ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસના આગામી અધ્યક્ષ પસંદ કરવાને લઈ ચાલી રહેલી પાર્ટીની અંદરની ચર્ચાઓ હવે નિર્ણાયક ચરણમાં પહોંચી ગઈ છે. દેશની સૌથી જૂની પાર્ટીને સંભાળવા માટે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારીના નામ પર મોહર વાગી ગઈ છે તેવા અહેવાલો મળી રહ્યા છે. સંડે ગાર્ડિયનના અહેવાલ અનુસાર ગાંધી પરિવારે જ આ પદ માટે ઉપલબ્ધ વિકલ્પમાં સૌથી યોગ્ય નેતાને પસંદ કરી લીધા છે. જોકે, તેના જાહેરાત થવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે હાલ પાર્ટીમાં 'રાજીનામાનું નાટક' ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસની ઓફિસમાં 2019 લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેનારા લગભગ 140 નેતાઓના રાજીનામા આવી ચૂક્યા છે. આ સિલસિલો હજુ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, કારણ કે રાહુલ ગાંધીએ આજ લાઇન પર રાજીનામું સોંપ્યું છે.
પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને સોંપવામાં આવેલું સુકાન?
કોંગ્રેસ હાઇકમાન્ડે તમામ નામો પર વિચાર કર્યા બાદ ગાંધી પરિવારની સલાહ લઈને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને પાર્ટીના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કરવાનું મન મનાવી લીધું છે. સુશીલ કુમાર શિંદેના નામ પર સહમતિ બનતાં પહેલાં મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ, અશોક ગેહલોત, જનાર્દન દ્વિવેદીથી લઈને એકે એન્ટની અને મુકુલ વાસનિક સુધીના નામો પર ચર્ચા કરવામાં આવી.
આજે રાહુલને મળી શકે છે શિંદે
મળતી જાણકારી મુજબ, સુશીલ કુમાર શિંદેને આજે તેના વિશે અંતિમ જાણકારી આપવામાં આવી શકે છે. આ બાબતે શિંદે આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. મળતી જાણકારી મુજબ, તેમના નામ પર ગાંધી પરિવાર તરફથી સહમતિ સધાઈ ગઈ છે. ત્યાં સુધી કે ગાંધી પરિવારના સલાહકાર, સિનિયર, પાર્ટીના પ્રમુખ નેતાઓએ પણ તેમને આ જવાબદારી સોંપવાની વકાલત કરી છે.
શિંદેને પસંદ કરવા પાછળ આ છે કારણ?
શિંદેને ક્યારેય અતિ મહાત્વાકાંક્ષી થતાં નથી જોયા. તેમને લઈને એ સામાન્ય ધારણા છે કે તેઓએ પાર્ટીના નિર્દેશો ઉપરવટ થઈને પોતાની મહાત્વકાંક્ષાઓને હાવી નથી થવા દીધી. તેઓ આ પહેલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચૂક્યા છે, ત્યારે તેઓએ ભૈરો સિંહ શેખાવત સામે પડકાર મળ્યો હતો.