પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા રહેલા જયપાલ રેડ્ડીનું રવિવાર સવારે નિધન થયું છે. જયપાલ રેડ્ડી હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ હતા. રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942ના રોજ થયો હતો. વર્ષ 1969થી 1984ની વચ્ચે જયપાલ રેડ્ડી ચાર વાર વિધાનસભા માટે ચૂંટાયા હતા.
હાલમાં તેઓ કલવકુર્તીના ધારાસભ્ય હતા. તેઓએ ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ પાટીને છોડીને જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બાદમાં તેઓએ કોંગ્રેસ હાઇકમાન્ડમાં સામેલ થયા હતા.
જયપાલ રેડ્ડીએ વર્ષ 1985થી 1988 સુધી જનતા પાર્ટીના મહાસચિવ તરીકે કાર્ય કર્યુ. વર્ષ 1984માં મહબૂબનગરના સાંસદ તરીકે જીત નોંધાવી. વર્ષ 1999 અને 2004માં તેઓએ મિર્યાલગુડા લોકસભા સીટ પણ જીતી હતી.
રેડ્ડી વર્ષ 1990 અને 1996માં બે વાર રાજ્યસભાના સભ્ય હતા. જયપાલ રેડ્ડીએ વર્ષ 1991-92 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે પણ કામ કર્યુ. વર્ષ 1998માં રેડ્ડીએ તત્કાલીન વડાપ્રધાન આઈકે ગુજરાલના મંત્રીમંડળમાં સૂચના અને સંચાર મંત્રી તરીકે કામ કર્યુ.
વર્ષ 1999માં જયપાલ રેડ્ડી કોંગ્રેસમાં ફરી સામેલ થઈ ગયા. રેડ્ડી વર્ષ 2004માં મિર્યાલગુડાથી જીત્યા અને કેન્દ્રીય મંત્રી તરીકે ફરીથી સેવા આપી. તેઓએ વર્ષ 2009માં યૂપીએના બીજા કાર્યકાળમાં સાંસદ તરીકે ચૂંટાયા અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી તરીકે કાર્ય કર્યુ.
તેઓએ વર્ષ 2012-14 સુધી વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી તરીકે પણ કામ કર્યુ. કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. પાર્ટી નેતાઓનું કહેવું છે કે તેલુગુ નેતા તરીકે જયપાલ રેડ્ડીનું નિધન બહુ મોટું નુકસાન છે.