ગાંધી જયંતિ: શું તમે જાણો છો ભારત પછી વિશ્વના કયા દેશમાં ગાંધીજીની સૌથી વધારે પ્રતિમા આવેલી છે?

વોશિંગટન ડીસી ખાતે ગાંધીજીની પ્રતિમા.

વર્ધા ખાતે રેટિંયો કાંતતા ગાંધીજીની પ્રતિમા છેક વોશિંગટન ડીસી પહોંચી હતી, આ મૂર્તિ એક અંગ્રેજ આર્ટિસ્ટ તરફથી તૈયાર કરવામાં આવી હતી!

 • Share this:
  અમદાવાદ: કોઈ નાના બાળકને પણ પૂછો કે બીજી ઓક્ટોબર એટલે શું તો તે સરળતાથી જવાબ આપશે કે ગાંધી જયંતી! રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર શહેરમાં થયો હતો. ગત વર્ષે જ આપણે ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવી ચૂક્યા છીએ. આજે ગાંધીજીની જન્મ જયંતિ છે ત્યારે વિશ્વભરમાં તેમની રહેલી પ્રતિમાઓ અને ખાસ કરીને અમેરિકામાં રહેલી તેમની પ્રતિમા વિશે વાત કરીએ. જેવી રીતે ગાંધીજીની સત્ય અને અહિંસાના વિચારોને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં ભણાવવામાં આવે છે તેમ તેમની પ્રતિમા પણ વિશ્વના અનેક દેશોમાં આવેલી છે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે ગાંધીજીએ અમેરિકાની ક્યારેય મુલાકાત લીધી નથી છતાં અહીં તેમની બે ડઝન જેટલી પ્રતિમા આવેલી છે.

  અમેરિકામાં ગાંધીજીની બે ડઝન પ્રતિમા!

  ગાંધીજીએ પોતાના જીવનમાં ક્યારેય અમેરિકાનો પ્રવાસ નથી કર્યો છે. છતાં એક અંદાજ પ્રમાણે ત્યાં ગાંધીજીની બે ડઝનથી વધારે પ્રતિમા/મૂર્તિ આવેલી છે. જોકે, આ અંગે ખૂબ જ ખાખાખોળા કરવા છતાં કોઈ અધિકારિક રેકોર્ડ ઉપલબ્ધ નથી. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જાણીતા ભારતીય અમેરિકન સુભાષ રાઝદાને કહ્યુ હતુ કે, ભારતને બાદ કરતા વિદેશમાં જો મહાત્મા ગાંધીની સૌથી વધારે પ્રતિમા હોય તો તે અમેરિકામાં છે. રાઝદાન એટલાન્ટા સ્થિત ધ ગાંધી ફાઉન્ડેશનના ચેરમેન છે. વિશ્વના દેશોમાં રહેલી ગાંધીજીની પ્રતિમાઓ ખરેખર ભારતીયો અને પ્રવાસી ભારતીયો માટે ગૌરવની વાત છે.

  અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાની વાત કરવામાં આવે તો અહીં બીજી ઓક્ટોબર 1986ના રોજ ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ યુનિયન સ્ક્વેર પાર્ક ખાતે ગાંધીજીની પ્રથમ વિશાળ પ્રતિમા સ્થાપવામાં આવી હતી. ગાંધીજીની આઠ ફૂટ ઊંચી કાંસાની આ પ્રતિમા શિલ્પકાર કાંતિલાલ બી. પટેલ તરફથી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમાને 2001ના વર્ષમાં હટાવીને સાચવી રાખવામાં આવી હતી અને બાદમાં 2002ના વર્ષમાં ગાર્ડનમાં ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી.

  ન્યૂયોર્ક યુનિયન સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમા.


  અમેરિકામાં પણ ગાંધીજી અને તેમના વિચારો લોકપ્રિય

  અમેરિકામાં ગાંધીજીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ તેમના અનુયાયી હતા. કદાચ ગાંધીની આવી ચાહનાને કારણે જ ભારતને બાદ કરતા અમેરિકામાં આજની તારીખમાં તેમની સૌથી વધારે પ્રતિમા આવેલી છે. અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગટન ડીસી સહિતના મોટા શહેરોમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ 2000માં વોશિંગટન ડીસી ખાતે ભારતીય એમ્બેસીની સામે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી અને તત્કાલિન યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટર દ્વારા ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી હતી. અત્રે એ પણ નોંધવું રહ્યું કે વર્ષ 2012માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે ફ્લોરિડાના ડેવી ખાતે ગાંધીજીની સાત ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાને ખુલ્લી મૂકી હતી.

  અમેરિકાના કયા કયા શહેરમાં ગાંધીની પ્રતિમા?

  ફ્લિન્ટ પીસ પાર્ક (ફ્લિન્ટ શહેર, મિશિગન), મિલવોકી કાઉન્ટી કોર્ટહાઉસ (મિલવોકી), પેસિફિક મેમોરિયલ, (શેરબોર્ન-માસાચુસેટ્સ), મિલસેપ કોલેજ (જેક્શન- મિસિસિપી), મિસિસીપી ઇન પ્લાઝા- કેલિફોર્નિયા, ઇમ્બારકેડેરો સેન્ટર- સાન ફ્રાન્સિસ્કો, શાંતિ ફંડ, હાપો- લૉંગ આઇલેન્ડ (ન્યૂયોર્ક) વગેરે સ્થળો પર ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત નોર્થ કોરોલીનાના ચાર્લોટ શહેર, હુવાઈના હોનોલુલુ, વર્જિનિયાની જેમ્સ મેડિસન યુનિવર્સિટી, ઓહાયો, એટલાન્ટા ખાતે આવેલા માર્ટિન લ્યુથર કિંગ મેમેરોરિય સેન્ટર, હાઉસ્ટનના હર્મન પાર્ક વગેરે ખાતે પણ ગાધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.  ક્લેરા કેન: ગાંધીજીની ‘અંગ્રેજ’ શિલ્પકાર

  વોશિંગટન ડીસીના ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે 1946-47માં બ્રિટિશ આર્ટિસ્ટ ક્લેરા કેને ( Clara Quien) ગાંધીજીની સેવાગ્રામ ખાતેની પ્રવૃતિની એક શિલ્પકૃતિ બનાવી હતી. જેમાં ગાંધીજી રેંટિયો કાંતતા નજરે પડી રહ્યા હતા. આ શિલ્પકૃતિ પહેલા વોશિંગટન ડીસીના મહાત્મા ગાંધી મેમોરિયલ ખાતે લોન પર રાખવામાં આવી હતી. જે બાદમાં શિલ્પકાર ક્લેરા તરફથી તેને મહાત્મા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશનને જ વેચી દેવામાં આવી હતી. આ શિલ્પકૃતિને 1969માં મહાત્મા ગાંધીના જન્મ દિવસે સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી. 1995માં મહાત્મા ગાંધીની 125મી જન્મ શતાબ્દી દરમિયાન આ શિલ્પકૃતિને વોશિંગટનના કેનેડી સેન્ટર ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી.

  ક્લેરા કેન એક બ્રિટિશ શિલ્પકાર હતા. તેમનો જન્મ બ્રિટનમાં થયો હતો. ક્લેરાનું જીવન ચીન અને બીજા દેશમાં વિત્યું છે. ક્લેરાના પિતા એક ફાઇનાન્સિયલ કંપનીના ડિરેક્ટર હતા. ક્લેરાએ સ્વિટ્ઝરલેન્ડ્માં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણી નેધરલેન્ડ, જર્મની, ફ્રાંસ વગેરે દેશમાં રહી ચુકી છે. 1935માં ક્લેરા તેની માતા સાથે ભારત આવી હતી. અહીં તેણી એક ડચ આર્ટિસ્ટ સાથે લગ્ન કર્યા હતા અને શ્રીનગરમાં સ્થાયી થઈ હતી.

  ગાંધીજી સાથે મુલાકાત

  મહરાષ્ટ્રના વર્ધા ખાતે ક્લેરા અને ગાંધીજીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ગાંધીજી ગામડાના ઉદ્ધાર માટે કામ કરી રહ્યા હતા. અહીં જ કલેરાએ ગાંધીજીની લાઇફ સાઇઝ પ્રતિમા બનાવી હતી. આ મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવ્યું હતું. જે બાદમાં તેના પર કાંસાનું કાસ્ટિંગ કરવા માટે તેને ઇટાલી મોકલવામાં આવી હતી. અહીંથી આ મૂર્તિ કેલિફોર્નિયા પહોંચી હતી અને વોશિંગટન ડીસી ખાતે મહાત્મા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશન ખાતે પહોંચ્યા બાદ તેની સફર અટકી હતી.

  કાંતિલાલ પટેલ.


  ગાંધીજીને શિલ્પમાં ઉતારનાર શિલ્પકાર કાંતિભાઈ પટેલ!

  ગાંધીજીની પ્રતિમાનું નામ પડે એટલે દિમાગમાં સૌથી પહેલું નામ કાંતિભાઈ પટેલનું આવે. કાંતિલાલના હુલામણા નામથી જાણીતા કાંતિભાઈએ ગાંધીજીને પ્રતિમામાં હૂબહૂ ઝીલ્યા હતા. તેઓએ બનાવેલી ગાંધીજીની પ્રતિમા અગાઉ લખ્યું તેમ અમેરિકા સહિતના દેશમાં મૂકવામાં આવી છે. આવી જ એક જાણીતી પ્રતિમા અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પર હયાત છે. આ પ્રતિમા કાંતિલાલ પટેલ તરફથી બનાવવામાં આવી છે. તેઓ ફક્ત પ્રતિમા બનાવતા ન હતા પરંતુ જાણે તેમાં પ્રાણ પૂરી દેતા હતા. અમદાવાદની ઇન્કમટેક્સ ખાતે હયાત પ્રતિમાને જોઈને બ્રિટનના પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા ડેવિડ લીને કહ્યુ હતુ કે, આટલા આબેહૂબ ગાંધી વિશ્વની બીજી કોઈ પ્રતિમામાં ઝીલાયા નથી. કાંતિભાઈ પટેલનું વર્ષ 2019માં 94 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું અવસાન ચાંદલોડિયા ખાતે તેમના નિવાસ્થાન શિલ્પભવન ખાતે થયું હતું. નિધન પહેલા જ તેમણે પોતાની લગભગ 50 કરોડ રૂપિયાની ચાર એકર જેટલી જમીન લલિત કળા અકાદમીને દાનમાં આપી દીધી હતી. જે તે સમયે તેમણે કહ્યું હતું કે તેઓ 25 વર્ષ પહેલા જ સપંત્તિ દાનમાં આપવાનો નિર્ણય કરી ચુક્યા હતા.  રામ સુતાર અને ગાંધી

  ગાંધીજીની પ્રતિમાની વાત ચાલી રહી છે ત્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવનારા રામ સુતારને કેવી રીતે ભૂલી શકાય! વિશ્વના અનેક દેશોમાં લાગેલી ગાંધીજીની મૂર્તિઓનું નિર્માણ રામ સુતાર તરફથી કરવામાં આવ્યું છે. સુતાર અત્યાર સુધી ગાંધીજીની 300-350 મૂર્તિ બનાવી ચુક્યા છે. ધ બેટર ઇન્ડિયા સાથેની એક વાતચીમાં સુતારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે આવેલી કૅનપી (છત્ર) પરથી કિંગ જ્યોર્જ પંચમની મૂર્તિ પર વિવાદ થયો હતો. જે બાદમાં સરકારે મને ગાંધીજીની મૂર્તિ તૈયાર કરવાનું કહ્યું હતું. આ માટે મેં મૂર્તિની બે ડિઝાઈન તૈયાર કરી હતી. જેમાં એક મૂર્તિમાં ગાંધીજી ધ્યાનમાં બેઠા હોય છે. જ્યારે બીજી મૂર્તિમાં ગાંધીજી ઊભા હોય છે અને તેમની સાથે બે ‘હરિજન બાળકો’ હોય છે. સાથે એક સંદેશ લખેલો હોય છે કે ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ આ બંનેમાંથી સરકારે 16 ફૂટ ઊંચી ગાંધીજીની ધ્યાન મુદ્રાવાળા ડિઝાઈન પસંદ કરી હતી.

  જોકે, મૂર્તિંને સ્થાપિત કરવાનો સમય આવ્યો ત્યારે ફરીથી વિવાદ થયો હતો. લોકોનું કહેવું હતું કે આ છત્રનું નિર્માણ પણ અંગ્રેજોએ કર્યું હોવાથી ત્યાં ગાંધીજીની મૂર્તિ મૂકવી યોગ્ય નથી. જે બાદમાં આ મૂર્તિ સંસદ ભવનમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુતારે બીજી જે ડિઝાઇન બનાવી હતી તે પણ વ્યર્થ ગઈ ન હતી. બિહાર સરકારે આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું અને 2013માં પટનામાં ગાંધી મેદાનમાં 40 ફૂટ ઊંચી મૂર્તિ લગાવવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: