ન્યૂઝ 18 ગુજરાતી: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વવસનીયતાના વિવાદની વચ્ચે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરસુનીલ અરોડાએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈવીએમનો ઉપયોગ યથાવત રહેશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે હવે બેલેટ પેપરનો ઉપયોગ શક્ય નથી. દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું, “બેલેટ પેપરથી મતદાન કરવાનો સવાલ જ નથી ઉદભવતો. અમે ઈવીએમનો ઉપયોગ કરતા રહીશું.”
દેશના વિપક્ષી દળો સતત માંગણી કરી રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણી ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી થાય.
અરોડાનું આ નિવેદન લંડનમાં યોજાયેલી હેકથૉનના બે દિવસ બાદ આવ્યું છે. આ હેકથૉનમાં અમેરિકાના હેકર સૈયદ શુઝાએ દાવો કર્યો હતો કે ઈવીએમને હેક કરવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. શુઝાએ દાવો કર્યો હતો કે વર્ષ 2014ની ચૂંટણીમાં ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા.
આ દાવાના ફગાવતા અરોડાએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી અત્યારસુધી યોજાયેલી ચૂંટણીઓમાં અલગ-અલગ પરિણામો આવ્યા છે, આ સ્થિતિમાં ઈવીએમમાં ખામી હતી તેવું કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું, “ચૂંટણીમાં જો 'X'પક્ષની જીત થાય તો EVM માં ખામી છે, તેવો આક્ષેપ થાય છે. EVM ફૂટબૉલ નથી. ”
હૈદરે જણાવ્યું હતું કે ભારતમાં બે દાયકાથી ઈવીએમનો ઉપયોગ થાય છે. રાજકીય દળોની શંકાના સમાધાન માટે ઈવીએમને વીવીપેટ સાથે જોડવામાં આવ્યા છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. તેમણે કહ્યું, “અમે કોઈ પણ પ્રકારનો ગોટાળો સાખી નહીં લઈએ”