નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદ્યાલયોમાં સવારે થતી પ્રાર્થના શું હિન્દુત્વને બઢતી આપે છે? સુપ્રીમ કોર્ટે આ સવાલને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. એક શિક્ષક તરફથી દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં સવાલ ઉઠાવ્યો છે કે, સરકારની ગ્રાંટથી ચાલતી સ્કૂલોમાં કોઈ ખાસ ધર્મનો પ્રચાર કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય વિદ્યાલયોના સંચાલકોને નોટિસ મોકલી છે.
જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમાનની અધ્યક્ષતા વાળી સુપ્રીમની બેંચે કહ્યું કે, 'કેન્દ્રીય વિદ્યાલયોમાં બાળકોને હાથ જોડીને આંખ બંધ કરીને પ્રાર્થના કેમ કરાવવામાં આવે છે?' બેંચે કહ્યું કે આ ખૂબ મહત્વનો કેસ છે.
આ પીઆઈએલમાં બંધારણની કલમ 92 અંતર્ગત 'રિવાઇઝ્ડ એજ્યુકેશન કોડ ઓફ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન'ની કાયદેસરતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આર્ટિકલ 92 પ્રમાણે, 'સ્કૂલમાં અભ્યાસની શરૂઆત સવારે પ્રાર્થનાથી થશે. બધા બાળકો, ટિચર્સ અને પ્રિન્સિપાલ આ પ્રાર્થનામાં ભાગ લેશે.' આ આર્ટિકલમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં થતી સવારની પ્રાર્થનાની પ્રક્રિયા અંગે બતાવવામાં આવ્યું છે.
અરજી દાખલ કરનારના જણાવ્યા પ્રમાણે, સરકારી સ્કૂલોમાં ધાર્મિક માન્યતા અને જ્ઞાનને પ્રસારિત કરવાને બદલે વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ સંવિધાનની કલમ 28 (1) અને કલમ 19 (મૌલિક અધિકારો)નું સંરક્ષણ કરવું જોઈએ.
પીઆઈએલના જણાવ્યા પ્રમાણે, 'આર્ટિકલ 19 નાગરિકોને મૌલિક અધિકારો અંતર્ગત અભિવ્યક્તિનો અધિકાર આપે છે. એવામાં વિદ્યાર્થીઓને કોઈ એક જ ધર્મનું આચરણ કરવા માટે ફરજ ન પાડવી જોઈએ.'
પીઆઈએલમાં ફરિયાદ કરવામાં આવી છે કે કેન્દ્રીય વિદ્યાલયોમાં બાળકોને પ્રાર્થના કરવી ફરજિયાત છે. જેને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી ન શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર