દિલ્હી : હિંસક ભીડે BSF જવાનનું ઘર સળગાવ્યું, કહ્યું- 'આવો પાકિસ્તાની, નાગરિકતા આપીએ'

દિલ્હી : હિંસક ભીડે BSF જવાનનું ઘર સળગાવ્યું, કહ્યું- 'આવો પાકિસ્તાની, નાગરિકતા આપીએ'
ભીડે બીએસએફ જવાનના ઘરને આગ લગાડી દીધી.

બીએસએફ જવાનના ઘરમાં આગામી દિવસોમાં બે લગ્ન હતા. લાખોની રોકડ, કિંમતી વસ્તુઓ અને ઘરેણા આગમાં ખાખ થઈ ગયા.

  • Share this:
    નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ દિલ્હીની હિંસામાં મૃતકોની સંખ્યા શુક્રવારે બપોર સુધી 42 પર પહોંચી છે. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે ખજૂરી ખાસ શેરીમાં આવેલા ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડી દેવામાં આવી હતી. આ તમામ ખબરો વચ્ચે એક બીએસએફ જવાનનું ઘર સળગી જવાનો મામલો સામે આવ્યો છે. ખજૂરી ખાસ સ્થિત (Khajuri Khas) ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે કે મકાન નંબર 76 બીએસએફના મોહમ્મદ અનીસનું છે. જેમાં બીએસએફનું પ્રતીક ચિન્હ પર લાગેલું છે. જોકે, આ ઘરને હિંસાથી બચાવવા માટે આ પૂરતું ન હતું!

    પહેલા ઘર બહાર ઉભેલી કારોમાં આગ લગાડી દેવામાં આવી હતી. જે બાદમાં ભીડે પથ્થરમારો કર્યો હતો. હિંસક ભીડે અનીસના ઘરમાં સિલિન્ડર ફેંકીને કહ્યું કે, 'અહીં આવ પાકિસ્તાની, તને નાગરિકતા આપીએ છીએ.'



    આ પણ વાંચો : દિલ્હી હિંસા : મુસ્લિમ પરિવારે કરાવ્યા પાડોશમાં રહેતા હિન્દુ દીકરીના લગ્ન

    અનીસે પેરામિલિટરી ફોર્સમાં પોતાની કારકિર્દી વર્ષ 2013માં શરૂ કરી હતી અને આશરે ત્રણ વર્ષ જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી હતી. અનીસના ઘરે તેના 55 વર્ષીય પિતા મોહમ્મદ મુનીસ, 59 વર્ષીય કાકા મોહમ્મદ અહમદ અને 18 વર્ષીય પિતરાઇ નેહા પરવીન હતા. કોઈ અજુગતું થવાની આશંકાએ તમામ લોકો ઘર બહાર નીકળી ગયા હતા, જે બાદમાં પેરામિલીટરી ફોર્સે તેમની મદદ કરી હતી.

    કોઈ પણ પાડોશી હુમલામાં સામેલ નહીં

    આ ઘરમાં બે લગ્ન થવાના હતા. નેહા પરવીનના એપ્રિલમાં લગ્ન થવાના હતા અને અનીસના આગામી મહિને લગ્ન થવાના હતા. પરિવારે કહ્યું કે, "અમારી જિંદગીની જમા મૂડી, ઘરેણા, સોનાના બે હાર, ચાંદીના ઘરેણા તમામ વસ્તુઓ ચાલી ગઈ છે. અમે હપ્તેથી ઘરેણા ખરીદ્યા હતા. દર મહિના પૈસા ચુકવતા હતા. લગ્ન માટે ત્રણ લાખની રોકડ અને કિંમતી સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો."

    ખજૂરી ખાસ એક હિન્દુ બહુમત વિસ્તાર છે. જોકે, અનીસના પરિવારનું કહેવું છે કે તેમનો કોઈ પણ પાડોશી હુમલામાં સામેલ નથી. તેમણે કહ્યું કે, બહારથી લોકો આવ્યા હતા. હિન્દુ પાડોશીઓએ ભીડ જોઈને તેમને ત્યાંથી જતા રહેવાની સલાહ આપી હતી.

    દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા 42 પર પહોંચી

    દિલ્હીમાં હિંસાનો શિકાર લોકોની સંખ્યા વધી રહી છે. શુક્રવારે મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે બપોર સુધી ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલ (GTB Hospital)માં 38, લોક નાયક જય પ્રકાશ હૉસ્પિટલ (LNJP Hospital)માં ત્રણ, જગ પરવેશ ચંદ્ર હૉસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું છે. હિંસાને કારણે અત્યાર સુધી 275થી વધારે લોકો ઘાયલ થયા છે. આ લોકોની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    First published:February 28, 2020, 16:14 pm