સેના પ્રમુખ બિપિન રાવત બનશે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, કેબિનેટ કમિટીએ મારી મહોર

બિપિન રાવત (ફાઇલ તસવીર)

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Chief of the Defence Staff), સૈન્ય મામલાના પ્રમુખ હશે અને તેઓ ચાર સ્ટાર જનરલ હશે.

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય સેનાના વડા બિપિન રાવત (General Bipin Rawat) દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બની શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ કમિટીનએ તેમના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે ત્રણેય સેનાના પ્રમુખ તરીકે સીડીએસ હશે. બિપિન રાવત 31મી ડિસેમ્બરના રોજ જનરલ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીડીએસ અન્ય સૈન્ય પ્રમુખની સમાન હશે. જોકે, પ્રોટોકોલ પ્રમાણે સીડીએસ, સૈન્ય પ્રમુખોથી ઉપર હશે.

  નોંધનીય છે કે રક્ષા મંત્રાલયે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) માટે નિવૃત્તિની મર્યાદા 65 વર્ષ કરવા માટે હાલના નિયમમાં ફેરફાર કર્યો છે. આથી અંદાજ લગાવી શકતો હતો કે સૈન્ય પ્રમુખોમાંથી નિવૃત્ત થઈ રહેલા કોઈ વ્યક્તિને સીડીએસ બનાવવા માટે નિવૃત્તિની વય મર્યાદાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ ત્રણેય સેના પ્રમુખોથી ઉપર હોય છે. 1999માં કારગીલ યુદ્ધ બાદ સુરક્ષા તજજ્ઞો આની માંગણી કરતા હતા. કારગીલ પછી તત્કાલિન નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે (GOM) પણ ત્રણેય સેનાઓ વચ્ચે યોગ્ય તાલમેલ માટે CDSની ભલામણી કરી હતી. GOM તરફથી ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે જો કારગીલ યુદ્ધ દરમિયાન આવી કોઈ વ્યવસ્થા હોત તો ત્રણેય સેના યોગ્ય તાલમેલ સાથે યુદ્ધ મેદાનમાં ઉતરતી, જેનાથી ઓછું નુકસાન થતું. જેના 20 વર્ષ પછી આ લાગૂ કરવામાં આવી રહ્યું છે.

   CDS પાસે આ સત્તા રહેશે

  >> સીડીએસ રક્ષા મંત્રી માટે મુખ્ય સૈન્ય સલાહકારની ભૂમિકા ભજવશે. ત્રણેય સેનાના પ્રમુખો પણ પહેલાની જેમ પોતાની સેના સંબંધિત જાણકારી રક્ષા મંત્રીને આપતા રહેશે.

  >> સીડીએસ પાસે ત્રણેય સૈન્ય પ્રમુખ સહિત કોઈ મિલીટરી કમાન્ડ નહીં હોય. સીડીએસ ત્રણેય સેનાના વિવિધ સંગઠનોના પ્રશાસક હશે.

  >> સીડીએસ સંબંધિત ઑથોરિટીને ત્રણેય સેનાઓની સંગઠિત જાણકારી ઉપલબ્ધ કરાવશે. તેઓ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ અને ડિફેન્સ પ્લાનિંગ કાઉન્સિલના સભ્ય હશે.

  >> પ્રથમ સીડીએસ હોદ્દો સંભાળ્યાના ત્રણ વર્ષ સુધી ત્રણેય સેનાની અંદર ઑપરેશન, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, સપોર્ટ સર્વિસ, કોમ્યુનિકેશન, રિપેયર્સ વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે કામ કરશે.

  >> સીડીએસની જવાબદારી સ્વદેશી હથિયારોનો હિસ્સો વધારવાની પણ રહેશે.

  >> અનુમાનિત બજેટ પ્રમાણે સેનાઓની અંદર કેપિટલ એક્વિઝિશનના પ્રસ્તાવોની પ્રાથમિકતા નક્કી કરવાની જવાબદારી પણ સીડીએસની હશે.

  અનેક દેશ પાસે CDS સિસ્ટમ

  અમેરિકા, ચીન, યૂનાઇટેડ કિંગડમ, જાપાન સહિત દુનિયાના અનેક દેશો પાસે ચીફ ઑફ ડિફેન્સ જેવી વ્યવસ્થા છે. નાટો દેશોની સેનાઓમાં આ પદ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિશાળ વિસ્તાર, લાંબી સીમા, સરહદો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે વિવિધ પડકારોનો સામનો કરવા માટે સીમિત સંશોધનો સાથે લડવા માટે ભારત પાસે કોઈ એક રક્ષા પ્રણાલી માટે ચીફ ઑફ ડિફેન્સનું પદ જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: