નવી દિલ્હી : દિલ્હી ભાજપ (Delhi BJP)એ 'ગાંધી સંકલ્પ યાત્રા' (Gandhi Sankalp Yatra) દરમિયાન પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari) સહિત તેમના અન્ય નેતાઓ પર કરાવલ નગરમાં કથિત રીતે ફટાકડો ફેંકવાને લઈ પોલીસ (Police)માં ફરિયાદ નોંધવામાં આવી છે. મનોજ તિવારીએ આ ઘટનાને ભાજપના કાર્યક્રમમાં દખલ કરવા માટે કરવામાં આવેલી 'કાયરતાપૂર્ણ' હરકત કરાર કરી છે. શુક્રવારે કરાવલ નગર પશ્ચિમના દસ ફુટ રોડથી તુર્કમીરપુરના શનિ બજાર સુધી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન થયું હતું. રાત્રે લગભગ 8 વાગ્યે જ્યારે તિવારી અને અન્ય નેતા સભાને સંબોધિત કરી રહ્યા હતા તો કોઈએ કથિત રીતે તેમની પર ફટાકડો ફેંક્યો હતો.
મનોજ તિવારીએ કહ્યુ કે, ફટાકડો મારી પર અને અમારા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટ પર આવીને પડ્યો. હું માંડ-માંડ બચી ગયો, પરંતુ બિષ્ટના હાથમાં ઈજા થઈ અને તેમને ઝભ્ભો બળી ગયો. દિલ્હી ભાજપના મીડિયા સહ પ્રમુખ આનંદ ત્રિવેદીએ ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં શુક્રવાર મોડી રાત્રે આ મામલામાં ફરિયાદ નોંધાવી.
મોદીના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધીનું આ સપનું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ મામલામાં આઈપીસીની કલમ 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ સીસીટીવી ફુટેજ તપાસી રહી છે. આ પહેલા યાત્રા શરૂ કરતાં મનોજ તિવારીએ કહ્યુ હતું કે ભારત માટે આઝાદી મેળવવી અને રામરાજ્ય સ્થાપિત કરવું મહાત્મા ગાંધીનું સપનું હતુ્ર, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી રહ્યું છે.
સત્તામાં બરકરાર રહેવાની યુક્તિઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી
મનોજ તિવારીએ દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી પર રાજ્યના બંધારણનો દુરુપયોગ કરવા અને સત્તામાં કાયમ રહેવાની યુક્તિઓ શોધવાનો પણ આરોપ લગાવ્યો. દિલ્હીમાં આવતા વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જયંતી પર દિલ્હીમાં ગાંધી સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.