Home /News /national-international /રાજસ્થાન: ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ ચોકીમાંથી યુવતીને ઉઠાવી ગયા, પતિ અને પોલીસ બંને જોતા રહી ગયાં
રાજસ્થાન: ફિલ્મી સ્ટાઈલમાં પોલીસ ચોકીમાંથી યુવતીને ઉઠાવી ગયા, પતિ અને પોલીસ બંને જોતા રહી ગયાં
પોલીસ ચોકીમાંથી યુવતીનું અપહરણ કરી ઉઠાવી ગયા
રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિલાડા પોલીસ ચોકીમાંથી એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બિલાડા પોલીસ ચોકીમાંથી એક યુવતીનું અપહરણ કરીને લઈ ગયા છે અને પોલીસ જોતી રહી હતી.
જોધપુર: રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિલાડા પોલીસ ચોકીમાંથી એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બિલાડા પોલીસ ચોકીમાંથી એક યુવતીનું અપહરણ કરીને લઈ ગયા છે અને પોલીસ જોતી રહી હતી. યુવતીનું અપહરણ તેના પરિજનોએ કર્યું હોવાનું કહેવાય છે. આ યુવતી પોતાની પતિ સાથે નિવેદન નોંધાવા માટે પોલીસ ચોકીએ આવી હતી. યુવતીના અપહરણ દરમિયાન તેનો પતિ બૂમો પાડતો રહ્યો, પણ તે કંઈ કરી શક્યો નહોતો. હવે પોલીસ યુવતી અને અપહરણકર્તાની શોધમાં લાગી ગઈ છે. પોલીસ ચોકીમાંથી અપહરણનો આ કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હકીકતમાં જોઈએ તો, જોધપુરના બિલાડા વિસ્તારમાં રહેતી યુવતી થોડા સમય પહેલા પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ જ્યારે યુવતી ઘરે પાછી ફરી નહી તો, તેના પરિવારના લોકોએ ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો. રવિવારે યુવતીને પોલીસચોકીએ બોલાવી આ મામલે નિવેદન નોંધવા પોતાના પતિ સાથે આવી હતી. પોલીસ ચોકીના પરિસરમાં જેવી ગાડી આવી કે, પહેલાથી જ તેના પરિવારના લોકો રાહ જોઈ રહ્યા હતા. યુવતીના પરિજનો તેને ઉઠાવીને બીજી ગાડીમાં લઈ ગયા. પોલીસ કંઈ કરે તે પહેલા તો ત્યાંથી યુવતીને લઈને રફ્ફુચક્કર થઈ ગયા. આ દરમિયાન યુવતીનો પતિ ચિસો પાડતો રહ્યો કે તેની પત્નીની હત્યા કરી દેવામાં આવશે, પણ પોલીસ આંખો ચોળતી રહી અને યુવતીને લઈને ગાયબ થઈ ગયા.
બિલાડા પોલીસ ચોકીના અધિકારી બાબૂલાલ રાણાએ જણાવ્યું છે કે, યુવતીનું નામ ગાયત્રી છે. તે થોડા દિવસ પહેલા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી. ત્યાર બાદ યુવતીના પરિવારે તે ગુમ થઈ હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો. આ દરમિયાન યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા. રવિવારે ગાયત્રી અને તેનો પતિ આનંદપુરી પોતાના વકીલ સાથે આ કેસમાં નિવેદન નોંધાવા માટે આવ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે પરિવારના લોકો પોલીસની સામે આ યુવતીને ઉઠાવીને ભાગી ગયા હતાં.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પોલીસ વિભાગમાં કામ કરી રહેલી યુવતીના સમાજના એક સિપાહીએ આ ઘટનાની જાણકારી પરિવારને આપી દીધી હતી કે તે અને તેનો પતિ રવિવારે સાંજે પોતાનું નિવેદન નોંધાવા માટે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પરિવારના લોકોએ પોલીસ ચોકીની આસપાસ ફિલ્ડીંગ લગાવી દીધી. પોલીસ હવે યુવતી અને તેના ઉઠાવી જનારા પરિવારના લોકોને શોધી રહી છે. હાલમાં તો આ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર