Firozabad viral fever: સ્વાસ્થ્ય વિભાગ (UP health department) અનુસાર છેલ્લા 24 કલાકમાં ફિરોઝાબાદમાં ચાર લોકોનાં મૃત્યુ થતા મૃત્યુઆંક 114 થયો છે. જેમાં 88 બાળકોનો પણ સમાવેશ થાય છે.
લખનઉ: અત્યારે અત્યારે ઘરે-ઘરે ડેંગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવર (Viral fever)ના કેસ જોવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આ બીમારીઓનો કહેર વધુ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈલાજના અભાવને કારણે ગ્રામજનોએ શહેરી વિસ્તારમાં ઈલાજ માટે આવવું પડે છે. આ પરિસ્થિતિમાં મજૂરો ઈલાજ કરાવવા માટે દેવું કરવા માટે મજબૂર બન્યા છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવરના કેસ (Firozabad viral fever cases)માં સતત વધારો થઈ રહ્યો છે. ફિરોઝાબાદમાં 12 હજારથી વધુ વાયરલ ફીવરના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ (UP health department) અનુસાર છેલ્લા 24 કલાકમાં ફિરોઝાબાદમાં ચાર લોકોનાં મૃત્યુ થતા મૃત્યુઆંક 114 થયો છે. જેમાં 88 બાળકોનો પણ સમાવેશ થાય છે. બીમારીઓને ફેલાતી રોકવા માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અહીં 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો ડેંગ્યુ (Dengue) અને વાયરલ ફીવરનો શિકાર થઈ રહ્યા છે.
ફિરોઝાબાદમાં રસ્તાઓ પર ગંદગી જોવા મળી રહી છે અને પાણી ભરાઈ ગયા છે. આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. શાળાઓ શરૂ થવાને કારણે બાળકો પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર થયા છે. સનક સિંહે જણાવ્યું કે, ગામમાં બીમારી ફેલાઈ રહી છે. પરંતુ વ્યવસ્થાઓમાં સુધાર નથી થઈ રહ્યો. ફિરોઝાબાદમાં છેલ્લા 2 દિવસમાં 15 લોકોના મૃત્યુ થયા છે. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓનો યોગ્ય ઈલાજ નથી થઈ રહ્યો.
રવિવારે ઈલાજ ન મળવાને કારણે મજૂર વીરપાલના પુત્રનું મૃત્યુ થયું છે. વીરપાલે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલે ઈલાજ માટે એડવાન્સ રૂ. 30 હજારની માંગ કરી હતી. મેં હોસ્પિટલ પાસે પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ તેમણે મને ના પાડી દીધી. ત્યારબાદ ફિરોઝાબાદ મેડિકલ કોલેજ (Firozabad medical college)માં બેડ ન હોવાને કારણે મેડિકલ સ્ટાફે મારા બાળકને દાખલ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ બાળકને આગરા લઈ જવા માટે મેં ખાનગી ટેક્સીની વ્યવસ્થા કરી, પરંતુ મારા બાળકનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું.
રાજકીય મેડિકલ કોલેજના આચાર્ય ડૉ. સંગીતા અનેજા (Dr Sangeeta Aneja)એ જણાવ્યું કે, હાલ હોસ્પિટલમાં 429 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બાળકોમાં જલ્દી રિકવરી જોવા મળી રહી છે. જે બાળકોની સ્થિતિ ગંભીર છે, તેમને પ્લેટલેટ્સ ચઢાવવામાં આવી રહ્યા છે.
ફિરોઝાબાદ મેડિકલ કોલેજના CMS હંસરાજ સિંહે જણાવ્યું કે, આ મામલે કોઈ અધિકૃત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. CMO દિનેશ કુમાર પ્રેમીએ જણાવ્યું કે, જિલ્લામાં 64 ચિકિત્સા કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં તાવથી પીડિત 4,800 લોકોનો ઈલાજ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ડેન્ગ્યુના 578 કેસ સામે આવ્યા છે. મેલેરિયાના પણ કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં બાળકોને ડાયરિયા પણ થઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય વિભાગના અડિશનલ ડિરેક્ટર એ.કે. સિંહે જણાવ્યું કે, આરોગ્યકર્મીઓની 100થી અધિક ટીમ દર્દીઓને ઓળખીને તેમને દવા આપી રહી છે અને ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દવાઓનો કોઈ અભાવ નથી. દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર