સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પિનાકીચંદ્ર ઘોષ (પીસી ઘોષ)નું નામ દેશના પહેલા લોકપાલ તરીકે ફાઇનલ કરી લેવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, સોમવારે ઓફિશિયલ રીતે તેની જાહેરાત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પીસી ઘોષ હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના સભ્ય છે.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના મામલાઓ પર એક સ્વતંત્ર અને મજબૂત સંસ્થા સ્થાપિત કરવા માટે વર્ષ 2013માં લોકપાલ તથા લોકાયુક્ત બિલ પાસ કરવામાં આવ્યું હતું. 16 જાન્યુઆરી 2014ના રોજ આ બિલ લાગુ થયું હતું. જોકે, કેન્દ્રની મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં લોકપાલની નિયુકિત ન કરી શકી.
લોકપાલની નિયુક્તિમાં થઈ રહેલા વિલંબને લઈને કોમન કોજ નામની એક બિન-સરકારી સંસ્થાએ (NGO) સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. પિટિશનકર્તા તરફથી રજૂઆત કરી રહેલા સીનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટમાં અપીલ કરી હતી કે સરકારને વહેલી તકે લોકપાલની નિયુક્તિનો આદેશ આપવામાં આવે.
પીઆઈએલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈની આગેવાનીમાં બેન્ચે મોદી સરકારને લોકપાલની નિયુક્તિને લઈને થઈ રહેલા વિલંબ અંગે કારણ પૂછ્યું હતું એન 15 દિવસની અંદર જવાબ આપવા કહ્યું હતું. 17 જાન્યુઆરીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે લોકપાલની નિયુક્તિમાં વિલંબને લઈને કેન્દ્ર સરકાર પર ફટકાર વરસાવી હતી.
કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ બે દિવસ પહેલા લોકપાલની નિયુક્તિને લઈને સરકારને સાતમી વાર પત્ર લખ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર