નવી દિલ્હી : પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને દુનિયાથી અલગ પાડી દેવાના ભારતના પ્રયાસ વચ્ચે આજે કુલભૂષણ જાધવ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે બંને દેશ ફરીથી સામ સામે હશે. આ મામલાની અંતિમ સુનાવણી આજે એટલે કે સોમવારે શરૂ થશે જે ચાર દિવસ સુધી ચાલશે.
નોંધનીય છે કે 47 વર્ષીય જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા સંભળાવી હતી. પાકિસ્તાને તેના પર જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે.
સુનાવણીની શરૂઆત ભારતના પક્ષ સાથે થશે. જ્યારે પાકિસ્તાન મંગળવારે એટલે કે 19મી ફેબ્રુઆરીના રોજ પોતાનો પક્ષ રાખશે. 20 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલા પક્ષનો ભારત જવાબ આપશે. જ્યારે પાકિસ્તાનને આ મોકો 21ની ફેબ્રુઆરીના રોજ મળશે. કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ઈરાનથી જાધવનું અપહરણ કર્યું હતું.
25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, આજ દિવસ સુધી પાકિસ્તાનને જાધવનો કોન્સ્યુલર એક્સેસ નથી મળ્યો. આ પાછળ પાકિસ્તાન જાધવ જાસસૂ હોવાનું બહાનું આગળ ધરતું આવ્યું છે.
પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.
25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.