રોકડની તંગી બાદ સરકાર સફાળી જાગી, નોટો છાપવાની કામગીરી પાંચ ગણી વધારી

 • Share this:
  દેશમાં અનેક રાજ્યોમાં કેશની તંગીના અહેવાલ બાદ સરકાર સફાળી જાગી છે. આ અંગે આર્થિક બાબતોને સેક્રેટરી સુભાશ ચંદ્રા ગર્ગે જણાવ્યું હતું કે, અમે દરરોજ રૂ. 500ની નોટની 500 કરોડની કરન્સી દરરોજ છાપીએ છીએ. કરન્સીની તંગી બાદ અમે નોટો છાપવાનું કામ પાંચ ગણું વધારી દીધું છે. હવે અમે દરરોજ 2500 કરોડની રૂ. 500ની નોટો છાપીશું. આ મહિના રૂ. 70થી 75 હજાર કરોડની સપ્યાલ કરવામાં આવશે.'

  ત્રણ દિવસમાં સમસ્યા દૂર કરાશેઃ અરુણ જેટલી

  દેશમાં અમુક ભાગોમાં કેશની અછતથી લોકો પરેશાન થઈ ગયા છે. સરકારના મંત્રીઓ અને અધિકારીઓ આ બાબતે સતત ખુલાસા આપી રહ્યા છે. આ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ અમુક રાજ્યમાં થયેલી કેશની અછતનું કારણ તે રાજ્યમાં અચાનક કેશની માંગમાં થયેલો વધારો ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશમાં જરૂરિયા કરતા વધારે નોટો ચલણમાં છે, તેમજ બેંકો પાસે પણ પૂરતા પ્રમાણમાં કરન્સી છે. અરુણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું છે કે સરકારે આ મુદ્દે સમીક્ષા કરી છે તેમજ કેશની અછતને ત્રણ જ દિવસમાં દૂર કરવામાં આવશે.  નોંધનીય છે કે દેશમાં અનેક રાજ્યમાં કેશની અછતના સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અમુક લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં નોટબંધી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેશની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક સમિતિ બનાવી છે.

  આ કારણોથી ATM ખાલી થયા

  1) સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનેક રાજ્યોમાં તહેવારનો માહોલ હોવાને કારણે લોકોને વધારે કેશની જરૂર હતી. લોકો કેશનો સંગ્રહ કરવા લાગ્યા હતા જેના કારણે અફડા-તફડી થઈ ગઈ હતી.

  2) સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચલણી નોટોના સ્ટોકમાં આવો ઉતાર-ચઢાવ થતો જ રહે છે. જો કોઈ રાજ્યની કેશ ડિમાન્ડ વધી જાય છે તો અમુક રાજ્ય પર હંગામી ધોરણે કેશ પર અંકુશ મૂકી દેવામાં આવે છે.

  3) કર્ણાટકમાં ચૂંટણી નજીક હોવાને કારણે ત્યાં કેશની ડિમાન્ડ વધી ગઈ છે. સિઝનને કારણે ખેડૂતો પણ બેંકોમાંથી રકમનો ઉપાડ કરતા હોય છે.

  4) એફઆરડીઆઈ બિલને કારણે લોકોના મનમાં એવી આશંકા ઘર કરી ગઈ છે કે બેંકમાં તેમના પૈસા સુરક્ષિત નથી. આને કારણે પણ લોકો બ્રાંચો અને એટીએમથી પૈસા ઉપાડી રહ્યા છે.

  5) એવી પણ અફવા ફેલાઈ રહી છે કે સરકારી બેંકે નિષ્ફળ જઈ રહી છે, જેના કારણે પણ લોકો બેંકોમાંથી પૈસા કાઢી રહ્યા છે.

  6) અમુક લોકો ચલણી નોટોના કાળાબજાર પણ કરી રહ્યા છે. આ લોકો ડિજિટલ પેમેન્ટ સ્વીકારીને પાંચથી 10 ટકાની દલાલી લઈને કેશ આપી રહ્યા છે. કેશની અછતનું આ પણ એક કારણ છે.

  7) બેન્કિંગ અવ્યવસ્થા પણ આનું એક કારણ છે. જેના કારણે અમુક રાજ્યમાં વધારે તો અમુક રાજ્યમાં બહુ ઓછી કેશ છે.

  8) હાલમાં લગ્નની મૌસમ ચાલી રહી હોવાથી લોકો જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં કેશ ઉપાડી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: