જયપુર : મહામારીના કારણે મોટાભાગના ક્ષેત્રોને ફટકો પડયો હતો. કેટલાક ઉદ્યોગો આર્થિક રીતે કંગાળ થઈ ગયા હતા. અત્યારે આર્થિક રીતે ઉદ્યોગો માંડ માંડ બેઠા થઈ રહ્યા છે, ત્યારે એકમાત્ર દારૂના ધંધાને કંઈ અસર થઈ ના હોવાનું ફલિત થાય છે. રાજસ્થાનમાં વાઈન શોપ માટે થયેલી ઈ હરાજીમાં એક વાઈન શોપ માટે બોલી 510 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આ વાઈન શોપની બેઝ પ્રાઈઝ 72.70 લાખ રૂપિયા હતી. જેની બોલી ગત વર્ષ કરતા સરેરાશ 30 ટકા વધુ બોલાઈ છે.
આ વાઈન શોપ હનુમાનગઢ જિલ્લાના નોહારમા આવેલી છે. ગત વર્ષે ડ્રોના આધારે 65 લાખ રૂપિયામાં આ વાઈન શોપ અપાઈ હતી, પરંતુ આ વર્ષે ઈ-હરાજી રખાઈ હતી, જેમાં તેની બેસ પ્રાઇસ 72.70 લાખ રખાઈ હતી. જોકે, ઈ-હરાજીમાં અકલ્પનિય 510 કરોડ રૂપિયાની બીડ બોલાઈ હતી.
આ પણ વાંચો - 31 માર્ચ સુધીમાં પતાવી લો PAN, KCC, GST અને FD સાથે જોડાયેલા આ કામ, નહીં તો થશે નુકશાન!
માત્ર નોહાર જ નહીં અન્ય સ્થળોએ પણ દારૂની દુકાન માટે તંત્રને ઊંચા ભાવ મળે તેવી શક્યતા છે. ચુરું જિલ્લામાં આવેલી વાઈન શોપના રૂ11 કરોડ જ્યારે જયપુરના સંગનેરની શોપ માટે રૂ. 8.91 કરોડ ઉપજ્યા હતા. આવી જ રીતે સુજનગઢમાં રૂ.10 કરોડ, હનુમાનગઢની બે દુકાનો માટે 11-11 કરોડની બોલી લાગવાઇ હતી. જોકે, આ દુકાનોની બેઝ પ્રાઈઝ રૂ.1થી રૂ.2 કરોડની વચ્ચે હતી.
રાજસ્થાનમાં કુલ 7665 વાઈન શોપ છે જેમાંથી પ્રથમ તબક્કામાં 3572 દુકાનો માટે હરાજી થઈ છે. આ તબક્કો આગામી 10 માર્ચ સુધી ચાલશે. અગાઉ વાઈન શોપનું સંચાલન લોટરી સિસ્ટમથી આપતું હતું પરંતુ નવી નીતિના કારણે ઈ હરાજી થશે. જેમાં કેટલાક વેપારીઓ ઊંચી હરિફાઈની ફરિયાદો કરી રહ્યા છે. બીજી તરફ આ પધ્ધતિથી સરકારની આવકમાં પણ વધારો થશે.
આ મામલે એક્સાઇઝ પોલિસીના એડિશનલ કમિશનર, , સીઆર દેવાસીએ જણાવ્યું હતું કે, વાઇન શોપ માટેની ઇ-હરાજી ત્રણ દિવસ પહેલા શરૂ થઈ હતી. જેમાં નોહરમાં કિરણ કંવર નામના વ્યક્તિને 510 કરોડ રૂપિયાની બોલીમાં વાઇન શોપ મળી હતી. આ કિંમત બેઝ પ્રાઈઝ કરતા લગભગ 708 ગણી વધુ છે. આ મસમોટી બોલી લગાવનાર પાસે તંત્રએ ડિમાન્ડ નોટિસ મોકલી છે. જેને બીડિંગ એમાઉન્ટના 2 ટકા ભરવા પડશે નહીંતર એલોટમેન્ટ રદ થઈ જશે. જો બીડ કરનાર આ રકમ સમયમર્યાદામાં ના ભરે તો રૂ.1 લાખ જેટલી સિક્યુરિટી ડિપોઝીટ પરત નહી મળે.