નવી દિલ્હી: દિલ્હીમાં મંકીપોક્સ (monkeypox)નો પ્રથમ કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, લગભગ 32 વર્ષીય યુવક મંકીપોક્સની ઝપેટમાં આવ્યો છે. આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીએ કોઇ વિદેશ યાત્રા કરી નથી, પરંતુ થોડા દિવસ અગાઉ તે મનાલીમાં એક પાર્ટીમાં હાજર હતો. કેરળમાં ત્રણ કેસ નોંધાયા બાદ આજે દિલ્હીમાં પણ દર્દી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. આજે રવિવારે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સાયન્સ (DGHS), આરોગ્ય મંત્રાલય, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને ICMRના અધિકારીઓ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં મંકીપોક્સના કેસની વાત કરીએ તો, આ યુવકને ત્રણ દિવસ પહેલા બીમારીના લક્ષણો દેખાતાં હોસ્પિટલમાં અલગ કરાયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, શનિવારે તેના નમૂના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, દર્દીના નિકટના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી છે અને ગાઇડલાઇન અનુસાર ક્વોરન્ટાઇન છે.
આ પહેલાં શુક્રવારે કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો હતો. જુલાઇ મહિનામાં યુએઇથી પરત ફરેલા 35 વર્ષીય યુવકમાં મંકીપોક્સ સંક્રમણની પુષ્ટિ થઇ છે. ભારતમાં મંકીપોક્સનો બીજો કેસ કેરળના કન્નુર જિલ્લામાં નોંધાયો હતો. 13 જુલાઇએ દુબઇથી કન્નુર પરત ફરેલા વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ થઇ હતી. ઉપરાંત ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ પણ કેરળમાં જ મળ્યો હતો. 12 જુલાઇએ યુએઇથી કોલ્લમ આવેલા વ્યક્તિમાં સંક્રમણના લક્ષણો દેખાયા હતા.
નોંધનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ શનિવારે મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય ગણાવતા વૈશ્વિક જાહેર સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર