Home /News /national-international /

કૌભાંડીઓ સાથે બેંકના કર્મીઓની સાઠગાંઠ જોખમી: અરુણ જેટલી

કૌભાંડીઓ સાથે બેંકના કર્મીઓની સાઠગાંઠ જોખમી: અરુણ જેટલી

અરુણ જેટલી (ફાઈલ તસવીર)

નાણા મંત્રી અંગ્રેજી બિઝનેસ વર્તમાનપત્ર ઇકોનોમિક ટાઇમ્સ તરફથી આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલી રહ્યા હતા.

    દેશના નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે બેન્કિંગ સેક્ટરમાં હોય કે પછી કોઈ અન્ય સેક્ટર હોય, આ તમામ સેક્ટરમાં મોટા કૌભાંડો અંગે સાવચેતી ન રાખવી એ ખરેખર ચિંતાજનક વાત છે. તેમણે કહ્યું કે આવા કૌભાંડોને રોકવા માટે રેગ્યુલેટર્સે (દેખરેખ રાખનાર) ત્રીજી આંખથી દેખરેખ રાખવી પડશે. જેટલીએ કહ્યું કે, ભારતમાં ફક્ત નેતાઓને જવાબદાર ગણવામાં આવે છે, રેગ્યુલેટર્સને નહીં.

    નાણા મંત્રી અંગ્રેજી બિઝનેસ વર્તમાનપત્ર ઇકોનોમિક ટાઇમ્સ તરફથી આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોઈ બેંકની અલગ અલગ બ્રાંચમાં કૌભાંડ થઈ રહ્યું છે અને કોઈ પણ કર્મચારીએ તેને ન પકડ્યું, ઓડિટરોએ પણ આંખઆડા કાન કર્યા કે પછી બેદરકારી દાખવી, મેનેજમેન્ટને પણ આ કૌભાંડની ગંધ શુદ્ધા ન આવી, આ તમામ વાત દેશ માટે ચિંતાજનક છે.

    જેટલીએ કહ્યું કે, બિઝનેસમેનોએ નૈતિક બિઝનેસની આદત પાડવાની જરૂર છે. કારણ કે આ પ્રકારના ગોટાળા અર્થતંત્ર પર કાળા દાગ સમાન છે. આવા કૌભાંડો સુધારાઓ અને સરળ બિઝનેસને પાછળ ધકેલી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઋણ આપનાર અને લેનાર વચ્ચે અનૈતિક વ્યવહારને ખતમ કરવો પડશે.

    તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો જવાબદાર લોકોને સજા કરવા માટે નિયમો વધારે આકરા કરવા પડશે. નાણા મંત્રીએ પોતાની જવાબદારી સારી રીતે ન નિભાવવાને લઈને બેંકના મેનેજમેન્ટની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, બેંકમાં શું ચાલી રહ્યું છે તેની જાણ જો મેનેજમેન્ટને ન હોય તો તે ખરેખર ચિંતાજનક છે.

    નાણામંત્રીએ નોટબંધી અને જીએસટીના પગલાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નોટબંધીને કારણે આપણે કેસલેસ ઇકોનોમી તરફ આગળ વધ્યા છીએ. જીએસટીના ફાયદા પણ આંશિક રીતે મળવા લાગ્યા છે. જીએસટીને કારણે દેશની આવક વધારવામાં મદદ મળશે.

    નાણા મંત્રીએ આ જ અઠવાડિયે પીએનબી ગોટાળા પર બોલતા કહ્યું હતું કે, ગોટાળાના કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. તેમણે બેંકના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Nirav Modi, PNB fraud, અરૂણ જેટલી

    આગામી સમાચાર