સંજય સાઠેએ કહ્યું કે, મેં 750 કિલો ડુંગળીનું ઉત્પાદન કર્યુ હતું પણ મને આ ડુંગળીનો માત્ર પ્રતિ કિલો એક રૂપિયો જ ભાવ મળ્યો. માંડ રકઝક કરતા મને પ્રતિ કિલો 1.40 રૂપિયા મળ્યા.
સમગ્ર દેશમાં ખેડૂતોની આંતરડી કકળી રહી છે. પરાણે જમીન સંપાદનથી લઇને ખેત પેદાશનાં નજીવા ભાવથી થાકેલા ખેડૂતો હવે ગળે આવી ગયા છે.મહારાષ્ટ્રમાં ડુંગળી પકવતા એક ખેડૂતને ડુંગળીનો ભાવ માત્ર કિલો દીઠ રૂપિયો જ મળતા તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પિત્તો ગયો છે.
આથી, ખેડૂતને ડુંગળી વેચ્યા પછી જેટલા પૈસા આવ્યા એ તમામ તેણે વડાપ્રધાન નરેન્દ્રને મોકલી આપ્યા અને તેનો વિરોધ પ્રગટ કર્યો. નાસિક જિલ્લાનાં નિપહાદ તાલુકાનાં રહેવાસી ખેડૂત સંજય સાઠે એવા ખેડૂતોમાં હતા કે 2010માં જ્યારે અમેરિકાનાં પ્રમુખ બેરેક ઓબોમા ભારત આવ્યા ત્યારે તેમની સાથે ચર્ચા કરવામાં તેમને સામેલ કરવામાં આવ્યા હતા.
સંજય સાઠેએ કહ્યું કે, મેં 750 કિલો ડુંગળીનું ઉત્પાદન કર્યુ હતું પણ મને આ ડુંગળીનો માત્ર પ્રતિ કિલો એક રૂપિયો જ ભાવ મળ્યો. માંડ રકઝક કરતા મને પ્રતિ કિલો 1.40 રૂપિયા મળ્યા. આથી 750 કિલોનાં મને રૂપિયા 1064 મળ્યા. પરસેવો પાડીને મહેનત કરી અને જ્યારે પાક થયો ત્યારે કોડીના ભાવ મળતા દુખ થયું. એટલા માટે, મેં નક્કી કર્યું કે, આ પૈસા પ્રધાનમંત્રીનાં ડિઝાસ્ટર રિલીફ ફંડમાં દાન આપી દઉ. આ પૈસા મોકલવા માટે મારે વધારા 54 રૂપિયાનો પણ ખર્ચ થયો. હું કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. પણ મને ગુસ્સો આવે છે. કેમ કે, સરકાર ખેડૂતનું દુખ જોતી નથી”
સંજય સાઠેએ નવેમ્બર 29નાં રોજ આ પૈસા નરેન્દ્ર મોદીને મની ઓર્ડર દ્વારા મોકલ્યા. દેશમાં 50 ટકા ડુંગળીનું ઉત્પાદન નાસિક જિલ્લામાં થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય સાઠેનો અવાજ ખુબ સરસ છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમના કાર્યક્રમ પણ આવે છે. એટલા માટે જ, જ્યારે ઓબામા મુંબઇ આવ્યા ત્યારે સંજય સાઠેને સરકારે તેમનો સ્ટોલ પ્રદર્શનમાં રાખવા કહ્યું હતું. મેં ઓબામા સાથે વાતચીત પણ કરી હતી.