આખરે કિમ જોંગ સાથે મુલાકાત માટે રાજી થયા ટ્રમ્પ

કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ તસવીર)

બેઠક પહેલા ઉત્તર કોરિયા તરફથી અમેરિકાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારનું પરમાણુ કે મિસાઇલ પરીક્ષણ નહીં કરે.

 • Share this:
  ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે બંને નેતાઓ વચ્ચે બહુ ઝડપથી મુલાકાત થશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, મે મહિનામાં કિમ જોંગ ઉન સાથે ટ્રમ્પ મુલાકાત કરશે. સમાચાર પ્રમાણે કિમ જોંગે ભવિષ્યમાં પરમાણુ બોમ્બ અને મિસાઇલ પરીક્ષણ નહીં કરવાનું આશ્વાસન આપ્યું છે.

  ઉત્તર કોરિયા જે રીતે ન્યૂક્લિયર પરીક્ષણ કરી રહ્યું હતું તેને લઈને અમેરિકાએ અનેક વખત કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પરંતુ હવે બંને નેતાઓ વચ્ચે મે મહિનામાં મુલાકાત થવા જઈ રહી છે. બેઠક પહેલા ઉત્તર કોરિયા તરફથી અમેરિકાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારનું પરમાણુ કે મિસાઇલ પરીક્ષણ નહીં કરે.

  ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઇઉઇ યોંગે ટ્રમ્પ અને તેની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મુલાકાત બાદ આની જાહેરાત કરી હતી. નિવેદન આપતા ચુંગે કહ્યું કે, 'ઉત્તર કોરિયાના નેતાએ વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. '

  ડોનાલ્ડ ટ્રમ્પે આ મુલાકાતને લઈને એક ટ્વિટ પણ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'કિમ જોંગે ફક્ત પરમાણુ કાર્યક્રમ રોકવાની જ નહીં પરંતુ નિશસ્ત્રીકરણની પણ વાત કરી છે. આ દરમિયાન ઉત્તર કોરિયા કોઈ પરમાણુ પરીક્ષણ નહીં કરે. વાતચીતમાં સારી પ્રગતિ થઈ છે, આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી કોઈ કાયમી કરાર નથી કરવામાં આવતો. અમારા વચ્ચે મુલાકાતની યોજના છે.'

  Published by:Vinod Zankhaliya
  First published: