ન્યૂઝ18 ગુજરાતી: બુધવારે વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચે મોટો આંચકો આપ્યો છે. ચૂંટણી પંચે વીવીપેટ મેળવણીની તેમની માંગને ફગાવી દીધી છે. જેમાં 50 ટકા સ્લિપની મેળવણીની વાત કહેવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે લાંબા મંથન બાદ કહ્યું છે કે વીવીપેટ સ્લિપની ગણતરીમાં કોઈ ફેરફાર નહીં થાય. જે પ્રકારે ગણતરી થતી હતી, તે પ્રમાણે જ થશે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષની અનેક પાર્ટીઓએ ચૂંટણી પંચ સામે રજૂઆત કરી હતી કે વીવીપેટની પચાસ ટકા સ્લિપની મેળવણી કરવામાં આવે.
ચૂંટણી પંચની બેઠકમાં પંચના સિનિયર અધિકારીઓ સાથે ચૂટણી કમિશનર અશોક લવાસા પણ ઉપસ્થિત રહ્યા. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં એ વાત ઉપર પણ ચર્ચા થઈ કે પંચ વિપક્ષી પાર્ટીઓની માંગ પર રાજી થાય તો મતગણતરીમાં 2-3 દિવસનો સમય લાગી શકે છે.
Election Commission rejects demands of opposition parties' regarding VVPAT. More details awaited pic.twitter.com/zyxETDjWOE
ઉલ્લેખનીય છે કે, આ માંગને લઈ મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની આગેવાનીમાં વિપક્ષના મોટા નેતઓએ ચૂંટણી પંચની મુલાકાત કરીને રજૂઆત કરી હતી.
વિપક્ષે ચૂંટણી પંચને માંગ કરી હતી કે 23 મેના રોજ મતગણતરી શરૂ થતાં પહેલા કોઈ ક્રમથી પસંદ કરેલા પોલિંગ સ્ટેશનો પર વીવીપેટ સ્લિપની તપાસ કરવામાં આવે. બીજી તરફ, ચૂંટણી પંચે નિવેદન જાહેર કરીને સ્ટ્રોંગરૂમ્સમાં રાખવામાં આવેલી ઈવીએમની સુરક્ષાને લઈ વ્યક્ત કરવામાં આવેલી આશંકાઓને ફગાવી દીધી છે.
વિપક્ષી પાર્ટીઓની માંગ હતી કે જો કોઈ એક બૂથ ઉપર પણ વીવીપેટ સ્લિપની મેળવણી યોગ્ય ન લાગે તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપેટ સ્લિપની ગણતરી કરવામાં આવે અને તેની ઈવીએમ રિઝલ્ટ સાથે મેળવણી કરવામાં આવે.