આગ્રા: ક્યારેક સામાન્ય વાત ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યાં સુધી કે સામાન્ય વાતમાં હત્યા (Murder) સુધીના બનાવ બની જતાં હોય છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માંથી એક આવો જ બનાવ સામે આવ્યો છે. અહીં એક સામાન્ય વાતમાં પિતા અને પુત્રની ગોળી મારીને હત્યા (Father son shot dead) કરી નાખવામાં આવી છે. અહીં ઘરમાં બકરી ઘૂસી જવાની વાતને લઈને બે પક્ષકાર વચ્ચે લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું. આ ઝઘડામાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નાની એવી વાતે એવું તો ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે એક પક્ષકાર તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ બનાવ આગ્રા જિલ્લાના બસોની પોલીસ મથક વિસ્તારનો છે. અહીં શુક્રવારે ગોળીબારમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું છે. ધોળાદિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. ફાયરિંગની વાત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ગોળીબાર કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: ભારતે રસી મોકલ્યા બાદ બ્રાઝીલે ભારતની સરખામણી સંજીવની લઈ જતા હનુમાન સાથે કરી
આગ્રાના એસ.પી. પૂર્વી કે વેંકટ અશોકે જણાવ્યું કે, બંને જૂથ વચ્ચે ઝઘડા દરમિયાન ગોળીબાર થયો હતો અને તેમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે એક ઘરમાંથી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા. એસ.પી.એ જણાવ્યું કે, ઘટનાને અંજામ આપનાર તમામ આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસ હાલ તમામને શોધી રહી છે. પિતા-પુત્રની ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો: આ બિઝનેસ શરૂ કરીને તમે નાના રોકાણ સાથે મહિને કરી શકો છો 1 લાખ રૂપિયા સુધીની કમાણી
પ્રાપ્ત વિગત પ્રમાણે વિવાદની શરૂઆત ઘરમાં બકરી ઘૂસી જવા અંગે થયેલી બોલાચાલીથી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ દરમિયાન જેમના ખેતરમાં બકરી ઘૂસી ગઈ હતી તેમણે ગોળી ચલાવી હતી. અચાનક થયેલા ફાયરિંગમાં પિતા-પુત્રને ગોળી વાગી હતી. બંનેને તાત્કાલિક હૉસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધી બંનેનું નિધન થઈ ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 23, 2021, 11:57 am