ખેડૂત રેલી હિંસા: દિલ્હી પોલીસ કમિશ્નરે ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આપ્યો આદેશ

ખેડૂત ટ્રેક્ટર રેલી હિંસક બની

પીરાગઢી ચોકમાં ખેડૂત પોલીસના બેરિકેડ તોડી પંજાબ બાગ તરફ ઘુસી ગયા છે. દિલ્હીમાં 1500 વધારાના જવાનો ખડકી દેવામાં આવ્યા છે.

  • Share this:
    દિલ્હી : પોલીસના પીઆરઓ ઇશ સિંઘલે કહ્યું કે, વિરોધ અનેક જગ્યાએ પ્રદર્શન હિંસક બની ગયું છે. ઘણા પોલીસ જવાન ઘાયલ થયા છે અને જાહેર સંપત્તિને પણ નુકસાન થયું છે. પોલીસે સંયમનો ઉપયોગ કર્યો અને જરૂર પડે ત્યારે બળનો ઉપયોગ કર્યો. હું વિરોધીઓને અપીલ કરું છું કે, નિર્ધારિત માર્ગો દ્વારા પાછા ફરવું અને શાંતિ જાળવવી.

    દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ટ્રેક્ટર રેલીને લઈને કેટલાક નિયમો અને શરતો રાખવામાં આવી હતી, જેના વિશે વિરોધીઓને જણાવાયું હતું. તેમણે હિંસા અને તોડફોડનો માર્ગ પસંદ કર્યો. સંપત્તિને મોટું નુકસાન થયું છે. અમે વિરોધીઓને વિનંતી કરીએ છીએ કે હિંસાનો ઉપયોગ ન કરવો અને પાછા ફરો.

    આ હિંસામાં 16 જેટલા પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસ કમિશનરે ઉપદ્રવ મચાવનાર સામે કાર્યવાહી કરવા કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

    પીરાગઢી ચોકમાં ખેડૂત પોલીસના બેરિકેડ તોડી પંજાબ બાગ તરફ ઘુસી ગયા છે. દિલ્હીમાં 1500 વધારાના જવાનો ખડકી દેવામાં આવ્યા છે. CRPF અને અલગ -અલગ પેરામિલેટ્રી ફોર્સની કેટલીક કંપનીઓ પણ ઉતારી દેવામાં આવી છે.

    પ્રજાસત્તાક દિન પર ખેડુતોની ટ્રેક્ટર કૂચમાં થયેલી હિંસા બાદ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દિલ્હીના ઉત્તર જિલ્લા તરફ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા માટે લોકોને એસ.એમ.એસ. મળ્યા છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહાર, પાંડવ નગર અને અક્ષરધામ વિસ્તારોમાં લોકોને ઇન્ટરનેટ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, નોઇડા અને ગાઝિયાબાદના વિસ્તારોમાં પણ લોકોની ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાના સંદેશા મળ્યા છે.

    નોંધપાત્ર વાત એ છે કે, પ્રજાસત્તાક દિવસે, ખેડુતોની ટ્રેક્ટર માર્ચ તેમના માર્ગને જ ભૂલી ગઈ હતી. કૂચ દરમિયાન અનેક સ્થળોએ હિંસક ઘટનાઓની કોશિશ કરવામાં આવી હતી. આઈટીઓ અને ટીકર બોર્ડર ખેડુતો બેકાબૂ બન્યા હતા, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ ચલાવ્યાં હતાં. ખેડુતો લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશ્યા અને તેના પ્રાચીર ઉપરથી તિરંગો ઉતારીને નિશાન સાહેબ લગાવી દીધુ.

    બીજી બાજુ, સંયુક્ત ખેડૂત મોરચા વતી કરેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, અમે આજના ખેડૂત પ્રજાસત્તાક દિનની પરેડમાં અભૂતપૂર્વ ભાગીદારી બદલ ખેડુતોનો આભાર માનીએ છીએ, પરંતુ અમે આજે બનેલી અનિચ્છનીય અને અસ્વીકાર્ય ઘટનાઓની નિંદા અને દુખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનામાં જે ઉપદ્રવીઓ જોડાયા છે તેમનાથી અમે ખુદને અલગ કરીએ છીએ.
    Published by:kiran mehta
    First published: