બુલંદશહરના સ્યાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યાના મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સંબંધમાં સ્યાના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સુભાષ સિંહે રિપોર્ટ નોંધાવ્યો છે. જેમાં બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજ, બીજેપી યુવા સ્યાનાના નગર અધ્યક્ષ શિખર અગ્રવાલ, વીએચપી કાર્યકર્તા ઉપેન્દ્ર રાઘવના નામ પણ નોંધવામાં આવ્યા છે.
પોલીસે આ મામલામાં બે અલગ-અલગ એફઆઈઆર પણ નોંધી છે. જેમાંથી એક એફઆઈઆર ઇન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યાના મામલામાં નોંધવામાં આવી છે. જેમાં કુલ 28 લોકોના નામ નોંધવામાં આવ્યા છે, જ્યારે 60 અજાણ્યા લોકો સામેલ છે. સુબોધ કુમારની હત્યાના મામલામાં બજરંગ દળના નેતા યોગેશ રાજને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેણે જ સૌથી પહેલા ગોહત્યાની ફરિયાદ કરી હતી.
બીજી એફઆઈઆર ગોહત્યાના મામલામાં નોંધવામાં આવી છે, જેમાં સાત લોકોના નામ છે. આ મામલાની તપાસ એસઆઈટી અને એડીજી ઇન્ટેલિજન્સ કરી રહી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસની 6 ટીમોએ અત્યાર સુધી 22 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બુલંદશહરના સ્યાનામાં કથિત રીતે ગોહત્યાની આશંકામાં સોમવારે મોટાપાયે તોફાન થયું હતું. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભીડની હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યા થઈ ગઈ હતી.