નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Agricultural Law)ને પાછો ખેંચવાની માંગણી સાથે દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર (Singhu border) પર ધરણા કરી રહેલા ખેડૂતોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સિંધુ બોર્ડર પર શુક્રવારે રાતે એક શકમંદ શૂટરને પકડવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતા આ કથિત શૂટેરે દિલ્હી પોલીસ (Delhi Police) પર ગંભીર આરોપ લગાવ્યા છે. કથિત શૂટરનું કહેવું છે કે તેને 26મી જાન્યુઆરીના રોજ કંઈક ખોટું થવા પર મંચ પર બેઠેલા ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પકડી લેવામાં આવેલા શૂટરે દાવો કર્યો છે કે 26મી જાન્યુઆરીના રોજ કિસાન ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યો હતો. કિસાનોએ જે શકમંદને પકડ્યો છે તેણે જણાવ્યું કે, 23થી 26 જાન્યુઆરી વચ્ચે ખેડૂત નેતાઓને ગોળી મારવાની હતી અને મહિલાઓનું કામ લોકોને ઉશ્કેરવાનું હતું. શૂટરે કબૂલાત કરી છે કે તેણે ઝાટ આંદોલન વખતે પણ માહોલ ખરાબ કરવાનું કામ કર્યું હતું.
શકમંદે ખુલાસો કર્યો છે કે દેખાવ કરી રહેલા ખેડૂતો હથિયારો લઈને જઈ રહ્યા છે કે નહીં તેની તપાસ માટે બે ટીમ કામે લગાવવામાં આવી હતી. શૂટરે જણાવ્યું કે 26મી તારીખે કિસાન નેતાઓ જ્યારે મંચ પર બેઠા હોય ત્યારે ગોળી મારવાનો આદેશ હતો. આ માટે શૂટરને ચાર લોકોની તસવીરો પણ આપવામાં આવી હતી. શૂટરે જણાવ્યું કે તે 19મી જાન્યુઆરીથી સિંધુ બોર્ડર પર છે. તેણે જણાવ્યું કે 26મી જાન્યુઆરીને જ્યારે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા ત્યારે તે તેની સાથે ભળી જવાનો હતો. જો દેખાવકારો પરેડ સાથે નીકળતા તો તેમના પર ફાયરિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આરોપી યોગેશ સોનીપતનો નિવાસી
સિંધુ બોર્ડર પર ઝડપવામાં આવેલા શૂટરને ક્રાઇમ બ્રાંચની ઓફિસે લઈ જવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે આરોપીનું નામ યોગેશ છે. તે સોનીપતના ન્યૂ જીવન નગરનો નિવાસી છે. પોલીસના કહેવા પ્રમાણે તે ધોરણ-9 નપાસ છે. હજુ સુધી તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.
Published by:Vinod Zankhaliya
First published:January 23, 2021, 07:23 am