Home /News /national-international /

ભારતીય રાજકારણ અને 'પરિવાર વાદ': ભાઈ, તેમાં વળી નવું શું છે?

ભારતીય રાજકારણ અને 'પરિવાર વાદ': ભાઈ, તેમાં વળી નવું શું છે?

  સંજય વાઘેલા, ન્યૂઝ 18 ગુજરાતી

  પૂર્વ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધી કાર્યભાર સંભાળશે તેવી જાહેરાત પછી પ્રિયંકાનો પણ સક્રિય રાજકારણમાં પ્રવેશ થઇ ગયો. પ્રિયંકાના રાજકારણમાં સત્તાવાર પ્રવેશની સાથે જ સમગ્ર રાજકીય માહોલમાં એક જબરદસ્ત ગરમાવો આવી ગયો.

  ફરી દોષારોપણ શરુ થયા, ખાસ કરીને 'પરિવાર વાદ' નો મુદ્દો પુનઃ ચર્ચામાં આવ્યો. આ મુદ્દો બહુ જૂનો છે અને સર્વવિદિત પણ ! પરંતુ શું માત્ર કોંગ્રેસ જ પરિવારવાદનું શિકાર છે ? શું બાકીના પક્ષો તેનાથી પર છે ? કદાચ, ડાબેરી પક્ષોને બાદ કરતા આ જવાબ નકારમાં આપી શકાય।

  અહીં ક્લિક કરી વાંચો 'તારે જેટલા રૂપિયા જોઇએ તેટલા આપીશ, જ્યાં બોલાવું ત્યાં આવવાનું'

  કોંગ્રેસનો પરિવાર વાદ પેઢી-દર-પેઢીઓથી ચાલતો આવે છે. આઝાદી પૂર્વેથી જોઈએ તો કોંગ્રેસના મોતીલાલ નહેરુ, તેમના પુત્ર અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, નેહરુના પુત્રી અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ઈન્દીરાના પુત્ર સંજય ગાંધી, ઈન્દિરાજીના મૃત્યુ બાદ તેમના જયેષ્ટ પુત્ર અને વડાપ્રધાન રાજીવ ગાંધી, રાજીવના મૃત્યુ બાદ તેમના પત્ની અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સોનિયા-રાજીવના પુત્ર અને પ્રવર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને હવે રાહુલના બહેન અને પૂર્વ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી : એમ લગભગ નવ-નવ દાયકાઓનો નહેરુ-ગાંધી પરિવારનો 'પરિવારવાદ' ભારતીય રાજકારણ ઉપર પ્રભાવશાળી રહ્યો છે.

  આ પરિવારથી દૂર થયેલા પરંતુ રાજકીય રીતે સક્રિય એવા સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી ભલે કોંગ્રેસ સાથે ન હોય પરંતુ ભાજપમાં પણ ખાસ્સું વર્ચસ્વ ધરાવે જ છે !

  જો આ કોંગ્રેસનો પરિવાર વાદ હોય તો આ મુદ્દાને ઠમઠોરતો ભાજપ પણ ક્યાં પરિવારવાદથી 'અછૂતો' રહી શક્યો છે !

  રાજસ્થાનના ભાજપના પૂર્વ મુખ્યમંત્રી પદે રહેલા રાજવી પરિવારના વસુંધરા રાજે સિંધિયાના પુત્ર દુષ્યંતસિંહ સાંસદ છે. તેમના માતા વિજયરાજે સિંધિયા, મૂળે જનસંઘી અને ભાજપનો પાયો નાખનારા પૈકીના એક- જે મધ્યપ્રદેશના સિંધિયા પરિવારના રહ્યા, તેમના પુત્ર માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં અને માધવરાવના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કોંગ્રેસમાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે. મુદ્દે, આ રાજવી પરિવારે બંને પક્ષોમાં તેમનું સંતુલન પ્રતિનિધિત્વની દૃષ્ટિએ જાળવી રાખ્યું છે !

  રાજસ્થાનથી થોડા આગળ ચાલીયે તો છત્તીસગઢમાં ભાજપમાંથી લગભગ 15 વર્ષ સુધી શાસન કરનારા ડૉ.રમણસિંહના પુત્ર અભિષેક સિંહ પણ ભાજપના સાંસદ છે. ભાજપ સાશિત હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલના પુત્ર અનુરાગ ઠાકુર પણ ભાજપના જ સાંસદ છે, એટલું જ નહિ, તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડમાં પણ ખાસું વજન ધરાવે છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતા એકનાથ ખડસેનાં પુત્રવધુ પણ ભાજપી સાંસદ છે. વધુ એક મહારાષ્ટ્રના નેતા અને સ્વ. કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. પંકજાની બહેન પ્રીતમ ગોપીનાથની બેઠક બીડમાંથી ચૂંટાઈ આવી છે. અટલ સરકારમાં મોખરાના નેતા ગણાતા પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન હવે 'ભારતીય જનતા પાર્ટી યુથ વિંગ' ના રાષ્ટ્રીય પ્રમુખ છે. આ ઉપરાંત ભાજપની વાત કરીએ તો પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના પુત્ર જયંત સિન્હા પણ પ્રવર્તમાન ભાજપ સરકારમાં મંત્રી છે. દેશના ગૃહમંત્રી રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહ ઉત્તરપ્રદેશમાંથી ધારાસભ્ય છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના પુત્ર રાજવીરસિંહ પણ ભાજપના સાંસદ છે. આ યાદી ભાજપ માટે પણ લાંબી થઇ શકે તેમ છે.

  વાત કરીએ અન્ય પક્ષોની તો, શિવસેનાના જનક બાળાસાહેબ ઠાકરે, તેના પુત્ર ઉદ્ધવ ઠાકરે, તેમનો પુત્ર આદિત્ય ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે પરિવારના પ્રતીક સમાન છે. આંધ્રપ્રદેશ્માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં એન ટી રામરાવનો પરિવાર, તામિલનાડુમાં ડીએમકેનો કે.કરુણાનિધિનો પરિવાર, ઉત્તર પ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય દળમાં અજીતસિંહ અને તેના પુત્ર, સમાજવાદી પાર્ટીનો મુલાયમસિંહ યાદવ અને તેનો પરિવાર, બિહારમાં રાષ્ટ્રીય જનતા દલ (આરજેડી) અને લાલુપ્રસાદ યાદવનો પરિવાર, જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને મુફ્તી પરિવાર, કાશ્મીરમાં જ નેશનલ કોન્ફરન્સ અને અબ્દુલ્લા પરિવાર, ઓરિસામાં બીજેડીનો પટનાયક પરિવાર, પંજાબમાં અકાલી અને બાદલ પરિવાર વગેરે જેવા પરિવારો પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણને હંમેશા પ્રભાવિત કરતા રહ્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Priyanka gandhi, Tradition

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन