નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણને લઈ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહ (VK Singh)એ મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ આર્મી ચીફે દાવો કર્યો છે કે ચીને જ આપણા સૈનિક મુક્ત નથી કર્યા, ભારતે પણ ચીનના અનેક સૈનિકોને મુક્ત કર્યા છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂર્વ આર્મી ચીફે કહ્યું કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંઘર્ષ બાદ ચીને કેટલાક ભારતીય જવાનોને પકડી લીધા હતા અને બાદમાં તેમને મુક્ત કર્યા. આવી જ રીતે ભારતીય સેનાએ પણ ચીનના અનેક સૈનિકોને બંધક બનાવી દીધા હતા અને પછી તેમને છોડી દીધા હતા. વીકે સિંહે દાવો કર્યો કે આ સંઘર્ષમાં ચીનના બમણા સૈનિક માર્યા ગયા છે. તેઓએ કહ્યું કે, આપણા 20 સૈનિક શહીદ થયા છે તો ચીનના તેનાથી વધુ સૈનિક માર્યા ગયા છે પરંતુ ચીન ક્યારેય આ વાતનો ખુલાસો નથી કરે. ચીનમાં દરેક બાબત છુપાવવામાં આવે છે. આપણા સૈનિકોએ બદલો લઈને શહાદત આપી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખ સરહદ પર છેલ્લા થોડાક મહિનાથી ચાલી રહેલો તણાવ 15 જૂનની રાત્રે હિંસક સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક સંઘર્ષમાં એક કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. આ ઘટનામાં ચીનને પણ ભારે નુકસાન થયું અને તેના 43 સૈનિક હતાહત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદથી બંને દેશોની વચ્ચે સરહદે તણાવ ઘણો વધી ગયો છે.