CAGની ખુરશી સંભાળનાર આદિવાસી સમુદાયના પ્રથમ અધિકારી બની ગયા છે મોદીના વિશ્વાસુ મુર્મૂ

CAGની ખુરશી સંભાળનાર આદિવાસી સમુદાયના પ્રથમ અધિકારી બની ગયા છે મોદીના વિશ્વાસુ મુર્મૂ
CAG તરીકે શપથ લઈ રહેલા મુર્મૂ.

સુપ્રીમ કોર્ટના જજની બરાબરીવાળા આ પદ પર ગુજરાત કેડરના કોઈ આઈએએસ અધિકારી પ્રથમ વખત નિયુક્ત થયા.

 • Share this:
  ગિરીશ ચંદ્ર મુર્મૂએ ભારતના નવા સીએજી (CAG)તરીકે શપથ લઈ લીધી છે. સંસ્થાના 162 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી સમુદાયમાંથી આવનાર કોઈ વ્યક્તિ સીએજી બન્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મૂને પદ અને ગોપનીયતાની શપથ અપાવી અને આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. મુર્મૂએ તેમની નજીક રહીને લગભગ દોઢ દાયકા આઈએએસ અધિકારી તરીકે કામ કર્યું છે.

  ગિરીશ ચંદ્ર મુર્મૂએ જ્યારે ગુરુવારે સાંજે જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગર્વનરના પદથી રાજીનામું આપ્યું તો તત્કાળ અટકળો થવા લાગી હતી કે તેમના સ્થાને હવે જમ્મુ કાશ્મીરમાં કોને મોકલવામાં આવશે. જોકે મુર્મૂ વિશે કોઈને શંકા ન હતી કે તે જમ્મુ કાશ્મીરનું લેફ્ટિનેન્ટ ગર્વનર પદ કેમ છોડી રહ્યા છે. રાજીનામાના સમાચાર આવતા જ એ સમાચાર ફેલાઈ ગયા હતા કે તે નવા સીએજી તરીકે રાજીવ મહર્ષિનું સ્થાન લેવા જઈ રહ્યા છે. હંમેશા મોદી રાજમાં આવું થતું નથી કે સત્તાવાર જાહેરાત પહેલા આવેલી સૂચના કે અટકળો સાચી પડી હોય પણ મુર્મૂના મામલે આ 100 ટકા સાચી સાબિત થઈ છે. એક તરફ જ્યાં મનોજ સિન્હાની જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટિનેન્ટ ગર્વનર તરીકે નિયુક્તિની જાહેરાત થઈ ત્યારે મુર્મૂને દેશના નવા સીએજી તરીકે નિમણુકની પણ જાહેરાત થઈ હતી.  મુર્મૂની સત્તાવાર જન્મ તિથિ 21 નવેમ્બર 1959 છે. આવામાં સીએજીની નિયુક્તિ સાથે જોડાયેલ નિયમોના મતે 65 વર્ષ થવા સુધી અથવા વધારેમાં વધારે છ વર્ષ સુધી કોઈ આ પદ પર રહી શકે છે. સ્વાભાવિક રીતે મુર્મૂ 21 નવેમ્બર 2025 સુધી આ પદ પર રહેનારા છે. તેનો મતલબ એ કે મોદી સરકારના બીજા કાર્યકાળની આગળ પણ મુર્મૂનો કાર્યકાળ ચાલતો રહેશે. સુપ્રીમ કોર્ટના જજની બરાબરીવાળા આ પદ પર ગુજરાત કેડરના કોઈ આઈએસ અધિકારી પ્રથમ વખત નિયુક્ત થયા છે. તેનાથી પણ મોટી વાત એ છે કે આઝાદી પછી આદિવાસી કલ્યાણ અને હિતોની વાત કરનારી તમામ રાજનીતિક પાર્ટીઓ સત્તામાં રહી પણ કોઈએ આદિવાસી સમુદાયના કોઈ વ્યક્તિને સીએજીની ખુરશી પર બેસાડ્યા નથી. તે પણ ત્યારે જ્યારે દેશને 1947માં મળેલી આઝાદી બાદ અત્યાર સુધી 13 ભારતીય આ પદ પર બેસી ચૂક્યા છે. આ રીતે મુર્મૂ 14માં ભારતીય છે, જે આ પદ પર બેસ્યા છે. જોકે આદિવાસી સમુદાયથી આવનાર પ્રથમ વ્યક્તિ આ પદને સંભાળી રહ્યા છે. સ્વાભાવિક રીતે તેની ક્રેડીટ પીએમ મોદીના ખાતામાં જશે.

  મુર્મૂ ઓડિશાના મયુરગંજથી આવે છે. આઠ ભાઈ બહેનોમાં સૌથી મોટા, માતા સ્કૂલ શિક્ષિકા તો પિતા રેલવેમાં કામ કરતા હતા. બે વર્ષ પહેલા જ પિતાનું નિધન થયું હતું. માતા હજુ પણ ઓડિશામાં રહે છે. જેમને જોવા માટે મુર્મૂ ઘણી વખત ઓડિશા જાય છે. 1985માં આઈએએસ બન્યા પહેલા મુર્મૂ થોડા સમય સુધી ભારતીય સ્ટેટ બેંકના પ્રોબેશનરી અધિકારી તરીકે પણ કામ કર્યું છે. તે સમયે કોને ખબર હતી કે એક દિવસે તે પોતે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસની આગેવાની કરશે. જે વિભાગ બધી બેંકોના પરિચાલનને જુવે છે.  મુર્મૂનો અભ્યાસ ઉત્કલ યુનિવર્સિટીમાં થયો હતો. રાજનીતિ શાસ્ત્રમાં બીએ અને પછી એમએ કર્યું. રાજનીતિ શાસ્ત્રનું આ ઔપચારિક જ્ઞાન મુર્મૂના કામમાં ગત વર્ષે આવ્યું હતું, જ્યારે આર્ટિકલ 370ને ખતમ કર્યા પછી પૂર્ણ રાજ્યથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટિનેન્ટ ગર્વનર તરીકે મુર્મૂ નિયુક્ત થયા હતા. પોતાના દસ મહિનાના કાર્યકાળમાં મુર્મૂએ પોતાના રાજનીતિક જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો.

  મુર્મૂ વિશે દેશના મોટાભાગના લોકોનું ધ્યાન ત્યારે ગયું જ્યારે તેમની જમ્મુ કાશ્મીરના એલજી તરીકે નિમણુક કરવામાં આવી હતી. તે સમયે લોકોને જાણ થઈ કે મુર્મૂ પર પીએમ મોદી કેટલો વિશ્વાસ કરે છે, જે આર્ટિકલ 370ની સમાપ્તિ પછી ઉભી થયેલી ચુનોતીપૂર્ણ સ્થિતિમાં રાજનીતિક પૃષ્ઠભૂમિવાળા સતપાલ મલિકને હટાવી મુર્મૂને ત્યાં લેફ્ટિનેન્ટ ગર્વનર તરીકે મોકલ્યા હતા. એલજીના પદ પર મુર્મૂની આ નિયુક્તિ પહેલા ગુજરાત કે દિલ્હીમાં એક સિમિત વર્ગને જ મોદી સાથે મુર્મૂની નિકટતાની ખબર હતી.

  જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો ત્યાં લોકોનું મુર્મૂ તરફ ધ્યાન ત્યારે ગયું જ્યારે તે યૂકેની બર્મિઘમ યુનિવર્સિટીથી એક વર્ષનો એમબીએ કોર્સ ખતમ કરીને વર્ષ 2004ના સપ્ટેમ્બરમાં ગુજરાત પરત ફર્યા હતા. તેમની આવતા જ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં સચિવ તરીકે નિમણુક કરી હતી. આ પદ પર મુર્મૂ સાડા ત્રણ વર્ષ રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે 2002ના ગુજરાતના રમખાણ પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ઘણા મામલાને ફરી ખોલવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટરના ઘણા મામલાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મુર્મૂએ ઘણી મજબૂતી અને મહેનત સાથે ગુજરાત સરકાર તરફથી કોર્ટમાં આ કાયદાકીય લડાઈને અસરકારક ઢંગથી લડી હતી. ઘણી મહેનત કરી, ક્યારેય કોઈ કામ માટે ના કહી ન હતી. કામ કેટલુ પણ મુશ્કેલ કેમ ના હોય. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં યૂપીએની સરકાર હતી અને મોદીને ઘેરવાની કોઇ તક બાકી રાખી ન હતી. 2004થી 2014 વચ્ચે 10 વર્ષના યૂપીએ શાસન દરમિયાન મનમોહન સિંહની આગેવાની વાળી કેન્દ્ર સરકાર અને મોદીની આગેવાનીવાળી ગુજરાત સરકાર વચ્ચે શાહ-માતનો ખેલ ચાલતો રહ્યો હતો.  આવી પરિસ્થિતિમાં પણ મુર્મૂએ પણ ક્યારે ભાન નથી ખોયું. સ્વભાવથી શાંત, સરળ પરંતુ સ્પષ્ટવાદી, કોઈ જ સંકોચ વગર કડવી વાત કહેવી. સમયના પાબંદી, દરેક જગ્યાએ સમય પહેલા પહોંચવાની આદત, દરેક કામ સમય મર્યાદાથી પહેલા કરવાની કોશિશ. હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તમામ મામલોમાં વકીલોને બ્રીફ કરવાની સાથે સાથે અલગ અલગ આયોગોની સામે પણ ગુજરાત સરકારના પક્ષને મુર્મૂએ મજબૂતીથી રાખ્યો છે. મુર્મૂ જે મહેનત અને લગનથી આ કામને કરી રહ્યા હતા. તેનાથી મોદી ખુબ જ પ્રભાવિત થયા અને મુર્મૂ અંગે તેમનો વિશ્વાસ વધ્યો. આ જ કારણ છે કે એપ્રિલ 2008માં મોદીએ મુર્મૂને પોતાના મુખ્યમંત્રી સચિવાલયમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા. આ સાથે મુર્મૂ ગૃહ વિભાગમાં પણ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્ય કરતા રહ્યા. ધ્યાન રહે કે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તે સાડા તેર વર્ષના કાર્યકાળમાં મોદીએ ગૃહ વિભાગના કેબિનેટ મંત્રી પ્રભાર પોતાની સાથે રાખ્યા, જ્યારે ગૃહ રાજ્ય મંત્રી તરીકે પોતાના વિશ્વાસુ અમિત શાહને 2003માં આ વિભાગમાં રાખ્યા.

  અમિત શાહે ગૃહ રાજ્ય મંત્રી તરીકે 2010માં ત્યારે રાજીનામું આપ્યું જ્યારે સીબીઆઈએ તેમને ઈશરત જહાં એન્કાઉન્ટર મામલામાં ચાર્જશીટ કરી દીધી, સ્વાભાવિક છે કે આ દરમિયાન મુર્મૂ મોદીની સાથે જ અમિત શાહની નજીક આવતા ગયા. છેવટે કાયદાની લડાઈ તેમણે આ બે નેતાઓના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તરફથી લડતા રહ્યા હતા. અમિત શાહના 2010માં રાજ્ય સરકારથી જ નહીં. પરંતુ રાજ્યની બહાર ગયા બાદ પણ કાનૂની મામલોમાં મોદીના સૌથી ખાસ સલાહકાર તરીકે મુર્મૂ જ રહ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ ગઠીત એસઆઈટી સામે ખુદ નરેન્દ્ર મોદીને સીએમ તરીકે 2010માં હાજર થવું પડ્યું હતું. સ્વાભાવિક છે કે કાનૂની લડાઈ મેરાથોન રેસ જેવી હતી. પરંતુ મુર્મૂ આ દોડમાં ક્યારેય હાંફ્યા ન હતા. પરંતુ સતત દોડતા રહ્યા, કાનૂની લડાઈનો ભાર ઉઠાવતા રહ્યા.

  આ સંયોગ છે કે ગુજરાત સરકાર તરફથી સીએમ મોદીના પ્રતિનિધિ તરીકે આશરે દસ વર્ષ સુધી સતત કાનૂની લડાઈનો ભાર ઉઠાવનારા મુર્મૂ વ્યક્તિગત રીતે ભાર ઉઠાવવો પસંદ કરે છે. આનો પુરાવો છે કે તેમના ઋષ્ઠપુષ્ઠ ભુજાઓ અને શરીરના સ્નાયુઓ છે. મુર્મૂ અંગે કહેવામાં આવે છે કે તેઓ બધું છોડી શકે છે પરંતુ ભારે કરસત પોતાનો શોખ નહીં. મુર્મૂ જ્યારે ગાંધીનગરમાં રહેતા હતા તો તે નિયમિત રીતે ગાંધીનગરના જીમખાનામાં વેટલિફ્ટિંગ માટે જતા હતા. અનેક વખત જૂનિયર અધિકારીઓને આનો અહેસાસ ત્યારે થયો જ્યારે પરસેવાથી લથપત મુર્મૂ પોતાના ઘર બોલાવેલી બેઠકમાં તેમની સામે આવ્યા. જાણવા મળ્યું કે જીમખાનાથી વેટલિફ્ટિંગ કરીને આવી રહ્યા છે.  એપ્રિલ 2015માં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ અંતર્ગત દિલ્હી આવ્યા બાદ પણ મુર્મૂને આ શોખ છૂટ્યો નહીં. શરુઆતમાં ન્યૂ મોતીબાગના સરકારી ફ્લેટમાં રહેતા હતા. તો સવારે તેમના સાથી અધિકારી તેમને ગેલેરીમાં પણ ભારે ભરખમ ડંબલ ઉઠાવતા જોઈ શકતા હતા. ત્યારબાદ સરકારી બંગલામાં શિફ્ટ થવા છતાં મુર્મૂએ પોતાની આ હોબીને ચાલું રાખી. જો કોઈ નજીકથી જુએ તો મુર્મૂની ફડકતી ભુજાઓ દેખાશે. ફિટનેસનો અંદાજો લગાવી શકાય. જેણે સતત ડંબલનો ભારે ભરખમ ભાર ઉઠાવીને મુર્મૂએ હાંસલ કરી છે. જેને જોઈને એક વખત જોન અબ્રાહમ પણ શરમાઈ શકે છે.

  જ્યાં સુધી ભાર ઉઠાવવાનો સવાલ છે મુર્મૂ પોતાના ભાઈ-બહેનનો પણ ભાર ઉઠાવતા આવ્યા છે. આઠ ભાઈ બહેનોમાં સૌથી મોટા હોવાના કારણે મુર્મૂએ બધાનો સારો અભ્યાસ થાય તે સુનિશ્વિત કર્યું છે. પોતે ઉત્કલ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. પરંતુ તેમના એક ભાઈ શિરીષ ચંદ્ર મુર્મૂ જેએનયુમાં એમએસસીનો અભ્યાસ કરીને રિઝર્વ બેન્કમાં નોકરી પર લાગી ગયા છે. અત્યારે તેઓ કોલકત્તામાં રિઝર્વ બેન્કના રિઝનલ ડાયરેક્ટર છે. બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઉપર આરબીઆઈ તરફથી નામિત નિર્દેશક. મુર્મૂના એક બીજા ભાઈ યુપીએસસી કરીને રેલવેમાં ઉચ્ચ પદ ઉપર છે.

  જ્યાં સુધી મુર્મૂના પોતાના પરિવારનો પ્રશ્ન છે. તેમની પત્ની સ્મિતા શુક્લા મુર્મૂએ પીએચડી કરી છે અને સામાજિક સેવામાં સક્રિય છે. મુર્મૂની પુત્રી રુચિકા યુપીએસસીની તૈયારી કરી રહી છે. પુત્ર રુહાન 12માનો વિદ્યાર્થી છે. મુર્મૂ જ્યારે ઓફિસનું કામ કરતા નથી ત્યારે તેઓ પરિવાર સાથે સમય વિતાવે છે. એક્શન ફિલ્મો જોવાનો પણ તેમનો શોખ છે.

  જોકે, મુર્મૂને પરિવાર માટે છેલ્લા દોઢ દશકમાં વધારે સમય નથી મળ્યો. ના તો સીએમ કે પીએમ સુધી છેલ્લા બે દશકની યાત્રામાં મોદીએ પોતે કોઈ રજા નથી લીધી અને ના તેમના નજીકમાં રહી કામ કરનાર અધિકારીઓએ. મુર્મૂ સાથે પણ આવું જ રહ્યું. 2004થી લઈ 2014 સુધી સળંગ તેમણે મોદીની સાથે અધિકારી તરીકે કામ કર્યું છે. કામનું દબાણ ખુબ વધારે રહ્યું, ગાંધીનગરથી દિલ્હી સુધીની દોડ દર મહિને લગાવતા રહ્યા, કેટલીક વખત તો અઠવાડીયામાં જ દિલ્હીનું એક ચક્કર લાગી જતું હતું. મે 2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી છોડીને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા તો મુર્મૂ તેમના બાદ મુખ્યમંત્રી બનનાર આનંદીબેન પટેલના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે એક વર્ષ સુધી કામ કરતા રહ્યા અને પછી એપ્રિલ 2015માં દિલ્હીનો રસ્તો પકડ્યો. મુર્મૂ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર પહેલી વખત ત્યારે આવ્યા, જ્યારે મોદી પીએમ બનીને વર્ષ પહેલા 2014માં દિલ્હી આવી ચૂક્યા હતા.

  ઓક્ટોબર 2019માં જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર નિયુક્ત થયા પહેલા લગભગ સાડા ચાર વર્ષ સુધી મુર્મૂ નાણા મંત્રાલયની અંદર જ અલગ-અલગ ભૂમિકા નિભાવતા રહ્યા. 20 એપ્રિલ 2015ના રોજ નામા મંત્રાલયની અંદર જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ શરૂ કરનાર મુર્મૂએ 29 ઓક્ટોબર 2019ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરના સેક્રેટરીનો પદભાર ત્યારે છોડ્યો, જ્યારે તેમને જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર બનાવી દેવામાં આવ્યા. આ દરમિયાન તેમણે વ્યય, બેન્કિંગ અને રાજસ્વ જેવા તમામ મહત્વપૂર્ણ વિભાગોમાં કામ કર્યું, જે અનુભવ હવે દેશના ચૌદમાં સીએજી તરીકે તેમના કામ આવવાનો છે.  મુર્મૂને કડક હોમવર્ક કરવાની આદત છે. ગુજરાતમાં જ્યારે તે મુખ્યમંત્રી સચિવાલય સાથે ગૃહ વિભાગનું કામ પણ જોઈ રહ્યા હતા, તો દરેક ફાઈલને ધ્યાનથી વાંચવી તેમની આદત હતી. પછી તે ભલે પોલીસ અધિકારીઓની બદલીની ફાઈલ કે પ્રમોશનની ફાઈલ જ કેમ ના હોય. તેઓ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ચાલતા મામલાને પણ ધ્યાનથી વાંચતા. મુર્મૂ દરેક વિષયમાં ઊંડા ઉતરતા હતા. એટલું જ નહીં, વરિષ્ઠ અધિકારીઓ હોવા છતા તે પોતે મહત્વપૂર્ણ મામલાઓની ચર્ચા કરવા માટે મોટા વકીલો પાસે જતા હતા.

  મોદીના મિત્ર અને બીજેપીના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરૂણ જેટલી પાસે મૂર્મ હંમેશા આવતા હતા તુષાર મહેતા સાથે, જે તે સમયમાં ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ હતા અને દેશના સોલિસિટર જનરલ હતા. જે મોટા વકીલો ગુજરાત સરકારના કેસ તે સમયે લડતા હતા અથવા પછી સલાહ આપતા હતા, તેમાં હરીશ સાલ્વેથી લઈ મુકુલ રોહતગી અને સુશીલ કુમારથી લઈ રંજીત કુમાર પણ સામેલ હતા. અનેક વખત આ વકીલોની ચેમ્બર બહાર મૂર્મુએ લાંબી રાહ પણ જોવી પડતી હતી, પરંતુ મૂર્મુએ ક્યારે પણ નારાજ નથી થયા તેમની જગ્યાએ કોઈ અન્ય આઈએએસ હોય તો જરૂર ખોટુ લગાડી દે. હા, એક વકીલને તેમને માફ નથી કર્યો, જે રાહ જોવડાવવાનું તો ઠીક, પરંતુ ટેબલ પર મોટી ફી મુકાવ્યા વગર વાત કરવા પણ તૈયાર થતો ન હતો. કદાચ મૂર્મુની એ ફિડબેક જ રહી, જે મોદી સરકારના કેન્દ્રમાં ગયા બાદ તમામ સંબંધિત વકીલોને મોટા પદ અને સન્માન મળ્યા, માત્ર એક જ વકીલને છોડી. આજે તે વકીલ તે દિવસોને યાદ કરી પસ્તાવો કરી રહ્યો હશે, જ્યારે ફટાફટ ફી ખીસ્સામાં રાખવાની લાલચ પર કાબુ ન કરી શક્યા.

  મુર્મૂએ ખુદ ક્યારે પણ લાલચ નથી દેખાડી. જ્યારે મોદી મે 2014માં દિલ્હી પીએમ તરીકે આવી ગયા, તો બધાને લાગી રહ્યું હતું કે, મૂર્મુ તુરંત દિલ્હી રવાના થઈ જશે, પરંતુ મૂર્મુને દિલ્હી જતા-જતા 11 મહિના લાગી ગયા. ત્યારે પણ અટકળો થતી હતી કે, તેમને પ્રવર્તન નિર્દેશાલયના પ્રમુખ બનાવવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. નાણા મંત્રાલયમાં લો પ્રોફાઈલ રાહેતા મૂર્મુ ચુપચાપ પોતાનું કામ કરતા રહ્યા. અને આખરે જ્યારે ઓક્ટોબર 2019ના અંતિમ દિવસોમાં મૂર્મુને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટિનેન્ટ ગવર્નર બનાવાવની જાહેરાત થઈ તો, મોટા-મોટા નેતાઓ અને અધિકારીઓને પોતાના કાન પર ભરોસો નહોતો થયો. મૂર્મુ 60 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટના પહેલા જ આટલા મહત્વપૂર્ણ પદ પર બેસી જશે, કોઈએ વિચાર્યું પણ ન હતું. સામાન્ય અધિકારીમાંથી મહામહિમ બની જવું આટલું સરળ નથી હોતું અને તે પણ જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશિલ પ્રદેશનું.

  એક વર્ષની અંદર જ મૂર્મુની એક વધુ મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરી પીએમ મોદીને બધાને ચોંકાવી દીધા છે. જોકે, પીએમ મોદીને નજીકથી ઓળખનારા લોકો માટે આમાં ચોંકવા જેવું કશું નથી લાગતું. મોદી નિષ્ઠા અને મહેનતની હંમેશા કદર કરે છે, જે લોકો તેમની સાથે પડકારના સમયમાં જોડાયેલા રહે છે, તેમનું તે ધ્યાન રાખવાનું જાણે છે. મુર્મૂએ જે રીતે લગન અને પરિશ્રમ સાથે મોદીના નજીકના અધિકારી તરીકે દોઢ દશકમાં તેમનો વિશ્વાસ જીત્યો, તેમાં સીએજીના પદ પર મૂર્મુનું બેસવું સ્વભાવિક જ છે. દેશ, રાજકારણ અને નોકરશાહી માટે પણ સંદેશ છે કે, જો તમે તમારી કામ લગન અને મહેનત સાથે કરો, તો તમારી સામાજિક પૃષ્ઠભૂમિ આડે નથી આવી શકતી. ખુદ મોદીના મામલામાં તે આડે નથી આવી, ના રામનાથ કોવિંદના મામલામાં, જેમણે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ તરીકે, તથા દેશના પ્રથમ આદિવાસી સીએજીના તરીકે મૂર્મુના પદ અને ગોપનિયતાની શપથ લેવડાવી છે.

  હિન્દુ જીવન દર્શનમાં પ્રારબ્ધની વાત કરવામાં આવી છે એટલે કે, તમારી સાથે શું થશે એ નિશ્ચિત છે. પરંતુ, મોદીએ પ્રારદ્ધને પોતાના કર્મ સાથે બદલ્યું છે અને તેમના વિશ્વાસુ મૂર્મુએ પણ. બંને જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે, નિયમિત પૂજા પાઠ કરે છે, પરંતુ પોતાના માટે રસ્તો ખુદ બનાવે છે. આજ કારણ છે કે, ઓડિશાના મયૂરભંજમાં મોટા થયેલા મૂર્મુ, જેમણે 1985માં યૂપીએસસી ક્લિયર કર્યાબાદ ગુજરાતના પેટલાદથી કલેક્ટર સપ્ટેમ્બર 1987માં પોતાના પ્રશાસનિક કરિયરની શરૂઆત કરી, તે હવે દેશના મહત્વપૂર્ણ સંવિધાનિક પદ સીએજીની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. ભલા જામનગરના જગત રાવલે ક્યાં વિચાર્યું હશે કે, 1997થી 2000ના સમયમાં તેમના શહેરમાં કલેક્ટર તરીકે રહેનારા મૂર્મુ, જેમની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર સ્થાનીક સમાચાર પત્ર માટે નિકાળવામાં તેમને પસીનો છૂટી જતો હતો, તે મૂર્મુ હવે હંમેશા કેમેરાની સામે હશે દોઢ દશક બાદ. ભલું મે પણ ત્યારે ક્યાં વિચાર્યું હતું કે, જ્યારે વર્ષ 2000ની ગરમીઓમાં જામનગરના જોડિયા વિસ્તારમાં દુષ્કાળના સમય દરમિયાન રાહત કાર્ય ચલાવનાર કલેક્ટર તરીકે, એસી વગરની સૂમો ગાડીમાંથી ઉતરનાર, પરસેવાથી રેબઝેબ મૂર્મુનું ભર બપોરે રસ્તા વચ્ચે ટીવી માટે ઈન્ટરવ્યૂ કર્યું હતું.

  (બ્રજેશ કુમાર સિંઘ, કંસલ્ટિંગ એડિટર, NEWS18)
  Published by:Ashish Goyal
  First published:August 08, 2020, 06:00 IST

  ટૉપ ન્યૂઝ