જયપુર : રાજસ્થાનમાં રાજ્યસભાની 3 સીટો માટે 26 માર્ચે ચૂંટણી થવાની છે. વર્તમાન ધારાસભ્યની સંખ્યાના આધારે કોંગ્રેસના ખાતામાં 2 સીટો આવશે તે નક્કી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ આગામી બે દિવસોમાં નક્કી કરવા પડશે, કારણ કે 13 માર્ચે નામાંકન કરવાની અંતિમ તારીખ છે. રાજનીતિક ગલિયારામાં તારિક અનવર, રાજીવ અરોડા, ભંવર જિતેન્દ્ર સિંહ (Bhanwar Jitendra Singh)થી લઈને ગૌરવ વલ્લભ (Gaurav Vallabh) સુધી અનેક નામ ચર્ચામાં છે. જેમાં બે નામ પર આવનાર બે દિવસોમાં મહોર લાગશે. આ નામમાંથી એક નામ એવું છે જેને લઈને સચિન પાયલટનું જૂથ નારાજ છે.
મીડિયા રિપોર્ટ અને પાર્ટી જાણકારોના મતે પાર્ટી તારિક અનવરને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. તારિક અનવર 5 વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યા છે. બીજુ નામ રાજીવ અરોડાનું સામે આવ્યું છે. જોકે બતાવવામાં આવી રહ્યું છે કે પાયલટનું જૂથ આ નામને લઈને બિલકુલ સહજ નથી. પાર્ટી સૂત્રોના મતે પાયલટે દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગેહલોતના નજીકના ગણાતા અરોડા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તે પ્રદેશમાં પાર્ટીના ઉપાધ્યક્ષ છે અને પર્યટન વિકાસ નિગમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી ગેહલોતે નામ નક્કી કરવા માટે સપ્તાહ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો - મધ્ય પ્રદેશ : શું હજુ પણ કોંગ્રેસ પાસે છે કોઈ ‘માસ્ટરસ્ટ્રોક’, પીસી શર્માએ આપ્યા સંકેત
રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીનું ગણિત
રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ 10 સીટો છે. જેમાં હાલ 9 ભાજપા અને 1 કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસે ગત ઓગસ્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અહીંથી રાજ્યસભા માટે મોકલ્યા હતા. ભાજપાના 3 રાજ્યસભા સાંસદ વિજય ગોયલ, નારાયણ પંચારિયા અને રામનારાયણ ડૂડીનો કાર્યકાળ 9 એપ્રિલ પુરો થઈ રહ્યો છે. રાજ્ય વિધાનસભામાં બદલાયેલા સંખ્યાબળના આધારે 2 સીટો કોંગ્રેસને મળે તે નક્કી છે. ભાજપાએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. રાજ્ય વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યોમાંથી 107 કોંગ્રેસના છે અને 72 ભાજપાના છે. રાજ્યમાં 13માંથી 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ કોંગ્રેસને છે.
Published by:Ashish Goyal
First published:March 10, 2020, 20:57 pm