કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને આર્મી હૉસ્પિટલમાં દાખલ કરાયા

ડોનાલ્ડ ટ્રમ્પ.

શુક્રવારે ટ્રમ્પને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની પ્રાથમિક સારવાર ચાલી રહી છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમની તબિયત એકદમ સારી છે.

 • Share this:
  વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કોરોના પોઝિટિવ થયા છે. તેમને શુક્રવારે હૉસ્પિટલ (Trump Hospitalised)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે, ટ્રમ્પે હૉસ્પિટલમાં દાખલ હોવા છતાં કહ્યું છે કે તેમની તબિયત ખૂબ સારી છે. હાલ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી ચરમસીમા પર છે, આ સમયે જ ટ્રમ્પને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા છે. ટ્રમ્પ શુક્રવારે જાહેરમાં દેખાયા હતા અને માસ્ક પહેરીને વ્હાઇટ હાઉસથી નીકળીને વૉલ્ટર રીડ મિલિટરી હૉસ્પિટલ માટે રવાના થયા હતા.

  ટ્રમ્પે પોતે જ પોઝિટિવ હોવાની જાણ કરી હતી

  વ્હાઇટ હાઉસની અંદર રેકોર્ડ કરવામાં આવેલા 18 સેકન્ડના વીડિયોમાં ટ્રમ્પે જણાવ્યુ હતુ કે તેઓ સૈન્ય હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ એક નિવેદનમાં કહ્યુ છે કે, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ટ્રમ્પને થોડા દિવસો સુધી વોલ્ટર રીડમાંથી જ કામકાજ કરવાની સલાહ આપી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને કહ્યુ હતુ કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગટનથી બહાર એક સૈન્ય હૉસ્પિટલમાં આગામી દિવસોમાં કોરોનાની સારવાર માટે જશે. તેઓ હૉસ્પિટલ ખાતેથી જ પોતાનું કામ ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ટ્રમ્પે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે તેઓ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ કોવિડ પોઝિટિવ આવ્યા છે.

  આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતનો આંકડો એક લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 1069 લોકોનાં મોત

  ટ્રમ્પના ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવી શકે

  આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર મેનેજરે શુક્રવારે કહ્યુ હતુ કે નવેમ્બરમાં યોજાનાર ચૂંટણી માટે ટ્રમ્પના ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવશે અથવા તો વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે. આ નિર્ણય ટ્રમ્પ કોવિડ 19 પોઝિટિવટ આવ્યા બાદ લેવામાં આવ્યો છે. ટ્રમ્પના પ્રચાર મેનેજરે કહ્યુ કે, "રાષ્ટ્રપતિની ભાગીદારી હોય તેવા તેમજ પહેલા જાહેર કરેલા કાર્યક્રમો વચ્યુઅલી આયોજિત કરવામાં આવશે અથવા સ્થગિત પણ કરવામાં આવી શકે છે."

  મેલાનિયા ટ્રેમ્પ પોતાના કાર્યક્રમો સ્થગિત કર્યા

  ટ્રમ્પના ચૂંટણી પ્રચાર મેનેજરે કહ્યુ કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ, "પ્રચાર સાથે જોડાયેલા તમામ કાર્યક્રમો પર એક પછી એક નિર્ણય લેવામાં આવશે. આ અંગે અમે આગામી દિવસોમાં જાહેરાત કરીશું." જોકે, ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી કાર્યક્રમો શરૂ રાખશે.
  Published by:Vinod Zankhaliya
  First published: