ગાંધીજીની હત્યાની ખબર બ્રેક કરનાર ખબરપત્રીએ રડતાં-રડતાં લખ્યો હતો રિપોર્ટ

News18 Gujarati
Updated: January 30, 2019, 12:29 PM IST
ગાંધીજીની હત્યાની ખબર બ્રેક કરનાર ખબરપત્રીએ રડતાં-રડતાં લખ્યો હતો રિપોર્ટ
શૈલેન ચેટરજી દ્વારા વર્ણવામાં આવેલો આંખે દેખ્યો અહેવાલ 'ધર્મયુગ'માં છપાયો હતો.

શૈલેન ચેટરજી દ્વારા વર્ણવામાં આવેલો આંખે દેખ્યો અહેવાલ 'ધર્મયુગ'માં છપાયો હતો.

  • Share this:
ફર્સ્ટપોસ્ટ.કોમ : મહાત્મા ગાંધીને ગોળી લાગવાના સમાચાર જ્યારે યૂ.પી.આઈ ખબરપત્રીએ દિલ્હીના બિરલા ભવનથી પોતાની ઓફિસમાં આાપ્યા ત્યારે તેને સામેથી સવાલ પૂછાયો કે શું તારું દિમાગ તો બરાબર છે ને? સવાલ કરનાર વરિષ્ઠ પત્રકાર પી.ડી. શર્માએ કહ્યું કે, 'આવું ન બની શકે. બાપૂને કોણે મારી શકે?' પત્રકારની લાગણી સમજી શકાય તેવી હતી પરંતુ આવું હકીકતમાં બની ગયું હતું. આ ઘટના અંગે દુનિયાને સૌપ્રથમ વખત જાણ કરવાનો શ્રેય મળ્યો ન્યૂઝ એજન્સી યૂનાઈટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાના ખબરપત્રી શૈલેન ચેટરજીને. તેઓ ખૂબ લાંબા સમયથી ગાંધીજી સાથે રહ્યા હતા.

એજન્સીએ તેમને આ કામ સોંપ્યું હતું. યુવાન પત્રકાર શૈલેને રડતી આંખે આ રિપોર્ટ લખ્યો હતો. આશરે 20 વર્ષ પહેલા શૈલેન ચેટરજીએ પ્રસિદ્ધ પત્રકાર ત્રિલોક દીપ સાથે ઐતિહાસિક ઘટના અંગે વિસ્તારથી વાત કરી હતી. શૈલેન ચેટરજી દ્વારા વર્ણવામાં આવેલો આંખે દેખ્યો અહેવાલ 'ધર્મયુગ'માં છપાયો હતો.

પ્રસ્તુત છે ચેટરજીના જ શબ્દોમાં એ અહેવાલ...

'એ દિવસે સરદાર પટેલ સાથે મુલાકાત બાદ બાપૂ બહાર નીકળ્યા હતા. મેં તેમને પ્રશ્ન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કહ્યું કે આજે મને બહું મોડું થઈ ગયું છે. જો હું વાત કરીશ તો ભગવાન મને માફ નહીં કરે. આટલું કહીને તેઓ તરત જ પ્રાર્થના સભામાં ચાલ્યા ગયા હતા.'

'આ દરમિયાન મને યૂ.પી.આઈ ઓફિસમાથી આદેશ મળ્યો હતો કે સરદાર પટેલ ઘણા લાંબા સમય બાદ ગાંધીજીને મળ્યા છે. સરદાર પટેલની મુલાકાત કરીને જાણવાનો પ્રયાસ કરો કે બંને વચ્ચે શું વાતચીત થઈ છે. ગાંધીજી પ્રાર્થના સભા તરફ આગળ વધી ગયા અને હું સરદાર પટેલને મળવા માટે તેમની ગાડી તરફ દોડી ગયો હતો. સરદારે કંઈ કહ્યું નહીં. ફક્ત એટલું કહ્યું કે, બાપૂ સાથે મુલાકાત નથી થતી માટે તેમને મળવા દોડી આવ્યો હતો. વાતચીત માટે કોઈ એજન્ડા ન હતો. કોઈ ખાસ વાતચીત નથી થઈ.'

MK Gandhi
ફાઇલ તસવીર
જ્યારે બાપૂને વાગી ગોળી

'સરદાર પટેલ ગાડીમાં બેસીને નીકળી ગયા હતા અને હું પ્રાર્થના સભા તરફ આગળ વધ્યો હતો. થોડો આગળ વધતા જ મને ગોળી ચાલી હોવાનો અવાજ આવ્યો હતો. ગાંધીજી જમીન પર પડ્યા હતા. લોકો તેમને ઉપાડીને અંદર લઈ જઈ રહ્યા હતા. મેં પણ ગાંધીજીને ઉઠાવવામાં મદદ કરી હતી. અમે લોકો તેમને બિરલા હાઉસના અંદરના રૂમમાં લઈ ગયા હતા. પહેલા મને લાગ્યું કે ઉપવાસને કારણે કમજોરીથી તેઓ જમીન પર ઢળી પડ્યા હશે. જ્યારે અમે લોકો ગાંધીજીને અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એવો અવાજ આવ્યો હતો કે કોઈએ બાપૂને ગોળી મારી દીધી છે.'

'મેં તરત જ મારી ઓફિસમાં ફોન કર્યો. આ ખબર આપનાર હું પહેલો પત્રકાર હતો. મારો ફોન પી.ડી.શર્માએ ઉઠાવ્યો હતો, આજે તેઓ હયાત નથી. તેઓ ખૂબ મોટા પત્રકાર હતા. મારા કહેવા પર તેમને વિશ્વાસ ન થતાં તેમણે ફોન અમારા ચીફ ચારુચંદ્ર સરકારને આપી દીધો હતો. મેં તેમને પણ કહ્યું કે ગાંધીજીને ગોળી મારી દેવામાં આવી છે. તેમને એક રૂમમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરને ફોન કરવામાં આવ્યો છે. '

'એ દિવસોમાં ટેલિફોન આજના જમાનાની જેમ કામ કરતા ન હતા. ચારુચંદ્ર સરકારે પોસ્ટઓફિસના ખાસ વાહક દ્વારા હેડ ઓફિસમાં તાર કર્યો હતો. મારી ઓફિસમાં સમાચાર આપ્યા બાદ હું ગાંધીજીને રાખવામાં આવ્યા હતા તે રૂમમાં ગયો હતો. આ સમયે ત્યાં જવાહરલાલ નેહરુ, અબુલ કલામ આઝાદ, સરદાર પટેલ સહિત લોકો પહોંચી ગયા હતા. નહેરુ ગાંધીજીના પગ પકડીને રડી રહ્યા હતા. તેમની બાજુમાં લોર્ડ માઉન્ટબેટન, લેડી માઉન્ટબેટન અને મૌલાના ઉભા હતા. ડોક્ટરો ગાંધીજીના શરીરને તપાસી રહ્યા હતા. તમામ ડોક્ટર્સે માથું હલાવતા કહ્યું કે ગાંધીજી હવે નથી રહ્યા. ચારે તરફ ગાંધીજીના મોતનાં સમાચાર ફેલાઈ ગયા હતા. ત્યાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.''લોકો પાગલ થઈ રહ્યા હતા. કોઈ ગાંધીજીનો પગ પકડીને તો કોઈ હાથ પકડીને રહી રહ્યાં હતાં. હું બાજુમાં ઉભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. મને એવું લાગ્યું કે જો લોકોને રોકવામાં નહીં આવે તો ભીડ બાપૂના શરીરને ક્ષત-વિક્ષત કરી નાખશે. લોકો દર્શન કરી શકે તે માટે તેમના મૃતદેહને મકાનની છત પર રાખી દેવામાં આવ્યો હતો.

'હું એકલો પત્રકાર હતો જે બાપૂના રૂમમાં રહ્યો હતો. હિન્દૂ રિવાજ પ્રમાણે બાપૂને રાત્રે આઢી વાગ્યે નવડાવવામાં આવ્યા હતા. મેં જોયું કે બાપૂને જે ગોળી લાગી હતી તે તેમની પીઠમાંથી આરપાર થઈ ગઈ હતી. કુલ ત્રણ જખમના નિશાન હતા. હું પણ ખૂબ રડ્યો હતો. બાપૂ પ્રત્યે મને ખૂબ લાગણી હતી. મેં ચાર વર્ષ સુધી તેમના પડછાયાની જેમ તેમની સાથે દેશનો પ્રવાસ કર્યો હતો. હું ફક્ત પત્રકારનું જ કામ કરતો ન હતો, હું તેમના ભાષણોનું બાંગ્લા અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરતો હતો.'
First published: January 30, 2019, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading