રશિયાના પશ્ચિમ સાઇબેરિયા સ્થિત ઇન્ડસ્ટ્રિયલ સિટીના એક શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગને કારણે ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થઈ ગયા છે. રશિયાની સમાચાર એજન્સીએ તપાસ કરી રહેલા અધિકારીઓના હવાલેથી જાણકારી આપી હતી કે આગને કારણે અનેક લોકો ગુમ થયા છે.
સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે કેમેરોવો શહેરમાં વિન્ટર સેન્ટર નામના એક મોલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની આશરે 100 જેટલી ગાડીઓને કામે લગાવવામાં આવી છે.
એજન્સીના જણાવ્યા પ્રમાણે શોપિંગ મોલમાં આગ બાળકોના પ્લેગ્રાઉન્ડ પાસે લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાળકે લાઇટરનો ઉપયોગ કર્યો હતો જેના કારણે આગ લાગી હતી. જોકે, બીજી વાત એવી પણ સામે આવી રહી છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. આગ કયા કારણે લાગી હતી તેની કોઈ અધિકારિક માહિતી આપવામાં આવી નથી. અહીં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે આગ લાગી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું ન હતું.
આગથી પોતાનો જીવ બચાવવા માટે લોકો ચોથા માળેથી કૂદતા પણ નજરે પડ્યા હતા. કેમેરોફો શહેર રશિયાની રાજધાની મોસ્કોથી આશરે 3600 કિલોમીટર દૂર છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગી ત્યારે શોપિંગ મોલમાં 200 જેટલા જાનવર પણ હાજર હતા. એમની હાલત શું છે તેની કોઇ માહિતી મળી નથી.
ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા પ્રમાણે શોપિંગ સેન્ટરમાં ચોથા માળે મલ્ટિપ્લેક્સ ઉપરાંત મનોરંજનની અન્ય સુવિધા છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હશે. રશિયાના સુરક્ષા અધિકારીઓએ આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
જોકે, હજી સુધી એવી કોઈ માહિતી નથી મળી કે લોકોનાં મોત આગને કારણે દાઝી જવાથી થયા છે કે પછી ધૂમાડાને કારણે શ્વાસ રૂંધાઈ જવાથી થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર