જેલમુક્ત થયા બાદ ડૉ. કફીલે કહ્યું- ઉત્તર પ્રદેશના રાજા કરી રહ્યા છે બાળહઠ

અલાહાબાદ હાઈકોર્ટના આદેશના 12 કલાક બાદ ડૉ. કફીલ ખાનને મથુરા જેલથી રાત્રે 12 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા

અલાહાબાદ હાઈકોર્ટના આદેશના 12 કલાક બાદ ડૉ. કફીલ ખાનને મથુરા જેલથી રાત્રે 12 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા

 • Share this:
  લખનઉ/મથુરા/અલીગઢઃ અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના આદેશના લગભગ 12 કલાક બાદ ડૉક્ટર કફીલ ખાન (Dr. Kafeel Khan)ને અંતે મથુરા જેલથી મંગળવાર રાત્રે મુક્ત કરવામાં આવ્યા. ડૉ. કફીલ ખાનના વકીલ ઈરફાન ગાજીએ જણાવ્યું કે મથુરા જેલ પ્રશાસને રાત્રે લગભગ 11 વાગ્યે તેમને એ સૂચના આપી કે ડૉ. કફીલ ખાનને મુક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ રાત્રે લગભગ 12 વાગ્યે તેમને મુક્ત કરવામાં આવ્યા. જેલમુક્ત થયા બાદ ડૉ. કફીલ ખાને વાતચીતમાં કોર્ટ તરફ આભાર વ્યક્ત કર્યો. સાથોસાથ કહ્યું કે તેઓ એ તમામ શુભચિંતકોના પણ હંમેશા આભારી રહેશે જેઓએ તેમની મુક્તિ માટે અવાજ ઉઠાવ્યો.

  ડૉ. કફીલ ખાને કહ્યું કે, પ્રશાસન તેમને હજુ પણ મુક્ત કરવા તૈયાર નહોતું, પરંતુ લોકોની દુઆના કારણે જે તેઓ છૂટ્યા છે. પરંતુ આશંકા છે કે સરકાર તેમને ફરી કોઈ મામલામાં ફસાવી શકે છે. ડૉ. કફીલ ખાને કહ્યું કે હવે તેઓ બિહાર અને આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પીડિત લોકોની મદદ કરવા માંગશે.

  તેઓએ કહ્યું કે, રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ કહ્યું હતું કે રાજાને રાજધર્મ નિભાવવો જોઈએ, પરંતુ ઉત્તર પ્રદેશમાં રાજા રાજ ધર્મ નથી નિભાવી રહ્યા, પરંતુ તેઓ બાળહઠ કરી રહ્યા છે. ડૉ. કફીલ ખાન વધુમાં કહ્યું કે, ગોરખપુર મેડિકલ કૉલેજમાં થયેલા ઓક્સિજન કાંડ બાદથી જ સરકાર તેમની પાછળ પડી છે અને તેમના પરિવારને પણ ઘણું સહન કરવું પડ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને એનઆરસી (NRC)ને લઈને ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપમાં જેલમાં કેદ ડૉ. કફીલ ખાન (Dr Kafeel Khan)ને અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)માંથી મોટી રાહત આપી હતી. કોર્ટે તેમની પર લાગેલા NSAને ખોટો ગણાવતાં તેને હટાવી દીધો હતો. સાથોસાથ કોર્ટે કહ્યું છે કે ડૉ. કફીલ ખાનને જેલમાં પૂરવું ખોટું ઠેરવ્યું. તેની સાથે જ ડૉ. કફીલને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

  11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને ડૉક્ટર કફીલ ખાનની માતાની અરજી પર 15 દિવસમાં ચુકાદો આપવા માટે કહ્યું હતું. ડૉ. કફીલ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો દરમિયાન ઉશ્કેરીજનક નિવેદનો આપવાના આરોપમાં NSA હેઠળ જેલમાં કેદ છે. તેમની ઉપર ત્રણ વાર NSA લંબાવવામાં આવ્યો છે.

  આ પહેલા ડૉ. કફીલની પત્નીએ ટ્વિટર પર પોતાના પતિની મુક્તિને લઈ 4 ઓગસ્ટે એક કેમ્પેન પણ શરૂ કર્યું હતું, જેને લોકો તરફથી બહોળું સમર્થન મળ્યું હતું. ડૉ. કફીલની પત્ની 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ડૉ. કફીલના સમર્થનમાં અરજ કરી ચૂકી છે. તેમને કથિત રીતે CAAના વિરોધની વચ્ચે 13 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક ઉશ્કેરીજનક ભાષણ માટે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: