મુંબઈ : યસ બેંક (Yes Bank Crisis) નાણાકીય સંકટમાં ફસાઈ છે. જે બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)એ તેના પર નાણાકીય પ્રતિબંધો મૂકી દીધા છે. આ સમાચાર બાદ બેંક સાથે જોડાયેલી નવી નવી વિગતો સામે આવી રહી છે. યસ બેંકના પ્રમોટર તેમજ પૂર્વ એમડી રાણા કપૂર (Rana Kapoor)ના મુંબઈ ખાતેના ઘર ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) દરોડાં કર્યા છે. ઈડીએ રાણા કપૂર સામે મની લોન્ડ્રિંગ (Money Laundering) નો કેસ દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઈડીએ મુંબઈ(Mumbai) ના વર્લી સ્થિત રાણા કપૂરના ઘર 'સમુદ્ર મહેલ' પર દરોડાં કર્યાં છે. નોંધનીય છે કે 13 મહિના પહેલા રાણા કપૂરે યસ બેંકના એમડી પદેથી રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હાલમાં રાણા કપૂરના એક જ ઘર પર ઇડીએ દરોડાં કર્યાં છે. અધિકારીઓ રાણાની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી. એવી શક્યતા છે કે આજે શનિવારે તેની ધરપકડ કરવામાં આવે.
યસ બેંકની નાણાકીય સ્થિતને જોતા ગુરુવારે સાંજથી જ સરકાર હરકતમાં આવી હતી. સાથે જ આરબીઆઈએ આદેશ કર્યો હતો કે ત્રીજી એપ્રિલ 2020 સુધી બેંકનો કોઈ પણ ખાતાધારક બેંકમાંથી 50 હજારથી વધુની રકમ ઉપાડી નહીં શકે. જે બાદમાં ખાતાધારકોમાં ચિંતાનો મોજુ પ્રસરી ગયું હતું. જોકે, શુક્રવારે સાંજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) પ્રેસ કોન્ફરન્સ કરીને ખાતાધારકોને આશ્વાસન આપ્યું હતું કે બેંકમાં તેમના પૈસા સુરક્ષિત છે. આ માટે તેમણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી.
રાણા કપૂરની જોખમ લેવાની કળાનો ફાયદો સીધો તેની બેંકને મળ્યો હતો. આ જ કારણ હતું કે એક સમયે યસ બેંકનો શેર 1400 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. શુક્રવારે ઘરેલૂ બજાર બંધ થયા બાદ બૉમ્બે સ્ટોક એક્સચેન્જ પર યસ બેંકનો શેર 16.20 રૂપિયા પર બંધ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર