પાકિસ્તાનમાં 'સેફ હાઉસ'માં રહે છે દાઉદ: ટકલાએ કર્યા અનેક ખુલાસા

દાઉદના રાઇટ હેન્ડ ટકલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે

  • Share this:
    આશિષ સિંઘ

    અંડરવર્લ્ડ ડોન દાઉદના રાઇટ હેન્ડ ફારુખ ટકલાએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે. ટકલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ભારતીય એજન્સીઓ જો એવું માની રહી હોય કે, દાઉદ હવે કોઈ કામનો નથી કે પછી તેનું સ્વાસ્થ્ય એકદમ બગડી ગયું છે તે તોએ ખાંડ ખાઈ રહી છે. દાઉદ આજે પણ પાકિસ્તાનના ક્લિફ્ટન વિસ્તારમાં ભારે સુરક્ષા વચ્ચે આરામની જિંદગી વિતારી રહ્યો છે. અહીં દાઉદની મરજી વગર કોઈ ફરકી પણ નથી શકતું. તેના માટે એક 'સેફ હાઉસ' પણ તૈયાર છે જેની જાણકારી આઈએસઆઈના અમુક લોકો સિવાય કોઈ પાસે નથી.

    ફારુક ટકલાએ વધુમાં જણાવ્યું કે દાઉદ કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં જ રહે છે. તેના અને તેના આખા પરિવારને પાકિસ્તાની રેન્જર્સ સુરક્ષા પૂરી પાડે છે. તેના ઘરમાં બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમથી આખા બંગલાની આસપાસના વિસ્તાર પર નજર રાખી શકાય છે.

    આવી હોય છે દાઉદની સુરક્ષા

    પૂછપરછ દરમિયાન ટકલાએ જણાવ્યું કે, દાઉદ માટે બનાવવામાં આવેલા 'સેફ હાઉસ'નો ઉપયોગ ઇમરજન્સીની હાલતમાં દાઉદને ભગાડવાના રૂટ તરીકે કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય નેતા પાકિસ્તાનમાં આવે છે ત્યારે દાઉદને ક્લિફ્ટન વિસ્તારથી થોડા કિલોમીટર દૂર 'અંડા ગ્રુપ ઓફ આઈલેન્ડ્સ'માં બનાવવામાં આવેલા 'સેફ હાઉસ'માં ખસેડવામાં આવે છે. જ્યારે ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર દાઉદના ઘર વિશેની રજુઆત કરે છે ત્યારે પણ તેને આ સુરક્ષિત ઘરમાં ખસેડવામાં આવે છે.

    પાક અધિકારીઓના સંપર્કમાં રહે છે દાઉદ

    'અંડા ગ્રુપ ઓફ આઈલેન્ડ્સ'માં આવેલા સેફ હાઉસમાં દાઉદની સુરક્ષા પાકિસ્તાની કોસ્ટગાર્ડની એક ટીમ કરે છે. આ સેફ હાઉસમાંથી દાઉદ સેટેલાઈટ ફોન દ્વારા પાકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં રહે છે. આ સેફ હાઉસ બહાર પાકિસ્તાન કોસ્ટ ગાર્ડની એક બોટ સતત પેટ્રોલિંગ કરતી રહે છે. આ સેફ હાઉસનો ઉપયોગ તેને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે ઉપરાંત આપતકાલિન સ્થિતિમાં તેને અહીંથી જ સુરક્ષિત દુબઇ શિફ્ટ કરવામાં આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    પોતાના રોલ અંગે ટકલાએ જણાવ્યું હતું કે તેની જવાબદારી એવી હતી કે જો કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં દાઉદને દુબઇ આવવું હોય તો તેને રિસીવ કરવા જવું અને તેને સુરક્ષિત પહોંચાડવો. ટકલાએ જણાવ્યું હતું કે સેફ હાઉસમાંથી સમુદ્રના રસ્તે થોડી જ કલાકોમાં દુબઈ પહોંચવા તેમજ ઉમરાહ જવા માટે દાઉદ આ રૂટનો અનેક વખત ઉપયોગ કરતો રહ્યો છે. હું તેને લેવા માટે અનેક વખત ગયો છું.

    આ પણ વાંચોઃ
    Published by:Vinod Zankhaliya
    First published: