દેશની રાજધાની દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને કેજરીવાલ સરકાર કડક બની છે. દૈનિક કેસમાં તીવ્ર વધારા બાદ હવે માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છે. સાર્વજનિક સ્થળોએ માસ્ક વગર જોવા મળતા લોકો પર 500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે.
કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનનો નવો સબ-વેરિયન્ટ દિલ્હીમાં જોવા મળ્યો છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાનું એક કારણ પણ આ પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી દિલ્હી સરકારે આજથી ફરી જાહેર સ્થળો પર માસ્ક પહેરવાના નિયમને ફરજીયાત બનાવ્યો છે. તેમજ આ નિયમનો ઉલ્લંઘન કરનારને 500 રુપિયાના દંડની જાહેરાત કરવામં આવી છે. દિલ્હી સરકાર દ્વારા આજે આ અંગે નોટિફિકેશ જાહેર કરતા કહેવામાં આવ્યું કે પ્રાઈવેટ ફોર વ્હીલર્સમાં પ્રવાસ કરતા લોકોને કારની અંદર માસ્ક પહેરવાનો નિયમ લાગશે નહીં.
મહત્વનું છે કે તાજેતરમાં રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાનો નવો વેરિયન્ટ દિલ્હીના લોકોને ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ સબ વેરિઅન્ટની ઓળખ BA-2.75 તરીકે કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 90 નમૂનાઓની તપાસ દરમિયાન આ પ્રકારની ઓળખ કરવામાં આવી છે. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના અભ્યાસમાં ખુલાસો થયો છે કે ઓમિક્રોનના આ પેટા વેરિઅન્ટનો ચેપ દર વધારે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પ્રકાર એવા લોકોને પણ અસર કરે છે જેમના શરીરમાં પહેલાથી જ એન્ટિબોડીઝ છે અથવા જેમણે કોરોનાની રસી લીધી છે.
નોંધનીય છે કે દિલ્હીમાં ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જો એક દિવસ પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મંગળવારે દિલ્હીમાં 2495 નવા કોરોના સંક્રમિત નોંધાયા હતા. તેમજ કોરોના ચેપને કારણે 7 લોકોના મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે સકારાત્મકતા દર પણ વધીને 15.41 ટકા થયો હતો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધીમાં દિલ્હીમાં સક્રિય કેસની કુલ સંખ્યા 8506 પર પહોંચી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર