આંધ્રપ્રદેશમાં ખોટી માન્યતા લઈ રહી છે ગધેડાઓનો ભોગ, એક દાયકામાં 67 ટકાનો ઘટાડો
મર્દાની તાકાતમાં વધારો કરવા લેવાઈ રહ્યો ગધેડાઓનો ભોગ
લોકોમાં એક માન્યતા છે કે, ગધેડાનું દૂધ અને માંસ યોગ્ય રીતે આરોગવાથી વ્યક્તિ સ્ટીલ જેવું શરીર બનાવી શકે છે. આ અંધશ્રદ્ધા અને માંસની માંગના કારણે કેટલાક હિતાર્થીઓ ગધેડાનું માંસ રૂપિયા 700 થી 800 પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે. જાણો શું તેની પાછળનું સત્ય...
રઘુ અન્ના, આંધ્રપ્રદેશ: ગધેડાના દૂધ, માંસ અને લોહીમાં ઔષધીય મૂલ્યો હોવાની આંધળી માન્યતાને કારણે દેશમાં ગધેડાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ પોલીસે હાલમાં જ ગધેડાનું માંસ વેચનાર બે લોકોની ધરપકડ કરી છે અને PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)ના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત ઓપરેશનમાં ઓંગોલ અને ગુંટુર ખાતે 36 ગધેડા અને 750 કિલો ગધેડાનું માંસ જપ્ત કર્યું છે.
News18ને PETAના પ્રતિનિધિ ગોપાલ સુરબથુલાએ કહ્યું કે, લોકોમાં એક ખોટી માન્યતા પ્રવર્તે છે કે, આથી, ગધેડાનું દૂધ અને માંસ યોગ્ય રીતે આરોગવાથી વ્યક્તિ સ્ટીલ જેવું શરીર બનાવી શકે છે. આ અંધશ્રદ્ધા અને માંસની માંગના કારણે કેટલાક હિતાર્થીઓ ગધેડાનું માંસ રૂપિયા 700 થી 800 પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે. ગધેડાનું માંસ વેચવું અને ગધેડાનું ગેરકાયદેસર પરિવહન કરવું એ ગુનો માનવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી આંધ્રપ્રદેશમાં ગધેડા આયાત કરી રહ્યા છે.
ગોપાલ સુરબથુલાએ વધુમાં કહ્યું કે, કેટલાક લોકોએ ખોટો પ્રચાર કર્યો કે, ગધેડીનું દૂધ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત થશે. તેઓએ એવો પ્રચાર પણ કર્યો કે, એક લીટર ગધેડીનું દૂધ રૂપિયા 10,000માં વેચીને કરોડપતિ બની ગયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે ગધેડાના લોહી, દૂધ અને માંસમાં કોઈ ઔષધીય મૂલ્યો નથી. ગોપાલ સુરબથુલાએ કહ્યું કે, તાજેતરના આંકડાઓ અનુસાર છેલ્લા એક દાયકામાં 67 ટકા ગધેડાની વસ્તીમાં ઘટાડો થયો છે. તે સંબંધિત અધિકારીઓને ઔષધીય મૂલ્યોના નામ પર ગધેડાની હત્યાનો અંત લાવવા વિનંતી કરી રહ્યો છે.
આંધ્રપ્રદેશ પશુપાલન વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર વાય.વી. રમણએ કહ્યું કે, 'ગધેડાના માંસમાં કોઈ વિશિષ્ટ પોષક મૂલ્ય નથી અને ન તો તેનું કોઈ ઔષધીય મૂલ્ય છે. કાયદાના ડરથી, ગધેડાઓને ગંદકીવાળી જગ્યાએ મારી નાખવામાં આવે છે, આ બાદ અયોગ્ય રીતે પેક કરવામાં આવે છે, તેમનું માંસ ખાવાથી ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે.'
માત્ર માંસ જ નહીં, દૂધ અને લોહી માટે પણ ગધેડાનું શોષણ થાય છે. એવું માનવામાં આવે છે કે, તેનું દૂધ અનેક રોગોને દૂર કરે છે. ગધેડીનું એક કપ દૂધ લગભગ રૂપિયા 500માં વેચાય છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, ગધેડાનું લોહી પીવાથી દોડવાની ક્ષમતા વધે છે, જ્યારે આ વાતમાં કોઈ સત્ય નથી.
આંધ્રપ્રદેશમાં ગધેડાનાં માંસનો વપરાશ એટલી હદે વધ્યો છે, તેની જાણકારી વર્ષ 2019ની રાષ્ટ્રીય પશુધન વસ્તી ગણતરીના ડેટા પરથી જાણી શકાય છે. આ મુજબ છેલ્લા સાત વર્ષમાં રાજ્યમાં ગધેડાની વસ્તીમાં 53 ટકાનો ઘટાડો થયો છે. 2012માં આંધ્રમાં 10,164 ગધેડા હતા, જે 2019માં ઘટીને 4,678 થઈ ગયા. ખેતી અને પરિવહન માટે ગધેડાનો ઉપયોગ ઘટી રહ્યો છે, જે તેમના ઘટવાનું મુખ્ય કારણ છે. પરંતુ, આમાં ગધેડાના માંસના ગેરકાયદે ધંધાની ભૂમિકાને નકારી શકાય તેમ નથી.
જો ગધેડાના માંસ વિશેની ગેરસમજ ચાલુ રહે તો આંધ્રમાં ટૂંક સમયમાં ગધેડા દુર્લભ બની શકે છે. ચીનમાં પણ આવું થઈ ચૂક્યું છે. ત્યાં ગધેડાની ચામડીનો ઉપયોગ કરીને દવાઓ બનાવવામાં આવે છે. જેના કારણે ચીનમાં ગધેડા લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. ગધેડાનું માંસ મોરોક્કો, ટ્યુનિશિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ ખૂબ લોકપ્રિય છે.
વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ રમણ કુમાર આંધ્ર પ્રદેશમાં ગધેડાની ચરબીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિગતવાર સમજાવે છે. તે કહે છે કે, “આંધ્ર પ્રદેશના બાપટલા વિસ્તારમાં કેટલાક લોકો સાંધાના દુખાવા માટે ગધેડાની ચરબીમાંથી કાઢવામાં આવેલા તેલનો ઉપયોગ કરે છે. નિર્દોષ લોકોને ગધેડીના દૂધના ચમત્કારિક ફાયદા જણાવીને ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવે છે. જો આ બધું ચાલુ રહેશે, તો રાજ્યમાં ગધેડા ટૂંક સમયમાં લુપ્ત થવાના આરે પહોંચી જશે.
ગધેડાના માંસની કિંમત 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં, કેટલાક વેપારીઓ તેને મટનમાં ભેળવીને વેચે છે, જેની કિંમત 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલો છે. આ રીતે વેપારીઓ ગધેડાનું માંસ મટનના ભાવે વેચે છે અને ગ્રાહકો પણ અજાણતા ખાય છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર