Home /News /national-international /

પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરીઃ 12 વર્ષથી નાની બાળકી પર રેપ કેસમાં થશે ફાંસીની સજા

પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરીઃ 12 વર્ષથી નાની બાળકી પર રેપ કેસમાં થશે ફાંસીની સજા

    બાળકીઓમાં સામે અત્યાચાર રોકવા માટે મોટું પગલું ઉઠાવતા આજે કેન્દ્ર સરકારે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ) એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. આજે દિલ્હી ખાતે મળેલી કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રસ્તાવિત સંશોધન પ્રમાણે હવેથી બાળકીઓ પર રેપના આરોપીઓને ફાંસીની સજા આપી શકાશે. સંશોધન પ્રમાણે 12 વર્ષથી નાની ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં ફાંસીની સજા થશે. આ કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપીને છ મહિનામાં જ ફાંસી આપવાની જોગવાઈ કરવામાં આવશે. બાળકીઓ પર દુષ્કર્મના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની જોગવાઈ કરવામાં આવશે.

    પોક્સો એક્ટમાં સુધારા બાદ 16 વર્ષથી નાની ઉંમરની કિશોરી પર બળાત્કાર કરવાના કેસમાં લઘુતમ સજા વધારીને 10 વર્ષથી 20 વર્ષ કરવામાં આવશે. દોષીને ઉંમરકેદ પણ આપવામાં આવી શકે છે. આ પ્રસ્તાવમાં એવી પણ જોગવાઈ છે કે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં લઘુતમ સજા 20 વર્ષની જેલ અથવા ઉંમરકેદ આપવામાં આવશે.

    દેશમાં દર 15 મિનિટે એક બાળક બને છે યૌન હિંસાનો શિકાર

    બાળ અધિકાર માટે કામ કરતી બિન સરકારી સંસ્થા ક્રાઇ (ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બાળક યૌન ગુનાનો શિકાર બને છે. છેલ્લા 10 વર્ષમાં સગીરો સામે અત્યાચારના કેસમાં 500 ટકાનો વધારો નોંધાયો છે.

    એક રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે બાળકો સામે અત્યાચારના કેસમાંથી 50 ટકા ગુના મુખ્ય પાંચ રાજ્યમાં નોંધવામાં આવ્યા હતા. આ રાજ્યમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

    આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'છેલ્લા 10 વર્ષમાં સગીરો વિરુદ્ધ અત્યાચારમાં 500 ટકાનો વધારો થયો છે. 2016માં કુલ 1,06,958 કેસ સામે આવ્યા હતા. 2006માં આ સંખ્યા 18,967 હતી.

    મંજૂરી બાદ હવે શું?

    કેબિનેટે પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી આપ્યા બાદ હવે સરકાર કાયદમાં જરૂરી ફેરફાર માટે ખાસ ખરડો લાવશે. લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી બાદ નવા સંશોધન સાથે બિલને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા થોડા મહિનાઓથી દેશમાં બાળકીઓ સામે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આખા દેશના લોકોએ વિરોધ ઠાલવ્યો હતો.

    ઉન્નાવ અને કઠુઆમાં બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના કેસ બાદ દેશભરમાંથી એવી માંગણી ઉછી હતી કે પોક્સો એક્ટમાં સુધારો કરવામાં આવે.

    નોંધનીય છે કે પોક્સો એક્ટમાં સંશોધનને લઈ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી કરતા કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, તમારી સરકાર બાળકીઓ પર થઈ રહેલા બળાત્કાર મુદ્દે કાયદામાં શું ફેરફાર કરવાનું વિચારી રહી છે. આના જવાબમાં સરકારે કહ્યું હતું કે તેઓ પોક્સો એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amendment, Capital punishment, Pocso, સરકાર

    આગામી સમાચાર