તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાઓ ઓછા નથી થઈ રહ્યા. સોમવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. ત્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્ર બિંદુ તુર્કી-સીરિયા બોર્ડર પાસે મળી આવ્યું છે.
તુર્કી અને સીરિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રોઇટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ને સંદર્ભમાં લઈને જણાવ્યું હતું કે, તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઇએ 6.4-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ આ વિસ્તારમાં સતત આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. કાટમાળમાં દટાયેલા લોકોના બચી જવાની ઓછી સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા સર્ચ ઓપરેશનને રોકવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે તુર્કી-સીરિયાને ફરીથી ભૂકંપના આંચકાએ હચમચાવી દીધા હતા. તુર્કીની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી એએફએડીએ દેશમાં ભૂકંપથી મૃત્યુના 41,156 પુષ્ટિ કરેલા કેસ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સીરિયા બંનેમાં ભૂકંપના કારણે કુલ 44,844 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપથી પ્રભાવિત મોટાભાગના વિસ્તારોમાં બચી ગયેલા લોકોની શોધખોળ અટકાવી દેવામાં આવી છે. જો કે, એએફએડીએ જણાવ્યું હતું કે, સર્ચ ટીમો એક ડઝનથી વધુ નાશ પામેલી ઇમારતોમાં તેમના પ્રયાસો વધારી રહી છે. કાટમાળમાં કોઈના જીવતા દટાયા હોવાની કોઈ શક્યતા નથી.
એક અહેવાલ પ્રમાણે, નજરે જોનારા સાક્ષીએ કહ્યુ હતુ કે, કેન્દ્રીય અંતાક્યામાં ઇમારતોને વધુ નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલાં બે મોટા ભૂકંપથી ફટકો પડ્યો હતો, તેમાં હજારો લોકોના મોત નીપજ્યા હતા અને ઇમારતો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.
મને લાગ્યું નીચેની જમીન ફાટી જશેઃ સાક્ષી
અન્ય એક સાક્ષીએ જણાવ્યુ હતુ કે, તાજેતરના ભૂકંપ પછી તુર્કીની બચાવ ટીમો આસપાસ દોડી રહી હતી, તપાસ કરી રહી હતી કે લોકોને કોઈ નુકસાન થયું નથી. ત્યારે અન્ય એક રહેવાસી મુના અલ ઓમરે જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે સેન્ટ્રલ અંતાક્યાના એક પાર્કમાં તંબુમાં હતી. તેણે 7 વર્ષના બાળકને ઊંચકીને રડતા રડતા જણાવ્યું કે, ‘મને લાગ્યું કે મારા પગ નીચેની ધરતી ફાટી જશે’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડાફને શહેરમાં લગભગ 8:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા ઉત્તરમાં 200 કિમી દૂર અંતાક્યા અને અદાના શહેરોમાં પણ અનુભવાયા હતા. તુર્કીની કટોકટી વ્યવસ્થાપન એજન્સીનું કહેવું છે કે, હટાયના સમંદગ જિલ્લામાં 5.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો અને કેટલીક મિનિટો સુધી સમગ્ર વિસ્તાર ધ્રુજતો રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીના દક્ષિણ-પૂર્વ અને પડોશી દેશ સીરિયામાં 7.8 અને 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં 45 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 10 લાખથી વધુ લોકો બેઘર બન્ય હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર