મહારાષ્ટ્રમાં પૂરથી વિનાશ: અત્યાર સુધી 82ના મોત - 59 ગુમ, સેના અને NDRFની 34 ટીમ ખડકાઈ

મહારાષ્ટ્રમાં પુરથી વિનાશ

વહીવટી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવો, વીજ પુરવઠો પુન સ્થાપિત કરવાની સાથે-સાથે લોકો માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવાનું પડકાર બની ગયું છે.

 • Share this:
  મુંબઈ : શનિવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે, જ્યારે 59 લોકો લાપતા છે. મૃત્યુ પામેલા લોકોમાં રાયગઢ જિલ્લાના 47 લોકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક તરફ જ્યાં પૂરગ્રસ્ત ચિપલૂન, ખેડ અને મહાડ જેવા શહેરોના લોકો આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવો, વીજ પુરવઠો પુન સ્થાપિત કરવાની સાથે-સાથે લોકો માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવાનું પડકાર બની ગયું છે.

  ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કોંકણ) સંજય મોહિતે પીટીઆઈને જણાવ્યું હતું કે, રાયગઢ જિલ્લાના તલિયા ગામે ગુરુવારે થયેલા ભૂસ્ખલનની જગ્યાએથી ઓછામાં ઓછા 41 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ઘણા લોકો હજી લાપતા છે. ભારત હવામાન ખાતા (આઈએમડી)એ શનિવારે કહ્યું હતું કે, આગામી 24 કલાકમાં પશ્ચિમના દરિયાકાંઠે વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી વરસાદથી પ્રભાવિત મહારાષ્ટ્ર અને ગોવાને થોડી રાહત મળશે.

  આ બાજુ, રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે તેની ટીમની સંખ્યા 26 થી 34 કરી દીધી છે. આ વિસ્તારો ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી વધારે પ્રભાવિત છે. એનડીઆરએફને આર્મી, કોસ્ટગાર્ડ અને અન્ય 14 ટીમની મદદ પણ મળી રહી છે. આ સિવાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ચાર ટીમો પણ લોકોને બહાર લાવવાની કામગીરીમાં લાગી ગઈ છે.

  આ પણ વાંચોOMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

  સાતારા જિલ્લા મેજિસ્ટ્રેટ શેખરસિંહે જણાવ્યું હતું કે, પાટણ તાલુકાના અંબેઘર અને ઢોકાવાલે ગામોમાં ભૂસ્ખલન સ્થળેથી 13 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રત્નાગિરી જિલ્લામાં 11 લોકો, કોલ્હાપુરમાં પાંચ, મુંબઇમાં ચાર, સિંધુદુર્ગમાં બે અને પુણેમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા 59 લોકો ગુમ છે, જેમાં રાયગઢના 53 લોકો સામેલ છે, જ્યારે 90,604 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં રત્નાગીરી જિલ્લામાં રાયગઢ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોલ્હાપુર જિલ્લો પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ ઉપરાંત સાતારા જિલ્લાના અનેક ભાગોમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.

  આ દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે પૂર અને ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્ર સરકારે રૂ. બે લાખ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકારે આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન 'કીટ'નું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર કર્ણાટક સરકાર સાથે સંકલન કરી રહી છે, જેથી (કોલ્હાપુર જિલ્લામાં) લોકોને પૂરથી રાહત અપાવવામાં સરળતા રહે.

  આ પણ વાંચોVIDEO: ઘોડાપુર નદીના પુલ પર રીક્ષા તણાઈ ગઈ, લોકોનો જીવ તાળવે ચોંટ્યો, 2 યુવકોનો મહામુસીબતે જીવ બચ્યો

  બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે, ભૂસ્ખલનની સતત વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ડુંગરાળ વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાયી સમય માટે સ્થળાંતરિત કરવાની યોજના બનાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં, વિશેષ રીતે પશ્ચિમ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં પાણીના સંચાલન માટે વિશેષ નીતિ બનાવવામાં આવશે. આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન નદીઓના જળસ્તર વધી જતા પુર આવે છે.

  ઠાકરેએ કહ્યું કે, આવી ઘટનાઓ (ભૂસ્ખલન) ને ધ્યાનમાં રાખીને પહાડી ઢોળાવ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરી તેમના માટે સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવશે. આ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવા માટે યોજના બનાવવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: