કાબુલ : જ્યારથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સૈનિકો પરત બોલાવવાની જાહેરાત કરી છે, ત્યારથી તાલિબાનના હુમલાઓ અચાનક વધી ગયા છે. તાલિબાને જણાવ્યું કે તેણે અફઘાનિસ્તાનના 80 ટકા જિલ્લાઓ કબ્જે કરી લીધા છે. અફઘાનિસ્તાનમાં તેની તાકાત વધવાની સાથે તેની સાથે જોડાયેલ ક્રૂર કાયદાઓ પણ ફરીથી લાદવામાં આવ્યા છે. તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રવ્યાપી શરિયા કાયદો ફરી લાગુ કરવાના ભાગરૂપે સમલૈંગિક પુરુષો પર દીવાલ પાડીને તેમને મારી નાંખવામાં આવશે. ઈસ્લામાવાદી સમૂહના જજોએ એક ઈન્ટરવ્યૂમાં નવા નિયમોની જાણકારી આપી છે.
તાલિબાનના 38 વર્ષીય જજ ગુલ રહીમે જણાવ્યું કે, ‘શરિયા કાયદા હેઠળ અનેક મામલામાં અમે પત્થર મારીને જીવ લેવાનો(સંગસાર) હુકમ આપીએ છીએ. અમુક કેસોમાં ઘૂંટણ કાપી નાખવાની સજા આપવામાં આવે છે. આ તમામ બાબત અપરાધીએ કરેલ અપરાધ પર નિર્ભર કરે છે.’ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગે પુરુષોને શું સજા આપવામાં આવશે? આ સવાલના જવાબમાં તાલિબાની જજે કહ્યું હતું કે ગે લોકો માટે અમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે ગે આદમીને પત્થર મારી મારીને મારી નાંખવામાં આવે. બીજો ઓપ્શન છે કે ગે આદમી પર દીવાલ પાડીને મારી નાંખવામાં આવે.
શરિયા કાયદો લાગુ કરવાનો ઉદ્દેશ્ય
જજ ગુલ રહીમે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવાનો છે. તેમણે કહ્યું કે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી દૂર થયા બાદ અમારો પહેલો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાન પર કબ્જો કરવાનો અને સમગ્ર દેશમાં શરિયા કાયદો લાગુ કરવાનો છે. જજ ગુલ રહીમે જણાવ્યું કે હંમેશાથી અમારો ઉદ્દેશ્ય ‘શરિયા કાયદો લાગુ કરવાનો હતો અને હંમેશા રહેશે.’
તાલિબાનના 38 વર્ષીય ઈસ્લામિક જજ ગુલ રહીમે જર્મનીના એક ન્યૂઝપેપરને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે થોડાક દિવસ પહેલા એક વ્યક્તિ ઘરમાં ચોરી કરતા પકડાયો હતો. શરિયા કાયદા હેઠળ તેના હાથ કાપવાના આદેશ આપવામાં આવ્યા. ચોરના હાથ કાપી દેવામાં આવ્યા છે. તાલિબાની જજે કહ્યું કે મેં નિર્ણય કરતા સમયે વિંટીના માલિકને પૂછ્યું હતું કે શું તેઓ ઈચ્છે છે કે ચોરના પગ કાપી નાખવામાં આવે? ચોરે વિંટી ચોરવાની સાથે તોડી પણ નાંખી હતી, તેથી તેણે બે અપરાધ કર્યા હતા. ઘરના માલિકે ચોરના પગ કાપવાની ના પાડી હતી, તેથી ચોરના હાથ કાપી દેવાયા હતા.
અપરાધના આધાર પર સજા નક્કી કરવામાં આવે છે
તાલિબાની જજ ગુલ રહીમે વધુ એક નિર્ણય અંગે જાણકારી આપી હતી. જજે જણાવ્યું કે, થોડાક દિવસ પહેલા એક ગેંગ પકડાઈ ગઈ હતી. જે અપહરણ અને તસ્કરીનું કામ કરતી હતી. મેં તે તમામ લોકોને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. ગેંગના તમામ લોકોને ફાંસી આપવામાં આવી. તાલિબાની જજે જણાવ્યું કે, ‘અમે અપરાધના આધાર પર સજા આપીએ છીએ. સજાની શરૂઆત આંગળીથી કરવામાં આવે છે, સૌથી પહેલા આંગળીઓ કાપવામાં આવે છે. જો અપરાધ મોટો હોય તો હાથ અને તેનાથી મોટો અપરાધ હોય તો પગ કાપવાનો હુકમ આપવામાં આવે છે.
એકલા નીકળવા માટે મહિલાઓએ પરવાનગી લેવાની રહેશે
જજે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે મહિલાઓના ઘરેથી એકલા નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહિલાઓ ઘરેથી બહાર એકલી નહીં નીકળી શકે. તેમની સાથે તેમનો પતિ, પિતા અથવા ભાઈ હોવો જ જોઈએ. શું મહિલાઓ સાથે થોડુ નરમ વર્તન ના કરવું જોઈએ? આ સવાલનો જવાબ આપતા તાલિબાની જજે કહ્યું કે, હા અમે નરમીની પણ વ્યવસ્થા કરી છે. મહિલાઓ ઘરેથી એકલી બહાર જવા ઈચ્છે છે તો તેણે પરવાનગી લેવી પડશે. જજે વધુમાં જણાવ્યું કે, મેં કિશોરીઓને શાળા જવાની પરવાનગી આપી છે. જો સ્કૂલની ટીચર મહિલા હોય તો જ કિશોરીઓ સ્કૂલે જઈ શકે છે. સ્કૂલમાં ફરજિયાત હિજાબ પહેરવો પડશે.
તાલીબાની જજે ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે સમગ્ર અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવાનું લક્ષ્ય છે અને અમે તેને લાગુ કરીને જ રહીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર