અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે શુક્રવારે ફોન પર થયેલી વાતચીતમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા તણાવ ઓછો કરવાની મહત્વતા પર ભાર મૂક્યો.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના ભારતના નિર્ણયને લઈને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે થયેલી બેઠક પહેલા ટ્રમ્પ અને ઈમરાને ફોન પર વાતચીત કરી હતી.
બેઠક બાદ વ્હાઈટ હાઉસના ઉપ પ્રેસ સચિવ હોગાન ગિડલેએ એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા તણાવ ઓછો કરવાની મહત્વતા જણાવી. તેઓએ કહ્યું કે બંને નેતાઓએ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા સંબંધોને આગળ વધારવાના મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઈસ્લામાબાદમાં કહ્યું કે ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર હેડકવાર્ટરમાં સુરક્ષા પરિષદની બેઠકને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિને વિશ્વાસમાં લીધા છે. રેડિયો પાકિસ્તાને કુરૈશીના હવાલાથી કહ્યું કે, વડાપ્રધાન ખાને કાશ્મીરના હાલના ઘટનાક્રમ અને ક્ષેત્રીય શાંતિ પર તેના ખતરાના સંબંધમાં પાકિસ્તાનની ચિંતાથી અવગત કરાવ્યા છે.