સંદીપ કુમાર, નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદા (Farm Laws)ની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત સંગઠનો (Farmers Protest)ના આંદોલનનો આજે 50મો દિવસ છે. સરકાર સાથે ચાલેલી મંત્રણાઓ અને સુપ્રીમ કોર્ટ તરફથી મધ્યસ્થતા માટે કમિટીની રચના કરી દીધા બાદ પણ મામલાનો ઉકેલ આવ્યો નથી. ખડૂતો કાયદાઓને રદ કર્યા સિવાય કોઈ પણ વાત માનવા માટે તૈયાર નથી. ત્યાં સુધી કે તેઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની કમિટી ઉપર પણ નારાજગી વ્યક્ત કરી છે. આદોલન કરી રહેલા ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સંયુક્ત કિસાન મોર્ચો પોતાના અગાઉના નિર્ણય મુજબ કોઈ પણ કમિટીના પ્રસ્તાવને ફગાવી ચૂકી છે, એટલે કે તેમને આ કમિટી બિલકુલ સ્વીકૃત નથી.
આવી કોઈ પણ કમિટી સાથે અમારો કોઈ સંબંધ નથી - ડૉ. દર્શનપાલ
સિંઘુ બોર્ડર (Singhu Border) પર મોટાપાયે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતૃત્વમાં સામેલ ખેડૂત નેતા ડૉ. દર્શનપાલનું કહેવું છે કે અમે એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે આ મામલામાં મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટને કોઈ વિનંતી નથી કરી અને આવી કોઈ પણ કમિટીથી અમારો કોઈ સંબંધ નથી.
કમિટીના સભ્યો ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કરતા રહ્યા છે - ખેડૂત નેતા
ડૉ. દર્શનપાલે કહ્યું કે, ભલે આ કમિટી કોર્ટને ટેકનીકલ ભલામણો આપવા માટે બનાવી છે કે પછી ખેડૂતો અને સરકારમાં મધ્યસ્થતા માટે, ખેડૂતોનું કમિટી સાથે કોઈ લેવા-દેવા નથી. તેઓએ વધુમાં કહ્યું કે, કોર્ટે જે ચાર સભ્યોની કમિટી જાહેર કરી છે તેના તમામ સભ્ય આ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કરતા આવ્યા છે અને છેલ્લા અનેક મહિનાઓથી ખુલીને આ કાયદાઓના પક્ષમાં માહોલ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહ્યા છે.
કમિટીમાં એક પણ નિષ્પક્ષ સભ્યને નથી રાખ્યા- સંયુક્ત કિસાન મોર્ચો
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી ખેડૂત નેતાએ ત્યાં સુધી કહ્યું કે, આ અફસોસની વાત છે કે દેશની સુપ્રીમ કોર્ટે પોતાની મદદ માટે બનાવેલી આ કમિટીમાં એક પણ નિષ્પક્ષ સભ્ય નથી રાખ્યા.
કમિટીની જવાબદારી મુદ્દાઓનો ઉકેલ શોધવાની
મૂળે, મંગળવારે આ આંદોલનથી સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કૃષિ કાયદાઓને લાગુ થવા પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી. સાથોસાથ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટીની જવાબદારી આ મુદ્દાઓને ઉકેલવાની હશે.
સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી ચાર સભ્યોની કમિટીમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા ભૂપેન્દ્રસિંહ માન, ખેડૂતોના સંગઠન શેતકારી સંગઠનના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાનના પ્રમોદ જોશી સામેલ છે. આ તમામ ચાર સભ્યો ખેડૂતોના મુદ્દાઓને ઉકેલવાના ઉપાયો પર કામ કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર