પત્નીના નિધન બાદ પૂર્વ યુએસ પ્રમુખ સિનિયર બુશને હોસ્પિટલમાં ખસેડાયા

 • Share this:
  પત્ની બાર્બરા બુશના અંતિમ સંસ્કારના બીજા દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ. બુશને ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખને હાઉસ્ટન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમના શરીરના લોહીમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. હાલ તેમની ઉંમર 93 વર્ષની છે.

  બુશ પરિવારના પ્રવક્તા જીમ મેકગ્રાથના જણાવ્યા પ્રમાણે તેમને હાઉસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે શનિવારે પત્નીના અંતિમ સંસ્કાર વખતે બુશ વ્હિલચેર પર નજરે પડ્યા હતા. લગ્ન બાદ 73 વર્ષ સાથે રહ્યા બાદ ગયા મંગળવારે પૂર્વ અમેરિકન ફર્સ્ટ લેડી બાર્બરા બુશનું નિધન થયું હતું.

  પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે, તેમજ સારવારની અસર પણ થઈ રહી છે. તેમની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.

  બુશ 1989થી 1993 સુધી એક ટર્મ માટે અમેરિકાના પ્રમુખ પદે રહ્યા હતા. બુશ અમેરિકાના સૌથી વૃદ્ધ અને જીવતા હોય તેવા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વર્ષ પહેલા તેમને કફની ફરિયાદ બાદ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  બુશ સિનિયર પૂર્વ રિપબ્લિક પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ અને ફ્લોરિડાના પૂર્વ ગવર્નર જેબ બુશના પિતા છે. જૂનિયર બુશ બે ટર્મ માટે અમેરિકાના પ્રમુખ પદે રહ્યા હતા. શનિવારે યોજાયેલા અંતિમ સંસ્કારમાં બુશના પુત્ર જેબ બુશે કહ્યું હતું કે તેમના પિતા તેમની માતાને દર વર્ષગાંઠે એક પત્ર લખતા હતા. વ્હાઇટ હાઉસ છોડ્યાના એક વર્ષ બાદ તેમના પિતાએ 1994માં લખેલો એક આવો જ પત્ર તેમણે વાંચી સંભળાવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: