Cold wave is expected to return to Delhi: દિલ્હીમાં આગામી અઠવાડિયાથી ફરી એકવાર કોલ્ડ વેવ રહેવાની આગાહી કરાઈ છે, અને લઘુત્તમ તાપમાન ઘટીને માઈનસની નજીક પહોંચવાની સંભાવના છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી (Delhi Weather Today)માં આગામી અઠવાડિયાથી ફરી એકવાર કોલ્ડ વેવ (Cold Wave)નું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ શકે છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું છે કે રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન માઈનની નજીક પહોંચવાની સંભાવનાઓ છે. સોમવારથી બુધવાર વચ્ચે દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં તાપમાનમાં મોટો ઘટાડો થઈને કોલ્ડ વેવની અસર અનુભવાઈ શકે છે. મંગળવાર અને બુધવારે તાપમાન ઘટીને 3 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વરતાઈ રહી છે, રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાવાનો શરું થઈ ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજધાની દિલ્હીમાં 5થી 9 જાન્યુઆરી દરમિયાન કોલ્ડ વેવ રહ્યું હતું, જે આ દાયકાનો સૌથી લાંબો સમય રહેલો કોલ્ડ વેવ હતો. શનિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 18.4 ડિગ્રી રહ્યું હતું. આ તાપમાન દર વર્ષના આ ગાળાના તાપમાન કરતા નીચું નોંધાયું છે.
આ સાથે રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ધૂમ્મસ રહેવાની સંભાવના છે. જેના કારણે રોડ, રેલ અને એર ટ્રાફિક પર તેની અસર પડી શકે છે. અગાઉ પડેલા ધૂમ્મસના કારણે આ ટ્રાફિક પર તેની અસર પડી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ તથા બાલિસ્ટાનમાં વરસાદ/હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય મુઝફ્ફરાબાદ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પશ્ચિમ હિમાલય પર બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 જાન્યુઆરીની રાત્રે પણ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પછી ઉત્તર ભારતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 20 જાન્યુઆરીએ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
શનિવારે હિમાચલપ્રદેશના મનાલીમાં 23 સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી, જ્યારે ખદ્રાલા અને શિલ્લારોમાં 16-16 સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી, આ સિવાયના કુફ્રી, ભરમોરા, શિમલા, ગોંડલા, ડેલહાઉસી, કાલપા, કેયલોંગ અને હંસામાં હિમવર્ષા નોંધાઈ હતી.
હિમવર્ષાના કારણે ગુજરાતનું તાપમાન ગગડ્યું
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે પશ્ચિમોત્તર ભારતના રાજ્યોમાં અને ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે ઉત્તરાયણ પછીના અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધશે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 7-6 ડિગ્રીએ જણાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે આ વખતે ઠંડીનો ચમકારો લાંબો સમય રહેવાની વકી પણ કરી હતી.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર