સંકટ: કોલસાની અછતની અસર દેખાવા લાગી, અનેક રાજ્યોમાં 8થી 10 કલાક વીજકાપ

કોલસાની અછતને પગલે વીજકાપ (Shutterstock તસવીર)

Electricity Crisis: કોલસાના સંકટને પગલે હવે અનેક રાજ્યોમાં વીજળીનું સંકટ (Electricity Crisis) ઊભું થયું છે. ઝારખંડમાં કોલસાની અછતને પગલે 285 મેગાવોટથી લઈને 430 મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવી પડી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોલસાની અછત (Coal shortage)ની અસર વીજળીનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ (Electricity Generating Plants)પર સ્પષ્ટ નજરે પડી રહી છે. કોલસાના સંકટને પગલે હવે અનેક રાજ્યોમાં વીજળીનું સંકટ (Electricity Crisis) ઊભું થયું છે. ઝારખંડમાં કોલસાની અછતને પગલે 285 મેગાવોટથી લઈને 430 મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવું પડી રહ્યું છે. આ કારણે ઝારખંડના ગામડાઓમાં હાલ 8થી 10 કલાક પાવર કાપ ચાલી રહ્યો છે. કોલસાની અછતની અસર બિહાર પર પણ જોવા મળી રહી છે. બિહારમાં પાંચ ગણી વધારે કિંમત ચૂકવવા છતાં વીજળી કંપનીઓ પૂરતી વીજળી નથી આપી શકતી.

  ઉર્જા વિકાસ નિગમે જણાવ્યું કે, રાજ્યો તરફથી જેટલી માંગ છે તેની સરખામણીમાં ખૂબ ઓછી વીજળી સેન્ટ્રલ પૂલથી મળી રહી છે. વીજળી સંકટની અસર નેશનલ પાવર એક્સચેન્જ (National power exchange) પર પણ જોવા મળી રહી છે. આખા ભારતમાં હાલ 10 હજાર મેગાવોટ વીજળીની અછત અનુભવાઈ રહી છે. વીજળીની અછતને પગલે નેશનલ પાવર એક્સેન્જમાં પ્રતિ યૂનિટ વીજળીના દરમાં વધારો જોઈ શકાય છે. સામાન્ય રીતે પાંચ રૂપિયા પ્રતિ યૂનિટ મળતી વીજળીનો ભાવ હવે 20 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી પહોંચી ગયો છે.

  ઝારખંડના વીજળી ઉત્પાદક પ્લાન્ટ્સ પાસે હાલ કોલસાનો મર્યાદિત ભંડાર છે. રાજ્ય સરકારે વધારેલા ભાવ પર નેશનલ પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની વાત કરી છે. જોકે, રાજ્ય તરફથી વીજળીની જેટલી માંગ કરવામાં આવી રહી છે તેટલી ઉપલબ્ધ નથી. તહેવારોને પગલે આગામી દિવસોમાં વીજળીનું સંકટ વધારે ઘેરું બની શકે છે.

  કેન્દ્ર સરકારે કહ્યું, અમારા પાસે કોલસાનો પૂરતો જથ્થો

  કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે ચીનમાં કોલસાની અછત અને ભારતમાં કોલસાની વધી રહેલા માંગ પર કહ્યું કે, દેશમાં કોલસાનો પૂરતો ભંડાર છે. આ ભંડારથી તમામ પ્રકારની માંગ પૂર્ણ કરી શકાય છે. તેમણે કહ્યુ કે, કોલસાની માંગ વધી છે, અમે આ માંગને પૂર્ણ કરી શકીએ છીએ. અમે વધેલી માંગને પૂર્ણ કરવાની સ્થિતિમાં છીએ. તેમણે ભાર પૂર્વક કહ્યુ કે, ચીનની જેમ ભારતમાં આવું કોઈ સંકટ નથી.

  આ પણ વાંચો: Explained: શા માટે વિશ્વના દેશો પર તોળાઈ રહ્યું છે ઊર્જાની અછતનું સંકટ?

  ગુજરાતની સ્થિત પર ઉર્જા મંત્રીએ શું કહ્યું?

  રાજ્યમાં વીજકાપ થશે? શું ગુજરાતમાં વીજ અછત છે? આવા મુદ્દાઓ ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી (Gujarat Energy Minister on Power Cut) કનુ દેસાઈએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બે દિવસ પહેલા આ અંગે વાત કરતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારત સહિત રાજ્યમાં વીજ સંકટ ઘેરું બન્યાની વાત હાલ પૂરતી નથી. હાલમાં રાજ્ય સરકારે પાવર કટની કોઈ જાહેરાત કરી નથી. ગુજરાત સરકાર વિવિધ પાસાઓને વિચાર કરીને ચર્ચા કરી રહી છે. આ અંગે સતત બેઠકો અને મીટિંગ યોજાઈ છે. કનુ દેસાઈએ ઉમેર્યુ કે એક કે બે દિવસ પાવર કટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નથી. ડીમાન્ડ અને સપ્લાય અનુસાર લોડ શેડિંગની પ્રક્રિયા નોર્મલ છે. રાજ્ય સરકાર સ્થિતિ નિયંત્રણમાં રાખવા બેઠકો કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: