Home /News /national-international /

દેશમાં પ્રદૂષિત નદીઓમાં ગુજરાત ચોથા ક્રમે, સરકાર ગંભીર નથી: કોંગ્રેસ

દેશમાં પ્રદૂષિત નદીઓમાં ગુજરાત ચોથા ક્રમે, સરકાર ગંભીર નથી: કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કેટલાક આક્ષેપો કર્યા

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કેટલાક આક્ષેપો કર્યા હતા

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કેટલાક આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું સ્‍પષ્‍ટ થયા છતાં રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-ક્લાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ-પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે.

  ગમે તેવો-ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી તેવો પ્રશ્‍ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વન પર્યાવરણ અને કલાયમેન્‍ટ ચેંજ ભારત સરકારના મંત્રાલય દ્વારા લોકસભામાં આપેલા જવાબ મુજબ ગુજરાતની ૨૦ નદીઓ પ્રદૂષિત છે તેમાં સાબરમતી, નર્મદા, મહિ અને તાપી નદીનો પણ સમાવેશ થાય છે. પ્રદૂષિત નદીઓના દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા સાબરમતી અને સોનગઢ તાલુકાની મિંડોલા નદીમાં પ્રદૂષણના ઘટાડા માટે ચાર વર્ષમાં ૨૦૧ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપવામાં આવી છે. નદીના પ્રદૂષિત પાણી માટે સૌથી મોટો પડકાર ઔદ્યોગિક-કેમિકલ કચરો અને ગટરના પાણી પણ મુખ્‍ય છે. ગુજરાતમાં નદીઓમાં પ્રદૂષિત સ્‍થિતિ ખરાબથી અતિ ખરાબ તરફ આગળ વધી રહી છે.”

  ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યુ કે, “સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી સહિતની નદીઓને પ્રદુષિત થતી અટકાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જિંદગી સાથે ચેડાં કરી રહ્યું છે એટલે કુદરતી નદીઓનું પાણી પ્રદુષિત થાય છે પરીણામે પીવાલાયક પણ રહેતું નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું સ્‍પષ્‍ટ થયા છતાં રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી.”

  તેમણે વધુમાં ઉમેર્યુ કે, “ઝડપી ઔદ્યોગિકરણ અને શહેરીકરણના યુગમાં દૂષિત પાણી જળાશયોમાં છોડવામાં આવે અથવા ફરી વપરાશમાં લેવામાં આવે તે પહેલાં તેના પર પ્રક્રિયા કરીને સહીયારા જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટ ખુબ જ મહત્‍વની ભુમિકા ભજવે છે. વર્ષ ૨૦૧૫ના કેગના અહેવાલમાં પ્રદૂષણ અંગે જે વિગતો રજૂ થઈ છે તે ચોંકાવનારી છે. જેતપુર ડાઈંગ અને પ્રિન્‍ટીંગ એસોશીએશનના સહિયારા જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટના પાણી ૧૫૦૦ એકર કૃષિ જમીનની સિંચાઈ માટે વાપરવામાં આવે છે આમ છતાં શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટે માન્‍ય યુનિવર્સીટી દ્વારા સિંચાઈની જમીન પર નકામા પાણીનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો ન હતો. પસંદ કરેલા સહિયારા જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટ દ્વારા દૂષિત પાણીના નિકાલ બાબતે નિકાલના ધોરણોનું પાલન કરવામાં આવ્‍યું નથી. જોખમી કચરાનો સમયસર નિકાલ ન થતાં જેના પરીણામે પાણી ઠાલવવામાં આવતું હતું તે કુદરતી જળાશયોમાં અને ભુતળના પાણીમાં પ્રદુષણ ફેલાયું.”

  કોગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે, કેગના વર્ષ ૨૦૧૭ અહેવાલ મુજબ આઠ મહાનગરપાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી. ચાર મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૧૫૫ નગરપાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્‍થકરણ કરવામાં આવતું નથી. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૯૬ નગરપાલિકાઓમાં ગટર વ્‍યવસ્‍થાતંત્રની સુવિધા નથી. કોઈ પણ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્‍ધીકરણની સુવિધા નથી. ગુજરાતમાં પાણી પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૭૪ હવા પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૮૧ અને પર્યાવરણ સંરક્ષણ ધારા-૧૯૮૬નું મહંદઅંશે અમલીકરણ થતું નથી.”
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: ગુજરાત કોંગ્રેસ

  આગામી સમાચાર