બિહાર રાજકારણના મહત્વપૂર્ણ ચહેરા અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ ચુકાદાની સાથે જ એ નક્કી થઈ ગયું કે લાલુ લોકસભા ચૂંટણી દરમિયાન જેલની બહાર નહીં નીકળી શકે. આ પહેલા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લાલુના વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે તેઓ મેરિટ પર સુનાવણી નહીં કરે.
ચીફ જસ્ટિસે કહ્યું કે તમે કોઈ મામલામાં દોષી છો. તેની સાથે જ સુપ્રીમે એમ પણ કહ્યું કે તમામ કેસોમાં સજા એક સાથે ચાલશે નહીં તો મામલો હાઈકોર્ટ જોશે. તેમાં અમે દખલ નહીં કરીએ.
લાલુની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે અમને નથી લાગતું કે આપને જામીન આપવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે સીબીઆઈ તરફથી લાલુ પ્રસાદને જામીન ન આપવાને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સીબીઆઈએ સુપ્રીમમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે લાલુ પ્રસાદ હોસ્પિટલથી રાજકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે. તેઓ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ જામીન માંગી રહ્યા છે. તેઓ હવે મેડિકલના આધારે જામીન માંગીને કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
સીબીઆઈએ કહ્યું હતું કે લાલુ યાદવને પોતાની રાજકીય પ્રવૃત્તિઓ આગળ વધારવા માટે જામીન ન મળવી જોઈએ. જો તમામ સજાઓને એક સાથે જોડવામાં આવે તો લાલુને સાડા ત્રણ વર્ષ નહીં, પરંતુ 27.5 વર્ષ જેલની સજા થઈ છે. તે જેલમાં રહીને હોસ્પિટલના વિશેષ વોર્ડમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદે ઉંમર અને બીમારીનું કારણ રજૂ કરતાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેઓએ એસએલપી દાખલ કરી કહ્યું હતું કે 71 વર્ષના વૃદ્ધ છે અને લાંબા સમયથી બીમાર રહે છે. બિહારના રાજકારણમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મોટી ભૂમિકા રહી છે. લાલુના સમર્થનકોને આશા હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેઓ જામીન પર છૂટી જશે. પરંતુ સુપ્રીમ દ્વારા અરજી ફગાવતાં તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર