપાલ જગદીશ મુખી મિરોઝરમના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. સત્યપાલ મલિક ગોવાના રાજ્યપાલનો ચાર્જ સંભાળશે, તેઓ મૃદુલા સિંહાનું સ્થાન લેશે.

  બંને કેન્દ્ર શાસિત પ્રદેશ 31મી ઓક્ટોબરના રોજ અસ્તિત્વમાં આવ્યા છે. મોદી સરકારે ગત પાંચમી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને ખતમ કરી દીધી હતી અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: